નવસારી SOG પોલીસે શહેરના સ્ટેશન વિસ્તારમાંથી ચોરીના 21 ફોન સાથે કરી ધરપકડ
નવસારી : રેલ્વે ટ્રેક, રેલ્વે સ્ટેશન, રેલ્વે યાર્ડ, એસટી ડેપો જેવા જાહેર સ્થળોએ મોબાઇલ તફડાવવામાં માહિર રીઢા ચોરો પાસેથી ચોરીના ફોન ખરીદનારા સુરતના વેપારીને નવસારી SOG પોલીસે બાતમીને આધારે નવસારી રેલ્વે સ્ટેશન નજીક પ્રકાશ ટોકીઝ પાસેથી ઝડપી પડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ચોરેલા 21 મોબાઇલ ફોન પણ કબ્જે કર્યા છે.
સુરતનો રમેશ ચોરીના મોબાઇલ ખરીદી સસ્તા ભાવે વેચી દેતો હતો

મળતી માહિતી અનુસાર, મોબાઇલ ફોન ઉપર વાત કરતા કરતા ચાલતા કે ટ્રેનના દરવાજા ઉપર બેઠા બેઠા વાત કરતા કે બસમાં અથવા રેલ્વે સ્ટેશન, રેલ્વે ટ્રેક, રેલ્વે યાર્ડ, એસટી ડેપો તેમજ અન્ય જાહેર સ્થળોએથી મોબાઇલ તફડાવવાની ઘટનાઓ સામાન્ય બની રહી છે. ઘણીવાર ચાલુ ટ્રેને દંડો મારીને મોબાઇલ ફોન ઝુંટવી લેવામાં આવતા હોય છે. આ રીતે મોબાઇલ ચોરનારી ટોળકીનો એક ચોરીના મોબાઇલ વેચવા માટે નવસારી શહેરના સ્ટેશન વિસ્તારમાં ફરી રહ્યો હોવાની બાતમી નવસારી SOG પોલીસને મળી હતી. જેના આધારે પોલીસની ટીમે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ફિલ્ડીંગ ગોઠવી, પ્રકાશ ટોકીઝ પાસેથી સુરતના ડીંડોલી સ્થિત સંતોષી નગર ઝુપડપટ્ટીમાં રહેતો અને મુળ રાજસ્થાની 51 વર્ષીય રમેશ ભવરલાલ રાજતરને ઝડપી પાડ્યો હતો. આરોપી રમેશ પાસેની બેગમાંથી અલગ અલગ મોબાઇલ કંપનીના 21 મોબાઇલ ફોન પણ મળી આવ્યા હતા અને તેના કોઈ બીલ રમેશ રાજતર આપી શક્યો ન હતો. જેથી પોલીસે તેની અટકાયત કરી, કડકાઈથી પૂછપરછ કરતા તેણે તમામ ફોન ચોરીના હોવાની કબુલાત કરી હતી. આરોપી રમેશ મોબાઇલ ફોન તફડાવનારા રીઢા ચોરો પાસેથી ચોરીના ફોન ઓછા ભાવે ખરીદી કરી લેતો હતો અને બાદમાં તેને ગ્રાહક શોધી સસ્તામાં વેચી દેતો હતો. રમેશે સુરત અને નવસારી શહેરમાં અલગ અલગ જગ્યાએથી ચોરાયેલા ફોન ખરીદ્યા હતા, જેથી પોલીસે તેની ધરપકડ કરી, 1.90 લાખ રૂપિયાના ચોરીના 21 ફોન પણ કબ્જે લીધા હતા. સાથે જ આરોપી રમેશ સામે નવસારી ટાઉન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી, આગળની તપાસને વેગ આપ્યો છે.
મોબાઇલના માલિકને શોધીને તેરા તુજકો અર્પણ હેઠક પરત કરાશે

ઉલ્લેખનિય છે કે, નવસારી પોલીસ ચોરીના મોબાઇલ તેના IMEI નંબર આધારે તેના માલિકોને શોધી, તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તમામ ફોન તેના માલિકોને આપવાનો પ્રયાસ કરશે. આ અગાઉ પણ નવસારી પોલીસે ચોરીના મોબાઇલ ફોન તેના માલિકોને શોધીને પરત કર્યા હતા.