નવસારી : નવસારી શહેરમાં શુક્રવારે પૂર્ણા નદીએ રૌદ્ર રૂપ ધારણ કરતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં 4 થી 8 ફૂટ પુરના પાણી ભરાઇ જતા, લાખો લોકોને મુશ્કેલી વેઠવા પડી હતી. આજે વહેલી સવારથી પુરના પાણી ઓસરતા પુર અસરગ્રસ્ત વિસ્તરોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યુ હતુ. પાલિકા સફાઇકર્મીઓની ફોજ ઉતારી સફાઇ કરાવે, એવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.
નિચાણવાળા વિસ્તારોના રસ્તાઓ, મોહલ્લા, સોસાયટીઓમાં કાદવ જ કાદવ
નવસારી તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવસારી નજીકથી પસારથતી પૂર્ણા નદીની જળસપાટી વધતા પુરની સ્થિતિ બની હતી. સવારથી બપોર સુધીમાં પૂર્ણા 30 ફૂટે પહોંચી જતા શહેરના નિચાણવાળા વિસ્તારોમાં 4 થી 8 ફૂટ પુરના પાણી ભરતા હજારો લોકોને સ્થળાંતરિત કરવા પડ્યા હતા. પુરના પાણી નિચાણવાળા વિસ્તારના ઘરોમાં ભરાઇ ગયા હતા. પુરના પાણી ગત મોડી રાતે ઉતર્યા હતા, ત્યારબાદ શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં કાદવ કીચડ રહી ગયો હતો. લોકોના ઘરો, દુકાનો, ઓફિસો, કારખાનાઓમાં પણ પુરને કારણે કાદવ થઇ ગયો હતો. જેથી વહેલી સવારથી જ અસરગ્રસ્તો દ્વારા પોતાના ઘર, દુકાનો, ઓફિસો, કારખાનાઓમાં સાફ સફાઇ હાથ ધરી હતી. જેમાં પુરના પાણીમાં પલળી જવાથી ખરાબ થયેલા અનાજ સહિતના સામાનને ફેંકી દેવા પડ્યો હતો. જેને કારણે પુર અસરગ્રસ્ત લોકોને હજારોથી લાખો રૂપિયાનું નુકશાન થવાનો અંદાજો છે.
પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઇ શરૂ ન કરાતા લોકોમાં આક્રોશ
નવસારી શહેરમાં પુરના પાણી ઓસર્યા બાદ શહેરના નિચાણવાળા વિસ્તારોમાં ગંદકી ફેલાય છે. શહેરના 40 ટકા વિસ્તારમાં રસ્તાઓ, શેરી, મોહલ્લા, સોસાયટીઓમાં કાદવ કીચડ તેમજ પુરમાં તણાઈ આવેલ કચરો જોવા મળ્યો હતો. લોકોએ પોતાના ઘર, ઓફીસ, દુકાનોમાં સફાઇ હાથ ધરી હતી, પણ પાલિકા દ્વારા સફાઇમાં આળસ કરી હોવાની લોકચર્ચા ઉઠી છે. રસ્તાઓ ઉપર પાલિકાના એકલ દોકલ સફાઇકર્મીઓ દેખાતા સ્થાનિકોએ પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઇકર્મીઓની ફોજ ઉતારવામાં આવે તો શહેર સ્વચ્છ થશે, નહીં તો ગંદકીને કારણે વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની સંભાવના વ્યક્ત કરી હતી.