નવસારીમાં સમાજ સેવિકા બની ફરતી રીશિદા ઠાકૂર પણ છેતરપીંડીમાં સામેલ
નવસારી : સરકારી નોકરી મેળવવાની ઘેલછામાં નવસારીના બે યુવાનોએ લાખો ગુમાવવાનો વારો આવ્યો છે. નવસારીમાં સમાજસેવિકા બનીને ફરતી મહિલાના મારફતે દિલ્હીના ઠગભગતોએ યુવાનોને કોલ લેટર, ઓળખ કાર્ડ આપીને ૩૩ લાખથી વધુ પડાવ્યા, પણ પોસ્ટીંગ ન મળતા છેતરાયાનો અનુભવ થતા યુવાનોએ નવસારી ટાઉન પોલીસ મથકે મહિલા સહિત 6 સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી છે.
નોકરી મેળવવા યુવાને માતાના ઘરેણા ગીરવે મુક્યા, પિતાએ લોન લીધી
મળતી માહિતી અનુસાર, નવસારીમાં થોડા વર્ષોથી મહિલાઓના ઉત્કર્ષ માટે તપસ્યા નારી ચેરીટેબલ ટ્રસ્ટના નામે NGO ચલાવતી રીશિદા ઠાકુરે થોડા સમયની રાજકારણીઓ સહિત વિભિન્ન વિભાગોના અધિકારીઓ સાથે ઘરોબો હોવાનો માહોલ ઉભો કરી અનેક લોકોને આંજી દીધા હતા. જેમાં ગત વર્ષ 2021 માં ગણદેવીમાં આર્શાલ આર્ટસ શિખવતા વિપિન કુશ્વાહા સાથે સંપર્ક થતા, રીશિદાએ વિપીનને મહિલાઓને ટ્રેનીંગ આપવા માટે મનાવી લીધો હતો અને બાદમાં વિપીને તપસ્યા નારી સંસ્થાના નેજા હેઠળ મહિલાઓને માર્શલ આર્ટસની તાલીમ પણ આપી હતી. એ દરમિયાન BE Electrical કરનારા વિપીન કુશ્વાહા નોકરી શોધી રહ્યો હોવાનું જાણતા રીશિદા ઠાકુરે તેનો લાભ ઉઠાવ્યો હતો. જેમાં દિલ્હીથી નવસારી આવેલા જગમિત સિંગ, આશુતોષ રાકેશ અરોરા, નિખિલ છાબરા, દીપક ગોરખ ધામાની દિલ્હીના સરકારી વિભાગોમાં અને ખાસ કરીને રેલ્વેમાં ખાસ્સી ધાક હોવાનુ જણાવતા વિપીન કુશ્વાહા તેમની નોકરીની જાળમાં ફસાઈ ગયો હતો. જોકે વિપીને રીશિદાને દિલ્હીથી આવેલા લોકો ઠગ તો નથીને, એની ખાતરી કરવા પૂછપરછ કરી, તો તેણે નચિંતથી આગળ વધવા આશ્વાસન આપ્યુ હતું. દિલ્હીના ઠગ ભગતોએ વિપીનને રેલ્વેમાં લોઅર ડિવીઝન ક્લાર્ક નોકરી અપાવવાની લાલચ આપી, તેના માટે 14 લાખની માંગ કરી હતી. રીશિદાના વિશ્વાસ થકી વિપીન લાખો આપવા તૈયાર થયો હતો. જેના માટે તેના પિતાએ લોન લીધી અને માતાના ઘરેણા ગીરવે મુક્યા હતા. સાથે જ વિપીનના મિત્રને પણ રેલ્વેમાં બુકીંગ ક્લાર્કની નોકરી અપાવવા 18 લાખથી વધુની રકમ માંગી હતી, જેણે પણ કેન્દ્ર સરકારમાં નોકરીની લાલચે રીટાયાર્ડ થયેલા પિતાની બચત ખર્ચી નાંખી હતી.
બંને યુવાનોને દિલ્હી બોલાવી ઠગ ભાગતોએ કોલ લેટર, ઓળખ કાર્ડ આપીને તાલીમ પણ આપી
ઠગ ભગતોએ વિપીન અને તેના મિત્રને દિલ્હી બોલાવી ટ્રેનીંગ પણ આપી હતી અને કોલ લેટર, આઈડી કાર્ડ પણ આપીને વિશ્વાસમાં લીધા હતા. બાદમાં વિપીનને પણ બુકીંગ ક્લાર્કમાં નોકરી અપાવવાના બહાને વધુ રકમ ઉસેટી હતી. જોકે ટ્રેનીંગ પૂર્ણ થયાની વાત બાદ પોસ્ટીંગ ન મળતા વિપીન તેમજ તેના મિત્રને તેઓ છેતરાયા હોવાનો અનુભવ થયો હતો જેથી તેમણે રૂપિયાની માંગ કરતા ઠગ ભગતોએ 1.70 લાખ રૂપિયા પરત આપ્યા હતા. પરંતુ બાકીના રૂપિયા આપવામાં ઠાગાઠૈયા કરતા અંતે નવસારી ટાઉન પોલીસ મથકે NGO ની રાષ્ટ્રીય અધ્યક્ષ બની ફરતી રીશિદા ઠાકુર તેમજ દિલ્હીના જગમિત સિંગ, આશુતોષ રાકેશ અરોરા, નિખિલ છાબરા, દીપક ગોરખ ધામા વિરૂદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.