નવસારીની AB સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની આપી ટીપ
નવસારી : સોમવારથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. એ પૂર્વે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઇને ડર હોય છે, બે દિવસ અગાઉ વાંસદાની એક વિદ્યાર્થીનીને વાંચેલુ યાદ ન રહેતા, આત્મહત્યા કરવા જતા પોલીસે બચાવી હતી. વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન યોગ્ય તૈયારી ન હોવાને કારણે પરીક્ષા સમયે ડર હોય છે, પણ પરીક્ષા દરમિયાન પ્લાનિંગ સાથે વિદ્યાર્થીઓ પેપર આપે, તો બોર્ડ પરીક્ષા આપવામાં સરળતા રહેવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.
સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ થાય, તો વિદ્યાર્થીઓને રીવીઝન માટે પુરતો સમય મળે
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સોમવારથી શરૂ થવા જઈ રહી છે, પરંતુ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં બોર્ડ પરીક્ષાના નામનો ડર હોય છે, જેથી ઘણીવાર વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં સરી પડે છે અને વાંચવા છતા યાદ ન રહેવા, સમય મર્યાદામાં લખી ન શકાય જેવી સમસ્યા તેમજ વધુ પડતી ચિંતાને કારણે બીમાર પણ થતા હોય છે. જેના મુખ્ય કારણોમાં વર્ષ દરમિયાન બોર્ડને ધ્યાને રાખીને શાળામાં તૈયારીનો અભાવ જોવા મળે છે, ઘણીવાર વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની પેપર પદ્ધતિ તેમજ 3 કલાકની સમય મર્યાદામાં પેપર કેવી રીતે પુરૂ કરવુ એની સમજણ પણ મળતી નથી. ત્યારે છેલ્લા થોડા વર્ષોમાં જ નવસારી જિલ્લામાં બોર્ડ પરીક્ષામાં ઉત્કૃત્ષ્ટ પરિણામ મેળવનારી નવસારી AB સ્કૂલની સિલેબસ પુરો કરવાની પેટર્ન અને વિદ્યાર્થીઓને રીવીઝન માટે 3 મહિનાનો પુરતો સમય આપવાની સ્ટ્રેટેજી વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં ચિંતામુક્ત રાખતા હોવાનો આત્મવિશ્વાસ શાળાએ વ્યક્ત કર્યો હતો.
વર્ષ દરમિયાન સતત ટેસ્ટ અને બોર્ડની પદ્ધતિથી જ શાળા પરીક્ષાઓ ભાંગે છે છે બોર્ડ પરીક્ષાનો ડર
AB સ્કૂલના સહ સંસ્થાપક અને શિક્ષક રાકેશ કાલાવાડીયાએ જણાવ્યુ કે, ધોરણ 10 અને 12 માં સમયસર અભ્યાસક્રમ પૂર્ણ ન થવાને કારણે વિદ્યાર્થીઓને રીવીઝન કરવાનો સમય ઓછો થઇ જાય છે. સાથે જ વર્ષ દરમિયાન લેવાતી પરીક્ષામાં પેપર કેવી રીતે લખવુ તેમજ સમય મર્યાદામાં પેપર લખવા શું ધ્યાન રાખવુ એની સમજણ પણ હોતી નથી. બીજું વિદ્યાર્થીઓ કલાકો સુધી વાંચે છે, પણ તેમને વાંચેલું યાદ ન રહેવાની ફરિયાદો હોય છે. ત્યારે અમારી શાળામાં બોર્ડના વર્ષનાં અભ્યાસક્રમને એવી રીતે ભણાવવામાં આવે છે, કે ડિસેમ્બર સુધીમાં સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કરી લઈએ છીએ. બીજી તરફ અઠવાડિયામાં બે ટેસ્ટ લઈએ છીએ એટલે વિદ્યાર્થીઓને પેપર લખવાની પ્રેક્ટીસ થઇ જાય છે. સાથે જ વર્ષ દરમિયાન બોર્ડની પરીક્ષા પદ્ધતિ અનુસાર, ખાખી બારકોડ સ્ટીકર, પુરવણી બાંધવા સાથેની તમામ પ્રક્રિયાથી અવગત હોય છે. જેમાં પણ ત્રણ મહિનાના રીવીઝન સાથે કુલ 5 મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવે છે, એટલે વિદ્યાર્થીને પરીક્ષાનો થોડો પણ ડર રહેતો નથી.
જે પેપર આપી દીધુ એને સોલ્વ કરવાને બદલે આગળના પેપરની તૈયારી કરો
ધોરણ 10 અને 12 ની પરીક્ષા બોર્ડ પરીક્ષા છે, જીવનની અંતિમ પરીક્ષા નથી. આવડશે કે નહીં, પેપર લખી શકાશે કે નહીં, એવો ગભરાટ રાખ્યા વિના પેપર આપવાનું છે. કોઈ એક પેપર નબળું જાય તો ચિંતા કર્યા વિના આગળના બીજા પેપરની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. પેપર આપ્યા પછી એને સોલ્વ કરવાની કે એના વિષે વિચારવાનું નથી, કારણ પેપર અપાઈ ગયુ છે, એમાં કાંઈ થવાનું નથી. જેથી એનું ખોટું ટેન્શન બીજા પેપર પર ન આવે એનું ધ્યાન રાખવાનું છે.
વાંચવાનો ટાર્ગેટ રાખો, બે કલાકે બ્રેક લેવો
વાંચતી વેળાએ એકયુરસી ઉપર ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર વાંચ્યા જ કરતા હોય છે, પણ વાંચેલું યાદ રહેતું નથી. જયારે પણ વાંચવા બેસો ત્યારે નક્કી કરો કે કેટલો સમય વાંચશો. ઉદાહરણ તરીકે, હું બે કલાક વાંચીશ. વાંચતી વેળાએ ઉભો પણ ન થાઉં, પાણી પીને બેસીશ અને બે કલાકમાં આટલું કન્ટેન્ટ વાંચવાનું છે એનો ટાર્ગેટ લઈને વાંચવા બેસો, તો ફાયદો થાય. બે કલાક વાંચ્યા બાદ 15 – 20 મિનીટનો બ્રેક લેવો અને ત્યારબાદ ફરી વાંચન શરૂ કરોએ સલાહભરેલું છે.
પરીક્ષામાં પેપર લખો તો છેકછાક ઓછી થાય, સુવાચ્ય અક્ષરે અને મુદ્દાસર જવાબ લખો
પરીક્ષા ખંડમાં પેપર લખતી વખતે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની બાબતોમાં પેપર સુવાચ્ય અક્ષરે લખો, જવાબ મુદ્દાસરનો હોય અને છેકછાક ઓછી થાય એનું ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્ન નથી આવડતો, તો ખોટા ગપ્પા ન મારો, એની જગ્યાએ જેટલું આવડે છે એને લખો. મુદ્દા પાડીને જવાબ આપો, આકૃતિઓ વ્યવસ્થિત ડ્રો કરો અને નામ નિર્દેશન સારી રીતે લખો તો સારા માર્ક્સ આવી શકે.
નવસારી : સોશિયલ મીડિયા પર માત્ર થોડી લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાની આંધળી દોડમાં નવસારીનો રેલ્વે ઓવરબ્રિજ હવે જોખમી રીલ્સ બનાવવાનું ગેરકાયદેસર હોટસ્પોટ બની ગયો છે. મધ્યરાત્રિના સમયે અન્યના જીવ જોખમમાં મૂકીને બાઈક ખભા પર ઉંચકીને બાહુબલી સ્ટંટ કરતા યુવાનોનો વધુ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રાત્રિના સમયે બાઈક ખભા પર ઊંચકી રીલ બનાવતો વીડિયો થયો વાયરલ
પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારી રેલ્વે ઓવરબ્રિજ પર રાત્રિના અંધારામાં કેટલાક યુવાનોએ ટ્રાફિકના તમામ નિયમો અને સુરક્ષાને નેવે મૂકીને જોખમી સ્ટંટ હાથ ધર્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં એક યુવાન ‘બાહુબલી’ ફિલ્મના દ્રશ્યની જેમ પોતાના ખભા પર આખી બાઈક ઊંચકતો જોવા મળે છે, જ્યારે તેના અન્ય મિત્રો આ જોખમી હરકતને કેમેરામાં કેદ કરીને તેને સપોર્ટ કરી રહ્યા છે. મહત્વનું છે કે, આ બ્રિજ પર અગાઉ પણ આવા જીવલેણ સ્ટંટના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આવા ‘રીલબાજો’ના હોંસલા વધતા જાય છે. સાર્વજનિક સંપત્તિ અને રસ્તા પરથી પસાર થતા નિર્દોષ નાગરિકો માટે મોટું અકસ્માતનું જોખમ ઊભું કરતા આ યુવાનો સામે પોલીસ અને સ્થાનિક પ્રશાસન ક્યારે કડક કાનૂની બ્રેક મારશે, તે જ હવે શહેરીજનોમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.
છેલ્લા બે દિવસથી નવસારીના ચીખલી તાલુકાના રૂમાલા ગામના ચીરપાડા ફળિયા આસપાસ દીપડાની સક્રિય હિલચાલ જોવા મળતા સ્થાનિકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતાને ધ્યાને રાખી ગ્રામજનોએ તુરંત ચીખલી વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે ત્વરિત પગલાં ભરીને સ્થાનિક નીલેશ દેશમુખના વાડામાં વ્યૂહાત્મક રીતે પાંજરૂ ગોઠવ્યું હતું. મોડી રાત્રે ખોરાક અને શિકારની શોધમાં આવેલો આ કદ્દાવર દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો. સવારે દીપડો પાંજરે પુરાયાના સમાચાર ફેલાતા જ આ અદભૂત વન્યજીવને જોવા માટે ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા હતા. વન વિભાગે સ્થળ પર પહોંચીને દીપડાનો સુરક્ષિત કબજો મેળવી તેને ચીખલી ખાતે ખસેડ્યો હતો. વન્યજીવ તબીબો દ્વારા દીપડાનું પ્રાથમિક આરોગ્ય પરીક્ષણ કર્યા બાદ તેને તેના પ્રાકૃતિક નિવાસસ્થાન એવા ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે .
નવસારી : ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારની કામગીરી સામે આયોગના જ અન્ય બે કમિશ્નરો દ્વારા ગંભીર આરોપો મુકાતાં સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. દેશભરમાં વિપક્ષો દ્વારા EVM અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જેમાં આજે નવસારી કોંગ્રેસ દ્વારા નવસારી કલેક્ટર કચેરી નજીક ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જોકે કોંગ્રેસીઓ રસ્તા પર પહોંચતા જ પોલીસે જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સહિતના કાર્યકરોને ડિટેન કર્યા હતા.
મુખ્ય ચૂંટણી કમિશ્નરના રાજીનામા અને પુનઃ ચૂંટણીની માંગ સાથે વિરોધ
પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારના ફોટા સળગાવીને અને પ્લેકાર્ડ દર્શાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ તકે આગેવાનોએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી આયોગ વર્તમાન મોદી સરકાર સાથે મળીને બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જ્ઞાનેશકુમાર તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપે તેમજ તેમના કાર્યકાળ દરમિયાન યોજાયેલી ચૂંટણીઓની તટસ્થ સમીક્ષા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કોંગ્રેસે પશ્ચિમ બંગાળ અને બિહારમાં ફરીથી ચૂંટણીઓ યોજવાની સ્પષ્ટ માંગણી રજૂ કરી હતી.
રસ્તા પર ચક્કાજામના પ્રયાસ બાદ પોલીસ કાર્યવાહી : તમામ અગ્રણીઓ ડિટેન
કલેક્ટર કચેરીથી થોડે દૂર હાથ ધરાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો આવેશમાં આવીને રસ્તા પર પહોંચી ગયા હતા અને વાહનવ્યવહાર ઠપ્પ કરવાનો (ચક્કાજામ) પ્રયાસ કર્યો હતો. સ્થિતિ વણસતી જોઈને ઘટનાસ્થળે હાજર પોલીસે ત્વરિત પગલાં ભરી, પરમિશન વિના વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ, કાર્યકારી પ્રમુખ રાજન જોષી, મહિલા કોંગ્રેસ પ્રમુખ સમીરા શેખ, પ્રભા વલસાડીયા, યુથ કોંગ્રેસ પ્રમુખ આદિલ શાહ સહિત મનીષ બારોટ, એ.ડી. પટેલ અને વીરેન્દ્રભાઈ દેસાઈ જેવા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોને ડિટેન કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.