Connect with us

અપરાધ

રજાની મજા માણતાં દાંડીના દરિયામાં ડૂબેલા ચારેય રાજસ્થાનીઓના મૃતદેહ મળ્યા

Published

on

માતા-પુત્રના દાંડી નજીકથી, જયારે ભાઈ-બહેનના મૃતદેહ બોરસી માછીવાડ નજીકથી મળ્યા

નવસારી : વેકેશન પડતા જ પરિવારો રજાની મજા માણવા પ્રવાસન સ્થળો પર નીકળી પડે છે, નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. ત્યારે ગત રોજ મુળ રાજસ્થાનનો પરિવાર દાંડી ફરવા ગયો હતો, જેમાંથી દરિયાના પાણીમાં રજાની મજા માણી રહેલા 4 સભ્યો ડૂબીને તણાઇ ગયા હતા. જેમાં માતા પુત્રના મૃતદેહ આજે વહેલી સવારે દાંડી નજીકથી મળ્યા હતા. જયારે ભાઈ અને બહેનના મૃતદેહ દાંડીથી દૂર પૂર્ણા નદીની ખાડીમાં બોરસી માછીવાડ નજીકથી મળ્યા હતા. ચારેય મૃતકો મળતા પરિવાર અને સંબંધીઓમાં શોકની કાલીમા છવાઈ હતી.

ગોપાલ વર્માનો માળો વિખેરાયો, ફરવા આવેલી ભાણેજ પણ ખોઇ

મુળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના લાછુડા ગામના વતની ગોપાલ વર્મા વર્ષ 2005 માં રોજગારની શોધમાં નવસારી આવ્યા હતા અને નવસારી તાલુકાના અષ્ટગામ નજીકના નવા તળાવ ગામે વસ્યા હતા. ગોપાલ વર્મા અષ્ટગામથી સદલાવ જવાના માર્ગ પર કરીયાણાની નાની દુકાન સાથે ડ્રાઈવીંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેના બે પુત્રોમાંથી 17 વર્ષીય યુવરાજસિંહ રાજસ્થાન રહીને ભણી રહ્યો હતો, જયારે નાનો પુત્ર દેશરાજસિંહ તેની સાથે જ રહેતો હતો. પરીક્ષાનું રીઝલ્ટ આવ્યા બાદ અને શાળામાં વેકશન પડતા યુવરાજસિંહ તેની માસીની દીકરી દુર્ગાકંવર રાવણા રાજપૂત, તેની ભાભી રેખાકંવર સાથે નવસારી આવ્યો હતો. વેકેશન હોવાથી વર્મા પરિવારે ગત રોજ નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં ગોપાલનો મિત્ર કિશન ગુર્જર, તેની દીકરી મમતા અને પુત્ર શિવમ અને કિશનનો ભાણેજ પરેશ સાથે જોડાયા હતા. તમામ બપોરે 12 વાગ્યા આસપાસ નીકળ્યા હતા અને દાંડી પહોંચતા યુવરાજ, દેશરાજ સહિતના લોકો દોઢ કિલોમીટર દૂર દરિયામાં જવા નીચે ઉતર્યા હતા, જેમાં શિવમ અને પરેશ કિનારે જ બેઠા હતા. દરમિયાન બપોરના આકરા તાપમાં રાહત મેળવવા વર્મા પરિવારના લોકો દરિયામાં નાહવા પડ્યા હતા. દરમિયાન અંદાજે 1 થી દોઢ વાગ્યા આસપાસ ભરતી શરૂ થતા વર્મા પરિવારના યુવરાજ, દેશરાજ, તેની માતા સુશીલા અને ભાણેજ દુર્ગા દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા. જેથી અન્ય સભ્યોએ તેમને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી, જેને સાંભળી હોમગાર્ડ જવાનો દોડ્યા પણ ઝડપથી વધેલા પાણીમાં ચારેય લોકો તણાઇને ગુમ થયા હતા.

દરિયામાં ડૂબેલા ચારેયને શોધવા ફાયર બ્રિગેડ, મરીન કમાન્ડો અને SDRF ને કામે લગાડાઈ

ઘટનાની જાણ થતા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત નવસારી વિજલપોર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દરિયામાં ગુમ થયેલા રાજસ્થાની પરિવારના ચારેય લોકોને શોધવાનો પ્રયાસ કર્યો હતો. સ્પીડ બોટ લઇને દરિયામાં ગયા બાદ પણ ફાયરના જવાનોને ચારેયમાંથી એક પણ મળી ન આવતા તેઓ કિનારે પરત ફર્યા હતા. દાંડી પહોંચેલા કલેકટરે ડીઝાસ્ટર વિભાગને જાણ કરી, મરીન કમાન્ડો અને SDRF ના જવાનોની ટીમ બોલાવી સર્ચ ઓપરેશનને વેગ આપ્યો હતો. જેમાં 15 કલાકની મહેનત બાદ દાંડી નજીકના ફાર્મ હાઉસ પાસેથી યુવરાજ અને બાબા સ્વામી આશ્રમના પાછળથી સુશીલા વર્માનો મૃતદેહ મળ્યો હતો. જેની સાથે જ શોધખોળ કરનારી એક ટૂકડીને બોરસી માછીવાડ ગામ પાસેની પૂર્ણા નદીની ખાડીમાં મૃતદેહો દેખાયા હોવાની માહિતી મળતા, એક ટૂકડી દાંડીથી સ્પીડ બોટ મારફતે ખાડીઅ પહોંચી હતી અને ત્યાંથી દેશરાજ વર્મા અને દુર્ગા રાવણા રાજપૂતનાં મૃતદેહને શોધીને નવસારી સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. દાંડીમાં જીવ ગુમાવનારા ચારેયના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી, તેમને મોડી સાંજે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

દરિયામાં જીવ ગુમાવનાર ચારેય મૃતદેહ રાજસ્થાન લઇ જવાની કરાઈ તૈયારી

પોતાના સ્વજનોના ગુમાવવાના દુઃખ સાથે ગોપાલ વર્માના સંબંધીઓએ તમામની અંતિમ ક્રિયા રાજસ્થાન તેમના વતનમાં કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી માતા બે પુત્રો અને ભાણેજના મૃતદેહોને રાજસ્થાન લઇ જવા લાકડાની ચાર પેટી બનાવડાવી હતી અને તેને રાજસ્થાન લઇ જવા માટેની તમામ વ્યવસ્થા ગોઠવી દીધી હતી. બપોર બાદ જયારે ચારેયના મૃતદેહો મળ્યા, બાદ તેમને લાકડાની પેટીમાં મુકીને પ્રથમ ગોપાલ વર્માના નવસારીના નવા તળાવ ખાતેના ઘરે લઇ જવામાં આવ્યા હતા. ગામમાં મૃતદેહો પહોંચતા જ ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં રાજસ્થાનીઓ ભેગા થયા હતા અને ચારેય મૃતકોને અંતિમ વિદાય આપી હતી.

તંત્ર દ્વારા આજે પણ સહેલાણીઓ માટે દરિયા કિનારે પ્રતિબંધ લગાવાયો

ઐતીસસિક દાંડીના દરિયા કિનારે રવિવાર અને વેકેશનની રજાને કારણે ગત રોજ અંદાજે 5 હજાર લોકોની ભીડ જામી હતી. જેમાં દરિયા વિષેની માહિતી ન હોવાને કારણે દોઢ કિલોમીટર અંદર જઈ મજા માણી રહેલા પરિવારોમાંથી 7 લોકો દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા, જેમાંથી 3 ને બચાવી લેવાયા હતા, જયારે 4 ડૂબી ગયા હતા. ઘટનાને જોતા ગત રોજ સાંજે જ તંત્ર દ્વારા દરિયા કિનારો ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. જયારે આજે પણ સહેલાણીઓ માટે દાંડીના દરિયા કિનારે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો.

અપરાધ

6.23 લાખના વિદેશી દારૂ સાથે ટેમ્પો ચાલકની ધરપકડ

Published

on

By

નવસારી ગ્રામ્ય પોલીસે બોરીયાચ ટોલનાકા પાસેથી પકડ્યો દારૂનો જથ્થો

નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીને આધારે 6.23 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલ ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે એકને વોન્ટેડ જાહેર કરીને તપાસને વેગ આપ્યો છે.

પોલીસે ઘટના સ્થળેથી 16.28 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

મળતી માહિતી અનુસાર, નવસારી જિલ્લામાંથી રોજના લાખોના વિદેશી દારૂની હેરાફેરી થાય છે. ત્યારે નવસારી ગ્રામ્ય પોલીસના HC નજુ જીલુ અને HC અજય રમેશને ખાનગી રાહે બાતમી મળી હતી કે, એક કથ્થાઈ રંગના ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો દમણથી વાપી, વલસાડથી નેશનલ હાઈવે પર નવસારી થઇને આગળ સુરત તરફ જનાર છે. જેને આધારે ગ્રામ્ય પોલીસની ટીમે નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે ફિલ્ડીંગ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા, ટેમ્પોમાં આગળના ભાગે દોરા ધાગાનાં બોબીનનાં બોક્ષની પાછળ વિદેશી દારૂનો જથ્થો ભર્યો હતો. જેમાં 6,23,760 રૂપિયાની વ્હીસ્કી બીયરની કુલ 2136 બાટલીઓ મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના નિફાડ તાલુકાના પીમપ્લસ રામાયે ગામના આનંદનગરમાં રહેતા 31 વર્ષીય કાનીફનાથ પુરીની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં વિદેશી દારૂનો જથ્થો અશ્વિન નામના વ્યક્તિએ ભરાવી આપ્યો હતો, જેથી પોલીસે અશ્વિનને વોન્ટેડ જાહેર કર્યો હતો. જયારે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે 10 લાખ રૂપિયાનો ટેમ્પો અને 5 હજાર રૂપિયાના મોબાઈલ ફોન સાથે કુલ 16.28 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.

Continue Reading

અપરાધ

ઇટાળવા નહેર પાસેથી 3 જુગારીઓ પકડાયા, 6 ભાગવામાં સફળ

Published

on

By

નવસારી ગ્રામ્ય પોલીસે 2.૩૩ લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

નવસારી : નવસારી શહેરના ઇટાળવા સ્થિત નહેર નજીકની ખુલ્લી જગ્યામાં તીનપત્તીનો જુગાર રમતા 3 શકુનિઓને નવસારી ગ્રામ્ય પોલીસે પકડી પાડ્યા હતા. જયારે પોલીસને જોઈ 6 જુગારીઓ ભાગવામાં સફળ રહ્યા હતા.

જુગારીઓ બેખોફ જુગાર રમી રહ્યા હતા અને પોલીસ ત્રાટકી

મળતી માહિતી અનુસાર, નવસારીના ઇટાળવા વિસ્તારમાં આવેલ લેક પાલ્મ વિલાની સામે નહેર નજીકમાં આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો રૂપિયા ઉપર હારજીતનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. જેની બાતમી મળતા જ નવસારી ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે છાપો માર્યો હતો. પોલીસને જોઈ નહેર જુગારિયાઓમાં નાસભાગ મચી જવા પામી હતી. જોકે પોલીસે તરત તરાપ મારીને કાલીયાવાડીના તલાવડી ફળિયાના જતીન પટેલ, નવસારીના ભેંસતખાડા માછીવાડના મહેશ દંતાણી અને તીઘરા નવી વસાહતમાં રહેતા યોગેશ કુંકણાને દબોચી લીધા હતા. જયારે ઘટના સ્થળેથી નવસારીના કસ્બાપાર ગામના વિવેક ઉર્ફે વાણીયો નિર્વાણ, નવસારીના કબીલપોરના જામપીર મોહલ્લાના અમિત જોગી, નવસારીના તિઘરા નવી વસાહતના ભાવિન પટેલ, નવસારીના ઝવેરી સડકના સલીમ મંગેરા, નવસારીના ભેંસતખાડા માછીવાડના હિમાંશુ ઢીમ્મર અને દશેરા ટેકરીના અલ્પેશ ઉર્ફે અપ્પુ ભાગવામાં સફળ રહ્યા હતા, જે 6 જુગારીઓને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. જયારે ઘટના સ્થળેથી દાંવમાં મુકેલા તેમજ આરોપીઓની અંગ ઝડતીમાંથી 10,500 રૂપિયા રોકડા, 13 હજાર રૂપિયાના ત્રણ મોબાઈલ ફોન, 2.10 લાખ રૂપિયાની 4 બાઇક મળીને કુલ 2.૩૩ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી તપાસને વેગ આપ્યો છે.

Continue Reading

અપરાધ

4.07 લાખનો વિદેશી દારૂ ભરેલ પીકઅપ ટેમ્પો સાથે એક પકડાયો

Published

on

By

પોલીસે સેલવાસના રમેશ અને દારૂ મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી : નેશનલ હાઈવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે 4.07 લાખના વિદેશી દારૂ ભરેલા પીકઅપ ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી હતી. જયારે દારૂ ભરાવનાર સેલવાસના રમેશ અને દારૂ મંગાવનાર અજાણ્યાને વોન્ટેડ જાહેર કર્યા હતા.

LCB પોલીસે ઘટના સ્થળેથી 9.16 લાખનો મુદ્દામાલ કર્યો કબ્જે

મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ નેશનલ હાઈવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન LCB ના HC નયન હનુભા અને HC દિગ્વિજયસિંહ રવજીભાઇની સંયુક્ત બાતમી હતી કે, એક પીકઅપ ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો સુરત તરફ જઈ રહ્યો છે. જેથી પોલીસે હાઈવે પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. ત્યારે જ બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી, તપાસ કરતા ટેમ્પોમાં 35 પૂઠાનાં બોક્ષમાંથી 4,06,800 રૂપિયાની વ્હીસ્કી અને બીયરની 972 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલક અને સેલવાસના આમલી ગામે રહેતા અને મુળ ઉત્તરપ્રદેશના રાજારામ બનવારી હરીજનની ધરપકડ કરી હતી. જયારે તેની પૂછપરછમાં દારૂનો જથ્થો સેલવાસના રમેશે ભરાવી આપ્યો હતો, જયારે તેને અજાણ્યાને પહોચાડવાનો હતો. જેથી પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કરી, નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે. ઉલ્લેખનિય છે કે, પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ, ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ 9.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ ક્બ્જે કર્યો હતો.

Continue Reading
Advertisement

Trending