પરિણીતાએ પોતાના પિયરમાં આવી આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ..? ઘેરાતું રહસ્ય
નવસારી : નવસારીના અબ્રામા ગામે આજે સવારે પિયર આવેલી પરિણીતાનો શંકાસ્પદ અવસ્થામાં સળગેલો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. વેડછા રહેતી પરિણીતાએ પિયર આવી આત્મહત્યા કરી કે તેની હત્યા કરી સળગાવવામાં આવી એ અંગે રહસ્ય ઘેરાયું છે.
પરિણીતા રાત્રે આવી કે વહેલી સવારે… માતા પિતાને પણ જાણ નહીં

મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના અબ્રામા ગામના દેવળ ફળિયાના પટેલ પરિવારના વાડામાંથી 38 વર્ષીય મુક્તિ રમણ પટેલનો શંકાસ્પદ અવસ્થામાં સળગી ગયેલો મૃતદેહ મળતા, તેના માતા પિતાના હોશ ઉડી ગયા હતા. ઘટના સંદર્ભે જલાલપોર પોલીસને જાણ કરતા જલાલપોર PI એન. એમ. આહીર તેમની ટીમ સાથે પહોંચ્યા હતા. ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસને પ્રાથમિક તબક્કે શંકા જતા ઉપરી અધિકારીઓને જાણ કરતા નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. રાય સહિત LCB અને SOG ના અધિકારી પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસને ઘરની પાછળના વાડામાં વ્યવસ્થિત રીતે કાઢેલા ચંપલ અને તેની બાજુમાં મુકેલી પ્લાસ્ટિક બેગ જોતા આત્મહત્યા અંગે શંકા થઈ હતી. જેથી તાત્કાલિક FSL ની ટીમ બોલાવી ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરવા સાથે જ સળગેલી હાલતમાં મળેલા મુક્તિ પટેલના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. સાથે જ જલાલપોર પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.
મુક્તિએ આત્મહત્યા કરી કે તેની હત્યા થઈ એ અંગે ઘેરાતું રહસ્ય

અબ્રામા ગામે મુક્તિ પટેલના પિયરના ઘરના વાડામાંથી તેનો સળગેલી હાલતમાં મૃતદેહ મળતા પ્રાથમિક તબક્કે તેણીએ આત્મહત્યા કરી હોવાનું જણાતું હતું. પરંતુ મુક્તિના પરીજનોની વાતો અને ક્રાઇમ સીન જોતા પોલીસે આત્મહત્યા સિવાય હત્યાના એંગલથી પણ તપાસ આરંભી છે. જેમાં મુક્તિના માતા પિતા સાથે જ તેના પતિ તેમજ અન્ય લોકોના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ મુક્તિ પટેલના જીવનની સ્થિતિ પરિસ્થિતિ જાણવાના પ્રયાસો આરંભી ઘટનાની કડી જોડવાની મથામણ આરંભી છે. પોલીસે મુક્તિના કોલ રેકોર્ડ પણ તપાસવાનું આરંભ્યું છે સાથે જ એ ક્યારે અબ્રામા આવી અને ઘરમાં જવાને બદલે વાડામાં કેમ અને કેવી રીતે પહોંચી, એની તપાસ પણ આરંભી છે. જોકે તેણીએ આત્મહત્યા કરી, કે તેની હત્યા કરવામાં આવી એ પોલીસ તપાસ બાદ જ જાણી શકાશે.
મુક્તિના મોતથી બે બાળકોએ માતાની મમતા ગુમાવી

મુક્તિ પટેલના લગ્ન વેડછા ગામે થયા હતા. લગ્ન જીવનમાં તેણીને બે બાળકો છે, જેમાંથી એક પિયરમાં તેના માતા પિતા સાથે રહેતો હતો. બીજી તરફ મુક્તિનો પતિ કોઈ કામ કરતો ન હોવાથી દંપતી વચ્ચે ઝઘડા પણ થતા હોવાની ચર્ચા છે. અચાનક મુક્તિના મોતથી તેના બંને બાળકોએ માતાની મમતા ગુમાવી છે.