કારનું હીટર ચાલુ રહી જવાને કારણે ઘરમાં કાર્બન મોનોક્સાઇડ છૂટતા 7 લોકોને થઇ હતી અસર
નવસારી : નવસારીના ગણદેવી તાલુકાના મોટી કરોડ ગામનો યુવાન કેનેડાના ટોરેન્ટો શહેરમાં અભ્યાસ અર્થે ગયો હતો, જ્યાં ઘરના ગેરેજમાં પાર્ક કરેલી કારનું હીટર ચાલુ રહી જતા, કારમાંથી કાર્બન મોનોક્સાઇડ ગેસનું ગળતર થતા ઘરમાં પ્રસર્યો હતો, જેમાં ઘરમાં રહેતા 7 લોકોને ગેસની અસર વર્તાઈ હતી. જેમાં મોટી કરોડના યુવાનનું ગેસને કારણે શ્વાસ રૂંધાતા મોત નીપજ્યુ હતું. જ્યારે અન્ય 6 લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. યુવાનની મોતના સમાચાર વતન પહોંચતા તેના પરિવારજનો સહિત ગ્રામજનોમાં શોકની લાગણી ફેલાઈ હતી.
કાર્બન મોનોક્સાઇડ ગેસને કારણે શ્વાસ રૂંધાતા યુવાનનું થયુ મોત

મળતી માહિતી અનુસાર, ગણદેવી તાલુકાના મોટી કરોડ ગામે સ્કૂલ ફળિયામાં રહેતા નીલ શંકર પટેલ વર્ષ 2018 માં સ્ટૂડન્ટ વિઝા પર અભ્યાસ અર્થે કેનેડાના ટોરેન્ટો શહેરમાં ગયો હતો. 5 વર્ષોથી નીલ કેનેડામાં રહીને અભ્યાસ કરી રહ્યો હતો, દરમિયાન તેની બે બહેનો પણ સ્ટૂડન્ટ વિઝા પર જ કેનેડા પહોંચી હતી. નીલ તેની નાની બહેન અને અન્ય વિદ્યાર્થીઓ સાથે ટોરેન્ટોમાં ટાઉન હાઉસ ઓન એકટીવા એવન્યુમાં રહેતો હતો. ગત રોજ નીલ પટેલ અને તેના સાથે રહેતા વિદ્યાર્થીઓ ઘરે હતા, ત્યારે અચાનક ઘરમાં ફાયરીંગ એલાર્મ વાગવા માંડતા, તમામ દોડ્યા હતા અને ઘરના બારી બારણા ખોલી દીધા હતા. જેમાં નીલને ધ્યાને આવ્યું હતું કે ગેરેજમાં મુકેલી કાર ચાલુ હતી અને કારનું હીટર ચાલુ રહી જવાને કારણે કાર્બન મોનોકસાઇડ ગેસ લીક થયો હતો. કાર્બન મોનોક્સાઇડના ગળતરને કારણે શ્વાસ લેવામાં પણ મુશ્કેલી જણાતી હતી, જેમાં નીલે કાર પાસે જઈને કારનો દરવાજો ખોલવાનો પ્રયાસ કરતા, જ વધુ પડતા કાર્બન મોનોક્સાઇડને કારણે નીલ જગ્યા પર જ ઢળી પડ્યો હતો અને તેનું મોત નીપજ્યુ હતું. ઘટનાની જાણ થતા તેની સાથેના અન્ય વિદ્યાર્થીઓ ત્યાં દોડી આવ્યા હતા, નીલને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો હતો. બીજી તરફ ઘરમાં રહેતા અન્ય 6 વિદ્યાર્થીઓને પણ ગેસ ગળતરની અસર જણાતા, તેમને પણ સારવાર આપવામાં આવી હતી.
સરકાર પ્રોપર્ટી મેનેજર માટે એડવાઈઝરી જાહેર કરી, વિદેશી વિદ્યાર્થીઓમાં જાગરૂકતા ફેલાવે!!

કેનેડાનાં સ્થાનિક ટીવી ચેનલના રીપોર્ટ અનુસાર, વિદેશથી કેનેડામાં ભણવા આવતા વિદ્યાર્થીઓને ઘણીવાર ત્યાની સીસ્ટમની જાણ નથી હોતી. ઘરમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ કેવી રીતે લીક થાય, એલાર્મ વાગે તો શું ધ્યાને રાખવું, ક્યા પગલાં ભરવા અને શું ન કરવું એની કોઈ માહિતી ઘણા વિદ્યાર્થીઓને નથી હોતી. નીલ પટેલના કેસ પણ ઘરમાં જયારે એલાર્મ વાગ્યું, તો વિદ્યાર્થીઓએ ઘરના ઇલેક્ટ્રોનીક્સ ઉપકરણો ચકાસ્યા, પણ કોઈ ખામી જણાઈ ન હતી. પરંતુ કાર્બન મોનોક્સાઇડનું એલાર્મ વાગવાનું બંધ ન થતા, ગેરેજમાં જઈને ચકાસવા જતા નીલે શ્વાસ રૂંધાવાને કારણે જીવ ગુમાવવો પડ્યો હતો. જેથી સ્થાનિક સરકાર પ્રોપર્ટી મેનેજરો માટે એડવાઈઝરી જાહેર કરી, ઘર ભાડે આપતી વખતે વિદેશીઓને ઘરની સીસ્ટમ વિષે માહિત ગાર કરે, તો આવી વિપરીત પરિસ્થિતિમાં પોતાનો જીવ જોખમમાં મુકે નહીં સાથે જ ઇલેક્ટ્રોનીક્સ તેમજ અન્ય વસ્તુઓનો યોગ્ય ઉપયોગ કરી શકે.
મોટી કરોડ ગામમાં શોકની કાલીમા છવાઈ
નીલ પટેલ ઘરનો એકનો એક લાડકવાયો હતો. જેથી તેના મોતના સમાચાર આવતા જ તેના પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. નીલની માતાને કલાકો બાદ નીલના મૃત્યુના સમાચાર આપતા તેના હોશ ઉડી ગયા હતા. સાથે જ ગામમાં પણ શોકની કાલીમા છવાઈ હતી હતી.