પ્રેમિકાનું મોત નિપજાવનાર પ્રેમીની પોલીસે કરી ધરપકડ
નવસારી : પ્રેમમાં પાગલ લોકો, જ્યારે પ્રેમ ન મળે, ત્યારે કોઈપણ હદ સુધી જતા હોય છે. આવો જ કિસ્સો નવસારીના મરોલીમાં સામે આવ્યો છે. અહીં પ્રેમીને લગ્નની ના પાડતા જ આવેશમાં આવી, પ્રેમીએ પ્રેમિકાને મરોલી રેલ્વે સ્ટેશનના ફૂટ ઓવર બ્રીજ પરથી ધક્કો મારી નીચે ફેંકી દીધી હતી. માથામાં ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડાયેલી પ્રેમિકાનું સારવાર દરમિયાન મોત નિપજતાં મરોલી પોલીસે પ્રેમિકાને મોતના મુખમાં પહોંચાડનાર પ્રેમીની ધરપકડ કરી આગળની તપાસને વેગ આપ્યો છે.
આરોપી રોઝીનાને સીવણ ક્લાસમાંથી જબરદસ્તી લઈ ગયો હતો


મળતી માહિતી અનુસાર, નવસારીના જલાલપોર તાલુકાના ડાલકી ગામના ટેકરી ફળિયામાં રહેતી 20 વર્ષીય રોઝીના ઈમરાન પઠાણનો ગામના જ મલેક ફળિયામાં રહેતા બાસીત અબ્દુલ મલેક સાથે પ્રેમ સંબંધ હતો. લાંબા સમયથી બંને એકબીજાને મળતા હતા, પરંતુ થોડા દિવસોથી રોઝીના બાસીતથી દૂર દૂર રહેતી હતી. દરમિયાન ગત 3 ઓકટોબર, 2023 ના રોજ બપોરના સમયે મરોલી કસ્તુરબા આશ્રમ ખાતે ચાલતા સીવણ ક્લાસમાં રોઝીના હોવાની જાણ થતાં જ બાસીત કસ્તુરબા આશ્રમ પહોંચ્યો હતો અને ત્યાંથી રોઝીનાને જબરદસ્તી પોતાની સાથે લઈ ગયો હતો. બાસીત રોઝીનાને પોતાની બાઈક પર બેસાડી મરોલી રેલ્વે સ્ટેશન લઈ ગયો હતો. જ્યાં બંને ફૂટ ઓવર બ્રીજ પર ચઢ્યા હતા, બાસીતે રોઝીનાને તેની સાથે સંબંધ કેમ નથી રાખતી કહીને ઝઘડો કર્યો હતો, સાથે જ તેની સાથે લગ્ન કરવાનું કહેતા રોઝીનાએ ચોખ્ખી ના પાડી દેતા બાસીત ગુસ્સે ભરાયો હતો. રોઝીના બ્રીજ પરથી આવવા જતા આક્રોશિત બાસીતે તેને ધક્કો મારી દેતા, રોઝીના દાદર પરથી નીચે પટકાતા ગંભીર રીતે ઘવાઈ હતી. રોઝીના નીચે પડતા જ બાસીત ઘટના સ્થળેથી ફરાર થયો હતો.
ગંભીર રીતે ઘવાયેલી રોઝીનાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયુ મોત

ઘાયલ રોઝીનાને તાત્કાલિક ઘટના સ્થળે ભેગા થયેલા લોકોએ મરોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર અર્થે ખસેડી હતી. બીજી તરફ રોઝીનાનાં પિતા ઈમરાન પઠાણને ઘટનાની જાણ થતા તેઓ પણ મરોલી PHC ખાતે પહોંચ્યા હતા. જ્યાં રોઝીના બેભાન હાલતમાં હોવાથી અને માથામાં ગંભીર ઈજા હોવાનું જાણતા તેને નવસારીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં 5 દિવસોની સારવાર બાદ ગત રોજ રોઝીનાએ દમ તોડી દીધો હતો. સમગ્ર મુદ્દે અગાઉ મૃતક રોઝીનાના પિતા ઈમરાન પઠાણે મરોલી પોલીસ મથકે અપહરણ અને હત્યાના પ્રયાસની ફરિયાદ આપી હતી, પરંતુ રોઝીનાના મોત બાદ પોલીસે હત્યાની કલમ ઉમેરી, રોઝીનાના પ્રેમી અને તેને મોતના દ્વારે પહોંચાડનાર બાસીત મલેકને ઝડપી પાડી તેની ધરપકડ કરી હતી. સાથે જ આરોપીના રિમાન્ડ મેળવી, તપાસને વેગ આપ્યો છે.