ઉનાળામાં પડતી પાણી સમસ્યાના નિરાકરણ માટે પણ 2.57 કરોડની જોગવાઇ
નવસારી : નવસારી જિલ્લા પંચાયતની આજે મળેલી ખાસ સામાન્ય સભામાં જિલ્લામાં ઉનાળામાં પડતી પાણી સમસ્યા અને સ્વચ્છતા ઉપર વિશેષ ધ્યાન આપી અનેક વિકાસ કાર્યોને મંજૂરીની મહોર મારવામાં આવી હતી. ખાસ કરીને ટાઇડ અને અનટાઇડ બંને કામો મળીને 15 માં નાણા પંચ અંતર્ગત કુલ 8.69 કરોડ રૂપિયાના કામોને અડધો કલાકમાં જ બહાલી આપી દેવામાં આવી હતી.
જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા નિયત સમયથી બે કલાક મોડી શરૂ થઇ
નવસારી જિલ્લા પંચાયતમાં બજેટ સભા મળે એ પૂર્વે આજે એક ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. 12:30 વાગ્યે શરૂ થનારી સભામાં પાર્ટી મીટીગ અને ત્યારબાદ ભોજનને કારણે સભા બે કલાક બાદ 2:30 વાગ્યે શરૂ થઇ હતી. સભા શરૂ થતાની સાથે જ એજન્ડાના કામોને નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ સભા સમક્ષ મુક્યા હતા. જેમાં 15 માં નાણા પંચ અતર્ગત વર્ષ 2024-25 માટે માટેની ગ્રાન્ટના 10 ટકા રકમ, એટલે ટાઇડ અને અનટાઇડ પ્રકારના કામો માટે કુલ 8.69 કરોડ રૂપિયાના કામોને બહુમતીએ બહાલી આપવામાં આવી હતી. ખાસ કરીને ઉનાળાના સમયમાં જિલ્લાના વાંસદા, ખેરગામ અને ચીખલીના કેટલાક ગામોમાં પાણી સમસ્યા ઉભી થાય છે, ત્યારે પાણી સમસ્યા ધરાવતા વિસ્તારોની માંગને ધ્યાને રાખીને બોર, કુવા, હેન્ડ પંપ, પાણીની ટાંકી જેવા કામો ત્વરાએ મંજૂર કરી, ઉનાળા પૂર્વે પૂર્ણ કરવાની તૈયારી સાથે 2.57 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જયારે રસ્તા, બ્લોક, વરસાદી ડ્રેનેજ જેવા કામોને પણ સભામાં મજૂરી આપવામાં આવી હતી. સાથે જ જિલ્લા પંચાયતના કાયદાકીય કેસો માટે જિલ્લા અને તાલુકા કક્ષાના વકીલોની ફી પણ નક્કી કરવામાં આવી હતી.
નિર્મળ ગામ, સ્વચ્છ ગામ હેઠળ ગામડાઓની યોજાશે સ્વચ્છતા સ્પર્ધા
નવસારી જિલ્લામાં સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. જેમાં જિલ્લાના 360 ગામોને સ્વચ્છ બનાવવા “સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી” સુત્ર હેઠળ જાન્યુઆરી મહિનાથી તમામ ગામોમાં સુકો અને ભીનો કચરો અલગ અલગ રીતે લેવામાં આવી રહ્યો છે. સાથે જ ગામમાં જાહેર સ્થળોએ ગંદકી ન થાય અને સ્વચ્છતા જાળવવામાં આવે એવા પ્રયાસો થઇ રહ્યા છે. ત્યારે ગામડાઓને પ્રોત્સાહિત કરવા “ નિર્મળ ગામ, સ્વચ્છ ગામ “ યોજના અંતર્ગત દર મહીને સ્વચ્છતામાં પ્રથમ આવનાર ગામને પ્રોત્સાહક રકમ આપવામાં આવશે. જેમાં 10 હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામને 1 લાખ, 5 થી 10 હજાર સુધીની વસ્તીવાળા ગામને 75 હજાર અને 5 હજાર કે તેથી ઓછી વસ્તી ધરાવતા ગામને 50 હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર પંચાયતના સ્વ ભંડોળમાંથી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી ગામડાઓ સ્વચ્છતામાં અગ્રેસર રહેવાના પ્રયાસો કરે અને જિલ્લો સ્વચ્છ બને.