બપોરના સમયે ભરતીમાં ત્રણ પરિવારો ફસાયા, બેને બચાવાયા, એકના ચાર ડૂબ્યા
નવસારી : વેકેશન શરૂ થયુ છે અને રવિવારની રજાને કારણે નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે ફરવા આવેલા મુળ રાજસ્થાનના વર્મા પરિવારના ચાર સભ્યોને દરિયો ભરખી જતા ગમગીની છવાઈ હતી. આજે બપોરના સમયે કિનારાથી દોઢ કિલોમીટર દૂર દરિયામાં નાહવા પડેલા ત્રણ પરિવારો ભરતીના પાણીમાં ફસાયા હતા, બૂમાબૂમ થતા હોમગાર્ડ જવાનોએ દરિયામાં કૂદીને બે પરિવારોને બચાવ્યા હતા, જયારે રાજસ્થાની પરિવારના 4 સભ્યો દરિયામાં તણાઇને ગુમ થયા હતા.
રાજસ્થાનના લાછોડા ગામના રાજપૂત પરિવારના માતા, બે પુત્રો અને ભાણેજ ડૂબ્યા

નવસારી જિલ્લાના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે શનિ-રવિની રજાઓમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ફરવા આવે છે, શાળામાં વેકશન પડ્યા બાદનો આજે પહેલો રવિવાર હોવાથી દાંડીમાં હજારોની સંખ્યામાં સહેલાણીઓ સવારથી આવી રહ્યા હતા. જેમાં નવસારીના અષ્ટગામ નજીકના નવા તળાવ ગામે છેલ્લા 19 વર્ષોથી વસેલા મુળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના લાછોડા ગામના ગોપાલ વર્માનો પરિવાર અને તેમના ઘરે મહેમાન બનીને આવેલા લાછોડા ગામના જ સંબંધીઓ સાથે દાંડીના દરિયા કિનારે ફરવા આવ્યો હતો. બપોરના સમયમાં દરિયો કિનારાથી અંદાજે દોઢ કિલોમીટર અંદર હતો, જેથી મોટાભાગના સહેલાણીઓ દોઢ કિલોમીટર અંદર દરિયાના પાણીમાં પહોંચ્યા હતા. આકરા તાપને કારણે ઘણા લોકો દરિયાના પાણીમાં નાહવા પડ્યા હતા, પરંતુ બપોરે 12:30 વાગ્યા બાદ દરિયામાં ભરતી શરૂ થઇ, જેને પાણીમાં નાહવા પડેલા લોકો સમજી શક્યા ન હતા. ગોપાલ વર્માના પરિવારમાં તેમના પત્ની સુશીલાબેન ઉર્ફે સુખીદેવી વર્મા, મોટો પુત્ર યુવરાજસિંહ વર્મા, નાનો પુત્ર દેશરાજસિંહ વર્મા અને ભાણેજ દુર્ગાકંવર રાવણા રાજપૂત સાથે જ તેમની નજીકમાં નાહતા સુરતના મહુવાના રીન્કેશ જીતેશભાઈ, આતિશ જીતુભાઈ અને વિપુલ હળપતિ પણ તેમની સાથે દરિયામાં તણાવા લાગ્યા હતા. પાણી વધતા લોકોએ બૂમાબૂમ કરતા જ કિનારે ઉભેલા હોમગાર્ડના જવનો અને સ્થાનિકો તેમની તરફ દોડ્યા હતા અને હોમગાર્ડના જવાને 20 થી 30 મિનીટમાં રીન્કેશ, આતિશ, વિપુલને બચાવીને બહાર કાઢ્યા હતા. પરંતુ ગોપાલ વર્માની પત્ની, પુત્રો અને ભાણેજ સુધી પહોંચે ત્યાં સુધીમાં તેઓ દરિયાના પાણીમાં તણાઇને ગુમ થયા હતા.
ઘટનાની જાણ થતા જિલ્લા કલેકટર, પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ પણ દોડી આવ્યા

ઘટનાની જાણ થતા જલાલપોર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. દરિયાની ભરતીને કારણે દરિયામાં ગુમ થયેલા ચારેય રાજસ્થાનીઓને શોધવામાં મુશ્કેલી થતા નવસારી વિજલપોર નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરતા, ફાયર બ્રિગેડના જવાનો બોટ તેમજ લાઈફ જેકેટ સહિતના સાધનો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ફાયર બ્રિગેડે દરિયામાં ગુમ થયેલા માતા, પુત્રો અને ભાણેજને શોધવાની કોશિશ કરી હતી, પણ તેઓ નિષ્ફળ રહ્યા હતા. બીજી તરફ ઘટનાની ગંભીરતા જાણી નવસારી, જલાલપોરના પ્રાંત અધિકારી જનમ ઠાકોર દરિયા કિનારે પહોંચ્યા હતા. તેમની માહિતીને આધારે બાદમાં જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રે, જિલ્લા પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જેમણે ડીઝાસ્ટર વિભાગમાંથી જેની પણ મદદ લેવા પડે એની વ્યવસ્થા સાથે દરિયામાં ડૂબેલા ચારેય લોકોને શોધી કાઢવાની સૂચના આપી હતી.
મરીન કમાન્ડો અને SDRF ને સર્ચ ઓપરેશનમાં જોડવામાં આવ્યા

મોડી રાત સુધી દાંડીના દરિયામાં ડૂબેલા રાજસ્થાની વર્મા પરિવારના ચારેય સદસ્યોનો કોઈ પત્તો ન લગતા તંત્ર દ્વારા મોડી રાતે મરીન કમાન્ડોને બોલાવવામાં આવ્યા હતા. રાત્રી દરમિયાન ભરતીના પાણી ઉતર્યા બાદ નવસારી ફાયરના જવાનો અને મરીન કમાન્ડોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. પરંતુ વિશાળ દરિયામાં ડૂબેલા રાજસ્થાની પરિવારના ચારેય સદસ્યોના મૃતદેહોને શોધવા મોડે મોડે SDRF ની ટૂકડીને પણ બોલાવવામાં આવી હતી. જેઓ રાત્રી દરમિયાન પણ ડૂબેલા 4 લોકોને શોધવા કામે લાગ્યા હતા. પરંતુ તેમને મોડી રાત સુધી કોઈ સફળતા મળી ન હતી.