આંતરરાષ્ટ્રિય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં નવસારીના યોગાચાર્યના ક્ષુરિકા ઉપનિષદ પરના સંશોધન પેપરને મળી સ્વિકૃતિ
નવસારી : ક્ષુરિકા ઉપનિષદમાં પ્રાણાયામ અને ધારણા યોગની ક્રિયાઓ દ્વારા મનુષ્ય શરીરના પ્રાણ કેન્દ્રોને જાગૃત કરી, જીવ શિવ બનવાની ક્ષમતા કેળવી શકે છે, જેને થિયરી અને પ્રેક્ટિકલ પ્રયોગો સાથે સંશોધન કરી, નવસારીના યોગાચાર્ય ભ્રહ્માનંદજી અને તેમના આનંદ તપોવન આશ્રમની ડિરેક્ટર વૈશાલી શાહે 7 મી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં રજૂ કરેલા સંશોધન પેપરને સ્વિકૃતિ મળી છે.
25 શ્લોકોના ક્ષુરિકા ઉપનિષદમાં કુંડલીની જાગૃતિ અંગે વિસ્તૃત માહિતી


નવસારીના બીલીમોરાના વતની અને નિવૃત બેન્કર ડૉ. શંકર પટેલ 40 વર્ષોથી યોગ અભ્યાસ સાથે સાધના કરી રહ્યા છે. પોતાની નોકરી સાથે ભારતના જુદા જુદા વિસ્તારોમાં યોગાભ્યાસ સાથે જ યોગ ઉપર લખાયેલા ઉપનિષદ અને અન્ય શાસ્ત્રીય ગ્રંથોનો પણ અભ્યાસ કરીને આસન, પ્રાણાયામ અને યોગ ધારણા ઉપર નિપુણતા કેળવી છે. ડૉ. શંકર પટેલ દ્વારા ઇન્દોરના યોગાચાર્ય ઓમાનંદ ગુરૂજીના સાનિધ્યમાં યોગ સંસ્કૃતિના પ્રચાર પ્રસાર અર્થે દિક્ષા ગ્રહણ કરી, ભ્રહ્માનંદ નામ અર્જિત કરી, હાલ વાંસદા તાલુકાના નવતાડ ગામે કુદરતી સાનિધ્યમાં શરૂ કરેલા આનંદ તપોવન યોગ આશ્રમ સ્થાપિત કરી લોકોને આધ્યાત્મ અને યોગ થકી તન અને મન બંને તંદુરસ્ત રાખવાની ચાવી શિખવી રહ્યા છે. ત્યારે યોગાચાર્ય ભ્રહ્માનંદજી અને આનંદ તપોવનના ડિરેક્ટર વૈશાલી શાહ બંનેએ સંયુક્ત રીતે માત્ર 25 શ્લોક ધરાવતા ક્ષુરિકા ઉપનિષદ ઉપર યોગના અન્ય શાસ્ત્રીય ગ્રંથોની મદદથી સંશોધન કર્યુ હતુ. જેને ધ્યાનયોગ અને પ્રાણ ધારણા ક્ષુરિકા ઉપનિષદ પ્રમાણે – વિશ્લેષણાત્મક અધ્યયન વિષય અંતર્ગત ગત 2 થી 4 ફેબ્રુઆરી, 2024 દરમિયાન તામીલનાડુના કન્યાકુમારીમાં સ્થિત શ્રી વિવેકાનંદ રોક મેમોરીયલ, સેન્ટ્રલ યુનીવર્સીટી, હિમાચલ પ્રદેશ અને મહાત્મા ગાંધી યુનીવર્સીટી, કેરેલાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી 7 મી આંતરરાષ્ટ્રીય યોગ ઉપનિષદ કોન્ફરન્સમાં 127 પ્રતિસ્પર્ધીઓ વચ્ચે રજૂ કર્યુ હતું. ડૉ. શંકર પટેલના સંશોધન પેપરને આંતરરાષ્ટ્રિય સ્તરે સ્વિકાર્યતા મળી અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેદિક સાયન્સના માં યોગિની શાંભવી દેવી દ્વારા પંડિત વામદેવ શાસ્ત્રી તથા વિવેકાનંદ કેન્દ્રના ઉપાધ્યાક્ષ હનુમંથા રાવની ઉપસ્થિતિમાં ડો.શંકર પટેલ અને વૈશાલી શાહને સન્માનિત કરવામાં આવ્યા હતા.
યોગ ફક્ત આસન નથી. યોગમાં પ્રાણાયામ અને યમ નિયમ પણ જરૂરી છે. – યોગાચાર્ય


વર્ષોના યોગ અનુભવોનો નીચોડ આજ રોજ નવસારી સર્કીટ હાઉસના કોન્ફરન્સ રૂમમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં યોગાચાર્ય બ્રહ્માનંદ અને આશ્રમના ડિરેક્ટર વૈશાલી શાહ દ્વારા પત્રકારોના પ્રશ્નોના જવાબમાં આપ્યો હતો. ખાસ યોગ ફક્ત આસન નથી. યોગમાં પ્રાણાયામ અને યમ નિયમ પણ જરૂરી છે. યોગ દ્વારા શરીરના દરેક અંગોનું યોગ્ય સંચાલન સાથે જ માનસિક તંદુરસ્તી પણ મેળવી શકાય છે. જેના માટે યોગ્ય પદ્ધતિથી યોગ કરવા જોઈએ. હાલના તેમના ક્ષુરિકા ઉપનિષદના સંશોધન પ્રમાણે પ્રાણાયામ અને શરીરના પ્રાણ કેન્દ્રો ઉપર કરવામાં આવતી ધારણા થકી તેમને જાગૃત કરી શકાય છે, જેની સાથે જ સમગ્ર શરીરના આધાર કેન્દ્રો એવા ચક્રોને પણ જાગૃત કરીને કુંડલીની શક્તિને ઉર્ધ્વગામી બનાવી જીવ શક્તિ બની શકે છે, એના ઉપર વિસ્તૃત માહિતી આપી હતી.
યોગ થકી ગર્ભસંસ્કાર થાય તો શ્રેષ્ઠ બાળક મેળવવું શક્ય

પ્રત્રકાર પરિષદમાં યોગાચાર્ય બ્રહ્માનંદજી અને યોગીકા વૈશાલી શાહે માનવ જીવનમાં અનેક પ્રસંગે અને સમસ્યામાં મદદરૂપ થતો હોવાની માહિતી આપી હતી. જેમાં યોગ દ્વારા ગર્ભ સંસ્કાર કરવામાં આવે તો, એક શ્રેષ્ઠ બાળક મેળવી શકાય છે. જોકે યોગ સાથે આધ્યાત્મ પણ એટલું જ જરૂરી હોવાનું તેમણે ઉમેર્યુ હતુ. યુવાનોમાં વ્યસન છોડવા માટે પણ યોગ કારગર સાબિત થાય છે. સાથે જ અનેક જટિલ બીમારીઓને નાથવામાં પણ તેમને સફળતા મળી હોવાનો દાવો પણ કર્યો હતો. ખાસ કરીને ઓર્ગન ફેલીયર, કેન્સર, હૃદયરોગ, મગજને લગતી સમસ્યા, ડીપ્રેશન, સ્ટ્રેસ મેનેજમેન્ટ જેવી અનેક બીમારીઓમાં તેમને સકારાત્મક પરિણામ જોવા મળ્યા છે.
યુવા પરિવર્તન થકી યુગ પરિવર્તન
યોગાચાર્ય ભ્રહ્માનંદજી અને આશ્રમના ડિરેક્ટર વૈશાલી શાહ દ્વારા યોગ અને પ્રાણાયામના વર્ગો પણ ચલાવવામાં આવે છે. સાથે જ તેઓ ઓનલાઇન પણ યોગ નિર્દશન દ્વારા અનેક લોકોને મદદરૂપ થઇ રહ્યા છે. તેઓ યુવાનોમાં યોગ દ્વારા પરિવર્તન લાવી, યુગ પરિવર્તનના મહા અભિયાન ઉપર કાર્યકર્ત હોવાનું પણ જણાવ્યું હતુ.