સુરત નવી સિવિલ ખાતે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનોથેરાપી ક્લિનિકનો થયો પ્રારંભ
સુરત : સતત બદલાતા વાતાવરણ સાથે શહેરમાં ઉડતી ધૂળ એલર્જી વધારી શકે છે, ખાસ કરીને ઔદ્યોગિક વિકાસને કારણે શ્વાસને લગતી એલર્જીના કેસો વધી રહ્યા છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના OPD નં. 11 ખાતે કેન્દ્રિય જળ શક્તિમંત્રી સી. આર. પાટીલના હસ્તે એલર્જી ક્લિનિક અને ઈમ્યુનો થેરાપી ક્લિનિકનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. એલર્જી ક્લિનિકમાં દર મંગળવાર તથા શુક્રવારે સવારે 10 થી બપોરના 1 વાગ્યા સુધી નિદાન સાથે સારવાર કરવામાં આવશે.
બેથી 5 વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં દોઢથી બે લાખનો ખર્ચ : અહીં વિનામૂલ્યે થશે સારવાર
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, સુરત નવી સિવિલ હોસ્પિટલના તબીબોએ લોકોની નિરંતર સેવા કરીને લોકોનો વિશ્વાસ જીત્યો છે. એલર્જી ક્લિનિક શરૂ થવાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતના દર્દીઓને એલર્જીની સારવાર વિના મૂલ્યે મળી રહેશે. સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલમાં એલર્જીના નિદાન તેમજ સારવારનો ખર્ચ દોઢથી બે લાખ રૂપિયા સુધી થતો હોય છે. જે સિવિલમાં વિનામૂલ્યે શકય બનશે.
શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું સ્ક્રીન પ્રીક ટેસ્ટથી થશે વિનામૂલ્યે નિદાન
નોંધનીય છે કે, એલર્જી ક્લિનિક ખાતે સ્ક્રીન પ્રીક ટેસ્ટથી એલર્જીનું નિદાન કરવામાં આવશે. જેમાં જૂની ઘુળના કીડા, પરગરજ, ફૂગ ખાધ્ય પદાર્થ (મગફળી, દૂધ, ઈંડા તથા પાળતું પ્રાણીઓ જેમા બિલાડી, કુતરાની રૂવાટીના એલજન્સ તથા પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી) દર્દીઓના લક્ષણ તથા પર્યાવરણમાં રહેલા એલજન્સને ધ્યાનમાં રાખીને હાથ કે બરડાની ચામડી ઉપર એલજન્સના ટીપા મુકીને લેનસેટથી પ્રીક કરવામાં આવશે. અને જે ટેસ્ટના રિપોર્ટના આધારે 10 થી 15 મિનિટમાં એલર્જીનું પરિણામ મળી જશે. શરદી, કફ સહિત શ્વાસને લગતી અનેક એલર્જીનું નિદાન તથા સારવાર હવે નવી સિવિલ હોસ્પિટલના એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઈમ્યુનોથેરાપી ક્લિનિકમાં વિના મુલ્યે થશે. ખાનગી હોસ્પિટલમાં બેથી પાંચ વર્ષ સુધી ચાલતી એલર્જીની સારવારમાં દોઢથી બે લાખ રૂપિયા ખર્ચ થાય છે.
ક્લિનિકના પ્રારંભ પ્રસંગે મહાનુભાવો તેમજ હોસ્પિટલના ડોકટરો રહ્યા ઉપસ્થિત
આ પ્રસંગે પૂર્વ અધિક નિયામક ડો. વિકાસબેન દેસાઈ, મનપાના પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન પરેશ પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, તબીબ અધિક્ષક ડો. ધારિત્રી પરમાર, RMO ડો. કેતન નાયક, ચેસ્ટ વિભાગના વડા ડો. પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, SMCA ના ડો. પરેશ કોઠારી, IMA ના પ્રમુખ દિકન શાસ્ત્રી, RSS ના દિનેશ પટેલ અને નંદુજી શર્મા તથા તબીબો, વિવિધ વિભાગના વડાઓ, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.