Connect with us

અપરાધ

રજાની મજા માણતાં દાંડીના દરિયામાં ડૂબેલા ચારેય રાજસ્થાનીઓના મૃતદેહ મળ્યા

Published

on

માતા-પુત્રના દાંડી નજીકથી, જયારે ભાઈ-બહેનના મૃતદેહ બોરસી માછીવાડ નજીકથી મળ્યા

નવસારી : વેકેશન પડતા જ પરિવારો રજાની મજા માણવા પ્રવાસન સ્થળો પર નીકળી પડે છે, નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે પણ મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે. ત્યારે ગત રોજ મુળ રાજસ્થાનનો પરિવાર દાંડી ફરવા ગયો હતો, જેમાંથી દરિયાના પાણીમાં રજાની મજા માણી રહેલા 4 સભ્યો ડૂબીને તણાઇ ગયા હતા. જેમાં માતા પુત્રના મૃતદેહ આજે વહેલી સવારે દાંડી નજીકથી મળ્યા હતા. જયારે ભાઈ અને બહેનના મૃતદેહ દાંડીથી દૂર પૂર્ણા નદીની ખાડીમાં બોરસી માછીવાડ નજીકથી મળ્યા હતા. ચારેય મૃતકો મળતા પરિવાર અને સંબંધીઓમાં શોકની કાલીમા છવાઈ હતી.

ગોપાલ વર્માનો માળો વિખેરાયો, ફરવા આવેલી ભાણેજ પણ ખોઇ

મુળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના લાછુડા ગામના વતની ગોપાલ વર્મા વર્ષ 2005 માં રોજગારની શોધમાં નવસારી આવ્યા હતા અને નવસારી તાલુકાના અષ્ટગામ નજીકના નવા તળાવ ગામે વસ્યા હતા. ગોપાલ વર્મા અષ્ટગામથી સદલાવ જવાના માર્ગ પર કરીયાણાની નાની દુકાન સાથે ડ્રાઈવીંગ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. જેના બે પુત્રોમાંથી 17 વર્ષીય યુવરાજસિંહ રાજસ્થાન રહીને ભણી રહ્યો હતો, જયારે નાનો પુત્ર દેશરાજસિંહ તેની સાથે જ રહેતો હતો. પરીક્ષાનું રીઝલ્ટ આવ્યા બાદ અને શાળામાં વેકશન પડતા યુવરાજસિંહ તેની માસીની દીકરી દુર્ગાકંવર રાવણા રાજપૂત, તેની ભાભી રેખાકંવર સાથે નવસારી આવ્યો હતો. વેકેશન હોવાથી વર્મા પરિવારે ગત રોજ નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં ગોપાલનો મિત્ર કિશન ગુર્જર, તેની દીકરી મમતા અને પુત્ર શિવમ અને કિશનનો ભાણેજ પરેશ સાથે જોડાયા હતા. તમામ બપોરે 12 વાગ્યા આસપાસ નીકળ્યા હતા અને દાંડી પહોંચતા યુવરાજ, દેશરાજ સહિતના લોકો દોઢ કિલોમીટર દૂર દરિયામાં જવા નીચે ઉતર્યા હતા, જેમાં શિવમ અને પરેશ કિનારે જ બેઠા હતા. દરમિયાન બપોરના આકરા તાપમાં રાહત મેળવવા વર્મા પરિવારના લોકો દરિયામાં નાહવા પડ્યા હતા. દરમિયાન અંદાજે 1 થી દોઢ વાગ્યા આસપાસ ભરતી શરૂ થતા વર્મા પરિવારના યુવરાજ, દેશરાજ, તેની માતા સુશીલા અને ભાણેજ દુર્ગા દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા. જેથી અન્ય સભ્યોએ તેમને બચાવવા માટે બૂમાબૂમ કરી હતી, જેને સાંભળી હોમગાર્ડ જવાનો દોડ્યા પણ ઝડપથી વધેલા પાણીમાં ચારેય લોકો તણાઇને ગુમ થયા હતા.

દરિયામાં ડૂબેલા ચારેયને શોધવા ફાયર બ્રિગેડ, મરીન કમાન્ડો અને SDRF ને કામે લગાડાઈ

ઘટનાની જાણ થતા તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત નવસારી વિજલપોર પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને દરિયામાં ગુમ થયેલા રાજસ્થાની પરિવારના ચારેય લોકોને શોધવાનો પ્રયાસ કર્યો હતો. સ્પીડ બોટ લઇને દરિયામાં ગયા બાદ પણ ફાયરના જવાનોને ચારેયમાંથી એક પણ મળી ન આવતા તેઓ કિનારે પરત ફર્યા હતા. દાંડી પહોંચેલા કલેકટરે ડીઝાસ્ટર વિભાગને જાણ કરી, મરીન કમાન્ડો અને SDRF ના જવાનોની ટીમ બોલાવી સર્ચ ઓપરેશનને વેગ આપ્યો હતો. જેમાં 15 કલાકની મહેનત બાદ દાંડી નજીકના ફાર્મ હાઉસ પાસેથી યુવરાજ અને બાબા સ્વામી આશ્રમના પાછળથી સુશીલા વર્માનો મૃતદેહ મળ્યો હતો. જેની સાથે જ શોધખોળ કરનારી એક ટૂકડીને બોરસી માછીવાડ ગામ પાસેની પૂર્ણા નદીની ખાડીમાં મૃતદેહો દેખાયા હોવાની માહિતી મળતા, એક ટૂકડી દાંડીથી સ્પીડ બોટ મારફતે ખાડીઅ પહોંચી હતી અને ત્યાંથી દેશરાજ વર્મા અને દુર્ગા રાવણા રાજપૂતનાં મૃતદેહને શોધીને નવસારી સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા. દાંડીમાં જીવ ગુમાવનારા ચારેયના મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરાવી, તેમને મોડી સાંજે પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા.

દરિયામાં જીવ ગુમાવનાર ચારેય મૃતદેહ રાજસ્થાન લઇ જવાની કરાઈ તૈયારી

પોતાના સ્વજનોના ગુમાવવાના દુઃખ સાથે ગોપાલ વર્માના સંબંધીઓએ તમામની અંતિમ ક્રિયા રાજસ્થાન તેમના વતનમાં કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી માતા બે પુત્રો અને ભાણેજના મૃતદેહોને રાજસ્થાન લઇ જવા લાકડાની ચાર પેટી બનાવડાવી હતી અને તેને રાજસ્થાન લઇ જવા માટેની તમામ વ્યવસ્થા ગોઠવી દીધી હતી. બપોર બાદ જયારે ચારેયના મૃતદેહો મળ્યા, બાદ તેમને લાકડાની પેટીમાં મુકીને પ્રથમ ગોપાલ વર્માના નવસારીના નવા તળાવ ખાતેના ઘરે લઇ જવામાં આવ્યા હતા. ગામમાં મૃતદેહો પહોંચતા જ ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં રાજસ્થાનીઓ ભેગા થયા હતા અને ચારેય મૃતકોને અંતિમ વિદાય આપી હતી.

તંત્ર દ્વારા આજે પણ સહેલાણીઓ માટે દરિયા કિનારે પ્રતિબંધ લગાવાયો

ઐતીસસિક દાંડીના દરિયા કિનારે રવિવાર અને વેકેશનની રજાને કારણે ગત રોજ અંદાજે 5 હજાર લોકોની ભીડ જામી હતી. જેમાં દરિયા વિષેની માહિતી ન હોવાને કારણે દોઢ કિલોમીટર અંદર જઈ મજા માણી રહેલા પરિવારોમાંથી 7 લોકો દરિયાના પાણીમાં તણાવા લાગ્યા હતા, જેમાંથી 3 ને બચાવી લેવાયા હતા, જયારે 4 ડૂબી ગયા હતા. ઘટનાને જોતા ગત રોજ સાંજે જ તંત્ર દ્વારા દરિયા કિનારો ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. જયારે આજે પણ સહેલાણીઓ માટે દાંડીના દરિયા કિનારે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો હતો.

અપરાધ

નેશનલ હાઈવે પર બલવાડા પાસેથી 3.50 લાખનો દારૂ ભરેલ કાર સાથે બેની ધરપકડ

Published

on

By

લકઝરી કારથી પાયલોટીંગ કરનાર મુખ્ય સૂત્રધાર સહિત બે વોન્ટેડ

નવસારી : નવસારી જિલ્લામાંથી રોજના લાખો રૂપિયાનો વિદેશી દારૂ સુરત તેમજ આગળના જિલ્લાઓમાં ખેપિયાઓ દ્વારા પહોંચાડવામાં આવે છે. ત્યારે ચીખલી પોલીસે લક્ઝરીયસ કારમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે. નેશનલ હાઇવે નં. 48 પર બલવાડા ઓવરબ્રીજ નજીકથી 3.50 લાખનો વિદેશી દારૂ ભરેલ કાર સાથે વલસાડના બે ખેપિયાઓની ધરપકડ કરી હતી. જ્યારે દારૂની કારનું પાયલોટિંગ કરતી લકઝરી કારમાં સવાર મુખ્ય સૂત્રધાર સાથે બેને વોન્ટેડ જાહેર કર્યા છે.

સેલવાસથી દારૂનો જથ્થો ભરી કડોદરા સપ્લાય કરવાનો ખેલ પકડાયો

મળતી માહિતી અનુસાર, ચીખલી પોલીસના PI પી.બી. પટેલીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના PSI આર.એન. વાડલે અને કર્મચારીઓ ખાનગી વાહનોમાં હાઈવે પર પેટ્રોલીંગમાં હતા. દરમીયાન સર્વેલન્સ ટીમના ASI અલ્પેશભાઈ અને HC મહેન્દ્રભાઈને મળેલ સંયુક્ત બાતમીના આધારે, નેશનલ હાઈવે નં. 48 પર બલવાડા ઓવરબ્રીજના ઉત્તર છેડે વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમીયાન શંકાસ્પદ રીતે પસાર થતી એક સફેદ રંગની કારને પોલીસે આંતરી, તેને અટકાવી હતી. કારમાં તપાસ કરતા તેમાંથી 3,50,640 રૂપિયાની 25 પુંઠાના બોક્સમાંથી વ્હિસ્કી તથા ટીન બિયર મળી કુલ 1020 બાટલીઓ મળી આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી 5 લાખની કાર, 2 મોબાઈલ અને દારૂ મળી કુલ 8.61 લાખનો મુદ્દામાલ જપ્ત કરી, કારચાલક અને વલસાડના ઉદવાડા તાલુકાના સરોધી ગામે રહેતા મીતકુમાર ઉર્ફે મીતલો માહ્યાવંશી અને વલસાડના વાપી તાલુકાના બલીઠા ગામે રહેતા અક્ષયકુમાર રાઠોડની સ્થળ પરથી ધરપકડ કરી હતી.

લકઝરી કાર વડે પાયલોટીંગ કરનાર નવસારીનો બુટલેગર ‘આઝાદ લંગડો’ વોન્ટેડ જાહેર

પોલીસની કડક પૂછપરછમાં આરોપીઓએ ખુલાસો કર્યો હતો કે, આ વિદેશી દારૂનો જથ્થો સેલવાસથી ભરીને સુરતના કડોદરા ખાતે સપ્લાય કરવાનો હતો. આ સમગ્ર રેકેટનો મુખ્ય સૂત્રધાર નવસારીના લક્ષ્મી ટોકીઝ પાછળ રહેતો નસીમુદ્દીન ઉર્ફે ‘આઝાદ લંગડો’ છે, જેણે સેલવાસથી દારૂ ભરાવ્યો હતો અને પોતાની લકઝરી કાર વડે આગળ પાયલોટીંગ કરી દારૂનો જથ્થો સુરત તરફ રવાના કરાવ્યો હતો. ચીખલી પોલીસે દારૂનો જથ્થો સપ્લાય કરનાર મુખ્ય આરોપી આઝાદ લંગડો તેમજ કડોદરા ખાતે દારૂ મંગાવનાર અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બંનેને વોન્ટેડ જાહેર કરી, તપાસને વેગ આપ્યો છે.

Continue Reading

અપરાધ

RTO ઇ-ચલણની લિંક મોકલીને મોબાઈલ હેકિંગથી સાયબર ફ્રોડ આચરતી આંતરરાજ્ય ટોળકીના બેની ધરપકડ

Published

on

By

આરોપીઓએ RTO ચલણની નકલી APK ફાઇલ મોકલી 10 લાખની કરી હતી સાયબર છેતરપિંડી

નવસારી : સાયબરની જાળ ફેલાવા સાથે એમાં અપરાધની ગૂંચ પણ વધતી જાય છે. ઠગબાજો અનેક તિકડમ લગાવી, સેંકડો કે હજારો કિમી દૂર બેઠેલા નાગરિકને શિકાર બનાવી, તેમના એકાઉન્ટને હેક કરીને લાખો રૂપિયા સાયબર ફ્રોડ થકી સેરવી લેતા હોય છે. RTO ઈ ચલણની APK ફાઈલ મોકલી જલાલપોરના દુકાનદારના ખાતામાંથી 10 લાખ રૂપિયા પડાવી લેનારા મહારાષ્ટ્રના ઠગબાજોને પકડવામાં જલાલપોર પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મહારાષ્ટ્રના પુણે અને બારામતી ખાતેથી બે સાયબર ઠગોને દબોચી લીધા છે. ટેકનિકલ એનાલિસિસ થકી જલાલપોર પોલીસે આંતરરાજ્ય સાયબર ફ્રોડના ગુનાને ઉકેલી કાઢ્યો છે.

બોગસ RTO ચલણની APK ફાઇલ મોકલી મોબાઈલ હેક કર્યો અને 10 લાખ ટ્રાન્સફર કરી લીધા

મળતી માહિતી મુજબ, નવસારીના જલાલપોર વિસ્તારમાં ગૌરીશંકર મોહલ્લામાં રહેતા દીપકકુમાર પ્રવીણભાઈ ડુમાસીયા લિફ્ટ રિપેરિંગનું કામ કરે છે. ગત 31 ઓગસ્ટના રોજ દીપકના કારીગર નવનાથના વ્હોટસએપ નંબર પરથી RTO ચલણની APK ફાઈલ આવી હતી. જેથી RTO માંથી કોઈ ચલણ આવ્યું હશે એવી વિચારીને દીપક ડુમસીયાએ APK ફાઈલ ઓપન કરી લીધી હતી. જે ઓપન કર્યા બાદ open કે denay ઓપ્શન આવતા, દીપકે તેને denay કરી વ્હોટસએપમાંથી બહાર નીકળી ગયો હતો. પરંતુ બાદમાં ગત 6 સપ્ટેમ્બરના રોજ તેના મોબાઈલ ઉપર HDFC Bank ના અને જિયોના કોલ ફોરવર્ડના તથા Email ID ના પાસવર્ડ બદલાયેલા હોય એવા મેસેજ આવતા, દીપકને ધ્રાસ્કો પડ્યો હતો અને તેણે તાત્કાલિક બેંક મેનેજરને ફોન કરી, તેમના 4 બેંક એકાઉન્ટ બ્લોક કરવા વિનંતી કરી હતી. બેંક એકાઉન્ટ બ્લોક કર્યા બાદ છેલ્લા ટ્રાન્ઝેક્શન છેક કરતા 5 સપ્ટેમ્બરના રોજ દીપકના એકાઉન્ટમાંથી 10 લાખ રૂપિયાની FD ની રકમ ‘બેંક ઓફ મહારાષ્ટ્ર’માં ખાતું ધરાવતા અને મહારાષ્ટ્રના પુણેમાં રહેતા સાંસર ગામે રહેતા નિખિલ સુનીલ અંબોડે નામના ઈસમના ખાતામાં ટ્રાન્સફર થયા હોવાની માહિતી મળી હતી. જેથી દીપક ડુમસીયાએ જલાલપોર પોલીસ મથકે સાયબર છેતરપિંડી અંતર્ગત ગુનો નોંઘવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

ટેકનિકલ એનાલિસિસના આધારે જલાલપોર પોલીસની પુણે અને બારામતીમાં રેડ

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી જલાલપોર PI એલ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ વિશેષ પોલીસ ટીમની રચના કરવામાં આવી હતી. પોલીસ કર્મચારીઓ દ્વારા હાથ ધરાયેલા ટેકનિકલ એનાલિસિસમાં મુખ્ય આરોપી નિખિલ અંબોડે મહારાષ્ટ્રના પુણે વિસ્તારમાં હોવાનું લોકેશન મળ્યું હતું. પોલીસ ટુકડી તાત્કાલિક પુણેના સાંસર ગામે પહોંચી હતી અને 25 વર્ષીય નિખિલ સુનીલ અંબોડેને દબોચી લીધો હતો. નિખિલની કડકાઈથી પૂછપરછ કરતા તેણે તેના સાથીદાર અને મહારાષ્ટ્રના બારામતીમાં સોમેશ્વર નગરમાં રહેતા 25 વર્ષીય સૈરાજ અશોક લોંઢેનું નામ ખુલ્યું હતું . જેથી પોલીસે બારામતી ખાતેથી સૈરાજ લોન્ઢેની પણ ધરપકડ કરી હતી. બંને સાયબર ઠગોને પોલીસે નવસારી લાવી, સાયબર છેતરપિંડીના ગુનામાં તેમની સાથે અન્ય કેટલા આરોપીઓ છે..? ટ્રાન્સફર કરેલી 10 લાખ રૂપિયાની રકમ ક્યાં મોકલી અથવા એનું શું કર્યું..? વગેરે સવાલોના જવાબ મેળવવા રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.

Continue Reading

અપરાધ

ચીખલીના મલીયાધરા ગામે ખેતરમાં તીનપત્તીનો જુગાર રમતા 5 જુગારિયાઓ પકડાયા

Published

on

By

પોલીસે 91 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી, 3 ને વોન્ટેડ જાહેર કર્યા

નવસારી : નવસારીના ચીખલી તાલુકાના મલીયાધરા ગામે ખુલ્લા ખેતરમાં રમાતા જુગાર પર ચીખલી પોલીસે દરોડો પાડી જુગાર રમતા 5 જુગારિયાઓને પકડી પાડ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી 91 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી, નાસી છૂટેલા અન્ય 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

બાતમીના આધારે સર્વેલન્સ ટીમનો દરોડો : 5 જુગારીયાઓ રંગેહાથ ઝડપાયા

મળતી માહિતી અનુસાર, ચીખલી તાલુકાના મલિયાધરા ગામના ભૂરી ફળિયા સ્થિત એક ખેતરમાં કેટલાક લોકો જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હોવાની બાતમી ચીખલી પોલીસના HC વિજયભાઈ દેવાયતભાઈને મળી હતી. જેને આધારે ચીખલી પોલીસ સ્ટેશનના PI પી.બી. પટેલીયાના માર્ગદર્શનમાં PSI આર. એન. વાદળે અને ટીમે મલીયાધરા ગામના ભુરી ફળીયા સ્થિત રાજેશ પટેલના ખેતર પાસે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા જુગારિયાઓ પર દરોડો પાડતા ઘટના સ્થળે નાસભાગ મચી ગઈ હતી. પરંતુ પોલીસે ઘટના સ્થળેથી ગણદેવીના ઉંડાચ ગામે રહેતા રાજુ પટેલ, બામણબેલ ગામે રહેતા કુશ ચૌહાણ, મલિયાધરા ગામે રહેતા રાજેશ પટેલ અને મયુર પટેલ અને બીલીમોરાના દિલીપસિંગ લબાનાને દબોચવામાં સફળતા મેળવી હતી.

91,290 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત, 3 આરોપીઓ વોન્ટેડ જાહેર

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી તથા દાવમાં મૂકેલ રોકડ સહિત કુલ 20,790 રૂપિયા રોકડા, 50,500 રૂપિયાના 6 મોબાઈલ ફોન, 20 હજાર રૂપિયાની એક બાઈક અને ગંજીપાના મળી કુલ 91,290 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસના દરોડા દરમિયાન ચીખલીનો મોબીન મહમંદ શેખ આંતલિયાનો સંજય ઉપેન્દ્રભાઇ પટેલ અને વલસાડના ગોયર ગામનો ભીતેશ ઉર્ફે ભાવો ભીખુભાઇ પટેલ નાસી છૂટવામાં સફળ રહ્યા હતા, જેમને પોલીસે વોન્ટેડ જાહેર કરી, ચીખલી પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ PSI આર.એન. વાડલેને સોંપી છે.

Continue Reading
Advertisement

Trending