Connect with us

દક્ષિણ-ગુજરાત

નવસારીના સુપા ગામે ગુરૂકુલ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ ઉજવ્યો કારગિલ વિજય દિવસ

Published

on

વિદ્યાર્થીઓએ શહીદો માટે ચિત્રો અને પોસ્ટર બનાવી દિલ્હી સ્થિત રક્ષા મંત્રાલયમાં મોકલ્યા

નવસારી : ભારતમાંથી પાકિસ્તાન છુટૂ પડ્યા બાદ બંને દેશો વચ્ચે બે મોટા યુદ્ધો થયા, જેમાં પાકિસ્તાનને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જેમાં વર્ષ 1999 માં કારગિલ યુદ્ધમાં ભારતને ભવ્ય વિજય મળ્યો હતો, જેની યાદમાં 26 જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે, ત્યારે નવસારીના સુપા ગામે આવેલ ગુરૂકુલ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ શહીદ જવાનોને યાદ કરી સૌર્યગાથા વર્ણવતા ચિત્રો અને પોસ્ટર બનાવી દિલ્હી સ્થિત રક્ષા મંત્રાલયમાં મોકલી, દેશભકિતની ભાવના સાથે કારગિલ દિવસ ઉજવ્યો હતો.

વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત, પ્રવચન અને ચિત્ર પોસ્ટર થકી શહીદોને આપી શ્રદ્ધાંજલિ

ભારતના તત્કાલિન વડાપ્રધાન એટલ બિહારી બાજપાઇએ વર્ષ 1999 માં કારગિલમાં ભારતીય જવાનોએ પાકિસ્તાનને ધૂળ ચટાડી મેળવેલી જીતને વર્ષો વર્ષ સુધી યાદ રહે એ હેતૂથી 26 જુલાઈને કારગિલ વિજય દિવસ જાહેર કર્યો હતો. ત્યારે આજે નવસારી તાલુકાના સુપા ગામે વૈદિક પરંપરા અનુસાર વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિ સાથે જ આધુનિક શિક્ષણ આપતી ગુરૂકુલ વિદ્યામંદિરમાં વિદ્યાર્થીઓ કારગિલ શહીદ દિવસ વિશે માહિતી મેળવે અને સરહદ ઉપર લડતા જવાનો માટે તેમના હ્રદયમાં માન, સન્માન વધે એવા ઉમદા હેતૂથી દેશભક્તિ ગીત, પ્રવચન અને ચિત્ર પોસ્ટર સ્પર્ધા યોજી અનોખી રીતે શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. વિદ્યાર્થીઓએ દોરેલા અને દેશ દાઝનો સંદેશ આપતા ચિત્રો તથા પોસ્ટર ભારતીય રક્ષા મંત્રાલયમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા.

દેશભકિતની ભાવના કેળવતી સહ અભ્યાસિક પ્રવૃતિને જિલ્લા શિક્ષણાધિકારીએ આવકારી

આ પ્રસંગે શાળાના આચાર્ય પરેશ દેસાઈએ વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓ અને દેશભાવના આ પોસ્ટરના ચિત્રોમાં જોવા મળી અને તેના થકી તેમનામાં રાષ્ટ્રભક્તિ કેળવવાનું પ્રથમ પગથિયુ બન્યુ હોવાનો ભાવ વ્યક્ત કર્યો હતો. રાકેશભાઈ આહીર, શીતલ પટેલ, સ્મિતા પાટીલ અને પ્રીતિ રાઠોડે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યુ, જયારે ચિત્ર શિક્ષક નીરવ આહિરે આ પ્રવૃત્તિ માટે ભારે જહેમત ઉઠાવી હતી. કેમ્પસ ડાયરેક્ટર ડૉ. આચાર્ય ચંદ્રગુપ્તજી અને સુરેશભાઇ રત્નાણીએ શહીદોને વંદન કર્યા હતા. ગુરુકુલ પદાધિકારીઓએ વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારી જયેશ ચૌધરીએ દેશભક્તિની સહ અભ્યાસિક પ્રવૃત્તિને આવકારી હતી.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

અપરાધ

નવસારીમાં ખનન માફિયાઓ પર ભૂસ્તર વિભાગની સર્જિકલ સ્ટ્રાઈક : અંબિકા નદીમાં ડ્રોનથી ગેરકાયદે રેતી ચોરી પકડી

Published

on

By

જિલ્લામાં પ્રથમવાર આધુનિક ટેકનોલોજીથી મેગા ઓપરેશન : 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત

નવસારી : નવસારી જિલ્લામાં કુદરતી સંપત્તિની લૂંટ ચલાવતા ખનન માફિયાઓ સામે ખાણ ખનીજ વિભાગે અત્યાર સુધીની સૌથી મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી કરી હતી. જિલ્લા કલેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ ભૂસ્તર વિભાગે નવસારીમાં પ્રથમ વખત ડ્રોન કેમેરા ટેકનોલોજીનો ઉપયોગ કરી અંબિકા નદીના પેટાળમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગણદેવી તાલુકાના બીલીમોરા સ્મશાન નજીકથી બાજની મદદથી ગેરકાયદે થતા રેતી ખનનને પકડી 2.25 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ખાણ ખનીજ વિભાગની સર્જિકલ સ્ટ્રાઇકથી ખનન માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

બીલીમોરા સ્મશાન ભૂમિ પાછળથી ચાલતા કાળા કારોબાર પર ડ્રોનનું ‘હવાઈ સર્વેલન્સ’

નવસારી ભૂસ્તરશાસ્ત્રી પી. આર. ખાંભલાના માર્ગદર્શન હેઠળ ભૂસ્તરવિજ્ઞાન અને ખનિજ વિભાગની ક્ષેત્રીય ટીમ દ્વારા અંબિકા નદીપટ્ટમાં એક ગુપ્ત સર્ચ ઓપરેશન ગોઠવવામાં આવ્યું હતું. રોયલ્ટી ઇન્સ્પેક્ટર દિવ્યાંત શિરોયા, માઇન્સ સુપરવાઇઝર સંદીપ રાઉત અને સ્પેશિયલ ડ્રોન ટીમે ગણદેવી તાલુકાના બીલીમોરા ગામની સ્મશાન ભૂમિ પાછળથી પસાર થતી અંબિકા નદીના દુર્ગમ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ટીમે આધુનિક ડ્રોન સર્વેલન્સની મદદથી નદીના પેટાળમાંથી યાંત્રિક બાજ (બોટ) વડે ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન પદ્ધતિને રંગેહાથ ઝડપી પાડીને માફિયાઓના મનસુબા પર પાણી ફેરવી દીધું હતું.

ગેરકાયદે ખનન કરનારા માફીયાઓ સામે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

આ હાઇ-ટેક દરોડા દરમિયાન ખાણ ખનીજ વિભાગની ટીમે સ્થળ પરથી ગેરકાયદેસર રેતી ખનનમાં વપરાતા 2 અત્યાધુનિક યાંત્રિક બાજ અને રેતીની હેરાફેરીમાં સંકળાયેલા 11 ટ્રકો મળીને કુલ 2.25 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ જપ્ત કરાયેલા તમામ વાહનો અને સાધનોને આગળની કાનૂની કાર્યવાહી માટે ધોલાઈ મરીન પોલીસ સ્ટેશનના હવાલે કરી દેવામાં આવ્યા છે. તંત્ર દ્વારા કસૂરદારો સામે ‘ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ 2017’ હેઠળ ગુનો નોંધાવી, ગેરકાયદે ખનન નેટવર્કના મૂળ સુધી પહોંચવાની કવાયત તેજ કરવામાં આવી છે.

Continue Reading

નવસારી

વાયરલ રીલનો ક્રેઝ કે અકસ્માતને આમંત્રણ?નવસારીના રેલ્વે ઓવરબ્રિજ પર યુવાનોનો જોખમી ‘બાહુબલી’ સ્ટંટ

Published

on

By

રાત્રિના સમયે બાઈક ખભા પર ઊંચકી બનાવ્યો વીડિયો

નવસારી : સોશિયલ મીડિયા પર માત્ર થોડી લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાની આંધળી દોડમાં નવસારીનો રેલ્વે ઓવરબ્રિજ હવે જોખમી રીલ્સ બનાવવાનું ગેરકાયદેસર હોટસ્પોટ બની ગયો છે. મધ્યરાત્રિના સમયે અન્યના જીવ જોખમમાં મૂકીને બાઈક ખભા પર ઉંચકીને બાહુબલી સ્ટંટ કરતા યુવાનોનો વધુ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાત્રિના સમયે બાઈક ખભા પર ઊંચકી રીલ બનાવતો વીડિયો થયો વાયરલ

પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારી રેલ્વે ઓવરબ્રિજ પર રાત્રિના અંધારામાં કેટલાક યુવાનોએ ટ્રાફિકના તમામ નિયમો અને સુરક્ષાને નેવે મૂકીને જોખમી સ્ટંટ હાથ ધર્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં એક યુવાન ‘બાહુબલી’ ફિલ્મના દ્રશ્યની જેમ પોતાના ખભા પર આખી બાઈક ઊંચકતો જોવા મળે છે, જ્યારે તેના અન્ય મિત્રો આ જોખમી હરકતને કેમેરામાં કેદ કરીને તેને સપોર્ટ કરી રહ્યા છે. મહત્વનું છે કે, આ બ્રિજ પર અગાઉ પણ આવા જીવલેણ સ્ટંટના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આવા ‘રીલબાજો’ના હોંસલા વધતા જાય છે. સાર્વજનિક સંપત્તિ અને રસ્તા પરથી પસાર થતા નિર્દોષ નાગરિકો માટે મોટું અકસ્માતનું જોખમ ઊભું કરતા આ યુવાનો સામે પોલીસ અને સ્થાનિક પ્રશાસન ક્યારે કડક કાનૂની બ્રેક મારશે, તે જ હવે શહેરીજનોમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.

Continue Reading

કૃષિ

નવસારીના રૂમાલામાં દીપડો પાંજરે પુરાયો : ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો

Published

on

By

ચીરપાડા ફળિયામાં બે દિવસથી ચાલતા ‘દીપડા રાજ’નો વન વિભાગની ત્વરિત કામગીરીથી આવ્યો અંત

નવસારી : નવસારી જિલ્લાના ચીખલી તાલુકા સ્થિત રૂમાલા ગામના ચીરપાડા ફળિયામાં પાછલા બે દિવસથી ભયનો માહોલ સર્જનાર કદ્દાવર દીપડો આખરે વન વિભાગના પાંજરે પુરાતા જ સ્થાનિક ગ્રામજનોએ ભારે રાહત અનુભવી છે.

શિકારની શોધમાં નીકળેલો વનરાજ પાંજરે પુરાયો, ગ્રામજનોના ટોળા ઉમટ્યા

છેલ્લા બે દિવસથી નવસારીના ચીખલી તાલુકાના રૂમાલા ગામના ચીરપાડા ફળિયા આસપાસ દીપડાની સક્રિય હિલચાલ જોવા મળતા સ્થાનિકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતાને ધ્યાને રાખી ગ્રામજનોએ તુરંત ચીખલી વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગની ટીમે ત્વરિત પગલાં ભરીને સ્થાનિક નીલેશ દેશમુખના વાડામાં વ્યૂહાત્મક રીતે પાંજરૂ ગોઠવ્યું હતું. મોડી રાત્રે ખોરાક અને શિકારની શોધમાં આવેલો આ કદ્દાવર દીપડો પાંજરામાં કેદ થઈ ગયો હતો. સવારે દીપડો પાંજરે પુરાયાના સમાચાર ફેલાતા જ આ અદભૂત વન્યજીવને જોવા માટે ગ્રામજનોના ટોળાં ઉમટી પડ્યા હતા. વન વિભાગે સ્થળ પર પહોંચીને દીપડાનો સુરક્ષિત કબજો મેળવી તેને ચીખલી ખાતે ખસેડ્યો હતો. વન્યજીવ તબીબો દ્વારા દીપડાનું પ્રાથમિક આરોગ્ય પરીક્ષણ કર્યા બાદ તેને તેના પ્રાકૃતિક નિવાસસ્થાન એવા ઊંડા જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવશે .

Continue Reading
Advertisement

Trending