જ્ઞાન સહાયક યોજનાના વિરોધમાં શિક્ષિત બેરોજગારોએ રેલી કાઢી કલેકટરને આપ્યું આવેદનપત્ર
નવસારી : ગુજરાતની શાળાઓમાં હજારો શિક્ષકોની જગ્યા ખાલી છે. જેમાં કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કંપનીઓમાં જે રીતે કરાર આધારિત કર્મચારીઓ હોય, એ પ્રમાણે જ સરકાર પણ 11 મહિનાના કરાર આધારિત જ્ઞાન સહાયક યોજના લઈને આવી છે. જેનો શિક્ષક બનવાના સપના જોતા લાખો શિક્ષિત બેરોજગાર યુવાનો વિરોધ કરી રહ્યા છે. આજે નવસારી સર્કીટ હાઉસ ખાતેથી વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કાયમી નોકરીવાન્છું યુવાનોએ રેલી કાઢી જિલ્લા કલેકટર મારફતે રાજ્ય સરકાર સુધી પોતાની માંગ પહોંચાડવા નાયબ પોલીસ અધિક્ષકને આવેદનપત્ર આપ્યુ હતુ. જ્યાં સરકાર કાયમી ભરતીને બદલે કરાર આધારિત ભરતી લાવતા, વિધાનસભામાં ધારાસભ્યો પણ 11 મહિનાના કરાર આધારિત જ ચુંટવા જોઈએનો ટોણો ધારાસભ્ય અનંત પટેલે મારી, જ્ઞાન સહાયક યોજના રદ્દ કરવાની માંગ કરી હતી.
24 વર્ષોના અભ્યાસ બાદ પણ સરકારમાં કરાર આધારિત નોકરીની વાતે યુવાનોમાં રોષ


ગુજરાતની શાળાઓમાં હજારો શિક્ષકોની ઘટ છે, જેમાં પણ સરકારી પ્રાથમિક શાળાઓમાં વર્ગ શાળા અને મુખ્ય શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી રહી છે. જેથી સરકારે ઓછી સંખ્યા હોય, એવી શાળાઓને નજીકની શાળામાં મર્જ કરી શિક્ષકોની ઘટનો પ્રશ્ન ઉકેલવાનો પ્રયાસ કર્યો હતો. જેની સાથે જ મુખ્ય વિષયોના પ્રવાસી શિક્ષકો મુકીને વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે એવા પ્રયાસો કર્યા હતા. તેમ છતાં શાળાઓમાં હજારો કાયમી શિક્ષકોની ભરતી બાકી છે. જ્યાં શિક્ષકોની ભરતીની માંગ પ્રબળ થઇ રહી છે, ત્યાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવા જ્ઞાન સહાયક યોજના જાહેર કરાય છે. પરંતુ 24 વર્ષો સુધી અભ્યાસ કરીને શિક્ષક બનવા માટે જરૂરી દ્વિસ્તરીય ટેટ – ટાટની પરીક્ષા પાસ કર્યા બાદ પણ કરાર આધારિત નોકરી મળવાની વાતે ગુજરાતના હજારો શિક્ષિત બેરોજગાર યુવાનોમાં રોષ વ્યાપ્યો છે. સાથે જ જ્ઞાન સહાયક યોજના રદ્દ કરીને શિક્ષકોની કાયમી ભરતી કરે એની માંગ બુલંદ કરી રહ્યા છે. નવસારી જિલ્લામાં વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ દ્વારા કાયમી શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા સૈંકડો નોકરીવાન્છું ઉમેદવારોને સમર્થન જાહેર કરી, ગત દિવસોમાં વાંસદા અને ચીખલી તાલુકામાં રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરી હતી. જેમાં આજે નવસારી જિલ્લા સ્તરે કાર્યક્રમ જાહેર કર્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદ અને ગાંધીનગરથી પણ શિક્ષક બનવાના સપના જોતા શિક્ષિત બેરોજગાર યુવાનો નવસારી પહોંચ્યા હતા.
ધારાસભ્ય સાથે શિક્ષિત બેરોજગારો રસ્તા પર બેસતા સર્જાઈ ટ્રાફિક સમસ્યા


નવસારી સર્કીટ હાઉસથી રેલી સ્વરૂપે શિક્ષિત બેરોજગારો ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પરિસર બહાર મુખ્ય રસ્તા પર જ આંદોલનકારીઓ બેસી જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. રસ્તા પર બેસતા જ યુવાનોને પોલીસ દ્વારા રસ્તા પરથી ખસેડવાનો પ્રયાસ થતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેશ પટેલ વચ્ચે પડ્યા હતા. જ્યાં પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે ચકમક ઝરી હતી. પરંતુ બાદમાં પોલીસે સમજદારી વાપરી આંદોલનકારીઓને થોડો સમય બેસવા દીધા હતા. બાદમાં કલેકટરને આવેદનપત્ર આપવા કચેરીના ગેટ પર પહોંચતા જ પોલીસે તમામને અટકાવ્યા હતા અને ફક્ત 10 લોકોને મંજૂરી હોવાનું કહેતા ફરી ધારાસભ્ય અનંત પટેલ સાથે ઉમેદવારો જમીન પર બેઠા હતા, અહીં સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરવા સાથે રામધૂન ગાઈને સરકારને સદ્દબુદ્ધિ આવે એવી આશા વ્યક્ત કરી હતી. બીજી તરફ કલેકટર કે તેમના કોઈ પ્રતિનિધિ નીચે આવીને આવેદનપત્ર ન સ્વિકારતા કોંગી ધારાસભ્ય અનંત પટેલે નાયબ પોલીસ અધિક્ષક એસ. કે. રાયને જ કલેકટર ગણીને તેમને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં સરકાર કરાર આધારિત જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરે અને શિક્ષકોની કાયમી ભરતી કરે એવી માંગણી કરી છે. નહીં તો આંદોલનને દરેક જિલ્લાઓમાં લઇ જવા સાથે જ સરકારના કાને માંગણીઓ નાંખવા ગાંધીનગર કૂચ કરવાની પણ તૈયારી દર્શાવી છે.