Connect with us

ચુંટણી

આંતલિયા ઉંડાચ પુલનું સમારકામ પૂર્ણ ન થતા ચુંટણી બહિષ્કારની ચીમકી

Published

on

પુલ નહી, તો મત નહીં ના સુત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ

નવસારી : ગણદેવી તાલુકાના આંતલિયા અને ઉંડાચ ગામને જોડતો કાવેરી નદી ઉપરનો પુલના 2 પીલર  બે વર્ષ અગાઉ કાવેરીના પુરના પ્રવાહને બેસી જતા પુલ વાહન વ્યવાહર માટે બંધ કરી તેનું સમારકામ આરંભાયુ હતું. પરંતુ ટેકનીકલ કારણોને આગળ ધરી સમારકામની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા આજે રોષે ભરાયેલા ચાર ગામડાઓના લોકોએ પુલના ઉત્તરી છેડે વિરોધ પ્રદર્શન કરી, પુલ નહીં, તો મત નહીં ના નારા સાથે ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.

8 કરોડમાં બનેલા પુલના બે પીલરના સમારકામ માટે 4.54 કરોડ થયા મંજૂર

નવસારીના ગણદેવી તાલુકાના આંતલિયા ગામથી ઉંડાચ ગામ વચ્ચે કાવેરી નદી ઉપર વર્ષો અગાઉ નાનો ડુબાઉ પુલ બન્યો હતો. ચોમાસામાં કાવેરીમાં પાણી વધતા જ પુલ ડૂબી જવાથી ઉંડાચ સહિત આસપાસના ગામડાઓએ 20 કિમી નો ચકરાવો ખાઈને બીલીમોરા આવવું પડતું હતું. જેથી લોકોની વર્ષોની માંગ બાદ 10 વર્ષ અગાઉ અંદાજે 8 કરોડ રૂપિયાને ખર્ચે આંતલિયા ઉંડાચને જોડતો મોટો પુલ બન્યો હતો. પુલ બનતા જ ઉંડાચ સહિતના ગામડાઓને મોટી રાહત મળી હતી. પરંતુ બે વર્ષ અગાઉ ગત 2022 ના ચોમાસામાં આવેલા ભારે પુરને કારણે કાવેરીના ધસમસતા પ્રવાહમાં આંતલિયા ઉંડાચ પુલના દક્ષિણ તરફના બે પીલર બેસી જતા પુલનો એક તરફનો સ્પાન પણ બેસી ગયો હતો. જેથી તાત્કાલિક અસરથી પુલને વાહન વ્યવહાર માટે બંધ કરી તનું સમારકામ આરંભાયુ હતુ. પરંતુ તંત્ર અને કોન્ટ્રાકટરની ઢીલી નીતિને કારણે બે વર્ષ વીતવા છતાં પણ પુલના પીલર ઉઠાવી શકાયા નથી અને કામ પૂર્ણતાએ પહોંચવાથી ઘણું દુર છે. જેથી ચોમાસું નજીક હોય ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે રોષ પ્રવર્તી રહ્યો હતો. દરમિયાન આજે ઉંડાચ સહિત જેસીયા, વાઘલધરા અને બલવાડાના ગ્રામજનો દ્વારા આંતલિયા ઉંડાચ પુલનાં ઉત્તરી છેડે ડુબાઉ પુલ ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. જેમાં પુલ નહીં, તો મત નહીં ના સુત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. સાથે જ ચુંટણી બહિષ્કારના બેનરો પણ લગાડી કોઈપણ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને ગામમાં નહીં આવવાની ચેતવણી પણ આપી છે.

સ્થાનિક આગેવાનો વચ્ચે ચકમક ઝરી

આંતલિયા ઉંડાચ પુલ નીચે વિરોધ કરવા ભેગા થયેલા ઉંડાચના ગ્રામજનોને સમજાવવા પહોંચેલા સ્થાનિક આગેવાનોની વાત સાંભળવાથી પણ ગ્રામજનોએ નન્નો ભણી દીધો હતો. આગેવાનોએ બે મહિનામાં પુલની કામગીરી પૂર્ણ થવાની વાતો કરતા બે વર્ષોથી કામ ન થયુ, તો 2 મહિનામાં થશે..? એવો પ્રશ્ન પણ ઉઠ્યો હતો. ત્યારે આગેવાનો સાથે વિરોધ કર્તાઓએ વાત ન સાંભળતા કોઈક વાતે ઉગ્રતા વધી હતી અને બંને પક્ષો વચ્ચે ચકમક ઝરતા પોલીસે મધ્યસ્થી કરી બંને પક્ષોને છુટા પાડ્યા હતા.

નદીમાં જમીનની મજબૂતાઇ ન મળવાને કારણે કામગીરીમાં અવરોધ

આંતલિયા ઉંડાચ પુલ બન્યાના થોડા જ વર્ષોમાં બેસી જતા લોકોમાં ભ્રષ્ટાચારના સુરો ઉઠ્યા હતા. જોકે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે કાવેરીમાં બે વર્ષ અગાઉના ચોમાસામાં આવેલા ભયાનક પુરને કારણે પુલના પીલરને નુકશાન થવાની વાત કરી, મુખ્યમંત્રીને રજૂઆત કરી પુલના સમારકામ માટે 4.54 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યાનું જણાવ્યુ હતુ. કામગીરી શરૂ પણ થઇ ગઈ હતી, પરંતુ નદીમાં નીચે જમીનની મજબૂતાઇ મળતી ન હોવાને કારણે કામમાં અવરોધ આવ્યો છે. 17 મીટર સુધી પ્રયાસ કરાયા છે, પણ મુશ્કેલી જણાતા હવે નવી એજન્સી શોધી 30 મીટર સુધી પહોંચી સોઇલ સ્ટેટા ચકાસી તેના રીપોર્ટને આધારે સમારકામને વેગ આપવામાં આવશે. અમારા એન્જીનીયર અને કોન્ટ્રાકટર બંને ટીમ સાથે તૈયાર છે. મશીન આવતા જ ચકાસણી કરીને કામ શરૂ થશે અને બે થી અઢી મહિનામાં પુલ ખુલ્લો મુકાશે. સાથે જ તેમણે લોકશાહીના પર્વમાં મતદાન કરવાની લોકોને અપીલ કરી, પુલ વહેલામાં વહેલો બને એવી ખાતરી પણ આપી હતી.

ગુજરાત

નવસારીના વોર્ડ નં. 13 માં પરિવારવાદના આક્ષેપ : કાર્યકરોએ ધારાસભ્યને કરી રજૂઆત

Published

on

પૂર્વ નગર સેવકના પુત્ર અને પૂર્વ ચીફ ઓફિસરના પુત્રવધૂને ટિકીટ મળવાની વાતે કાર્યકરોમાં રોષ

નવસારી : લોકશાહી પધ્ધતિથી ચાલતા પક્ષ ભાજપમાં નવસારી મહાનગર પાલિકાની ચુંટણીમાં પોતાના જ પરિવારના સભ્યોને ટિકીટ મળે, એવી વ્યવસ્થા ગોઠવવા પૂર્વ નગર સેવકો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં વોર્ડ નં. 13 માં પૂર્વ નગર સેવકના પુત્ર અને પૂર્વ ચીફ ઓફિસરના પુત્રવધૂને ટિકીટ ફાઈનલ કરવામાં આવી હોવાની વાતથી વોર્ડના ભાજપી આગેવાનો અને કાર્યકરો રોષે ભરાયા હતા અને વોર્ડ 13 માંથી નવા અને અજાણ્યા ચહેરાઓને ટિકીટ આપવાને બદલે કર્મઠ કાર્યકરોને ટિકીટ આપવાની માંગ સાથે નવસારીના ધારાસભ્યને રજૂઆત કરી હતી.

વર્ષોથી પંચાયત અને પાલિકામાં ચુંટણી લડતા નેતાઓને બદલે સક્ષમ યુવાનોને ટિકીટ આપવાની માંગ

નવસારી મહાનગર પાલિકાની ચુંટણી જાહેર થઈ ચુકી છે અને રાજકીય પક્ષો યોગ્ય મુરતિયાઓ શોધવાની મથામણમાં પડ્યા છે. જેમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ થોડા દિવસો અગાઉ શહેરના તમામ 13 વોર્ડના કાર્યકરોને સાંભળ્યા હતા. જેમાં 13 વોર્ડમાંથી આગેવાનો અને કાર્યકરો મળી કુલ 347 લોકોએ ટિકીટ માટે દાવેદારી કરી હતી. જોકે ભાજપના 60 વર્ષથી ઉપરના કાર્યકરોને ટિકીટ નહીં આપવાના નિર્ણયથી ફરી ચુંટણી લડવાના સપના જોતા જૂના જોગીઓના સપના રોળાયા છે. જેથી અગાઉથી જ આ નેતાઓએ પોતાના ઘરના સભ્યોને ટિકીટ માટે દાવેદારી કરાવી રાખી હોવાની ચર્ચાઓ પણ ભાજપમાં જોરશોરથી ચર્ચાઈ હતી. જેને સોમવારે સમર્થન મળતું જોવા મળ્યું, કારણ શહેરના સૌથી મોટા અને પાવરફુલ ગણાતા વોર્ડ નં. 13 માં પૂર્વ નગર સેવકના પુત્ર તેમજ પૂર્વ નગરસેવિકા અને પૂર્વ ચીફ ઓફિસરના પુત્રવધૂની બે બેઠક ઉપર ટિકીટ ફાઈનલ કરવામાં આવી હોવાની વાત વહેતી થતાં જ વોર્ડના ભાજપી આગેવાનો અને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. નારાજ કાર્યકરો સાથે આગેવાનો નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈની ઓફિસે ભર બપોરે પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્ય રાકેશ દેસાઈની આગળ પૂર્વ નગર સેવકોના પરિવારના સભ્યોને ટિકીટ આપવામાં આવી હોવાની વાતે પોતાની નારાજગી વ્યક્ત કરી, રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ વર્ષોથી ચુંટણી લડવા સાથે જ સત્તા સુખ ભોગી, ખુરશી ભૂખ રાખતા નેતાઓને સ્થાને કર્મઠ અને સક્ષમ કાર્યકરોને ટિકીટ આપવાની માંગ કરી હતી. જ્યારે ધારાસભ્ય રાકેશ દેસાઈએ હજી કોઈ નામ ફાઈનલ થયા નથીનો રાગ આલાપી, કાર્યકરોને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાંથી અંતિમ ઉમેદવારની પસંદગી થવાનું આશ્વાસન આપી સમજાવી લીધા હતા.

Continue Reading

ગુજરાત

NMC ની પ્રથમ ચુંટણી : 1.87 લાખ મતદારો કરશે મતદાન

Published

on

By

શહેરના વોર્ડ નં. 13 માં સૌથી વધુ 19,442 મતદારો નોંધાયા

નવસારી : નવસારી મહાનગર પાલિકા બન્યા બાદ તેની પ્રથમ ચુંટણી આગામી 26 એપ્રિલના રોજ યોજાશે. ત્યારે નવસારીના 13 વોર્ડમાં કુલ 1.87 લાખ મતદારો નોંધાયા છે, જેઓ નવસારી મહાનગર પાલિકાના પ્રથમ શાસકોને ચુંટશે. જેમાં શહેરના પાવરફુલ ગણાતા વોર્ડ નં. 13 માં સૌથી વધુ 19,442 મતદારો નોંધાયા છે.

શહેરની 83 ઈમારતોમાં 192 મતદાન બુથ ઉપર યોજાશે ચુંટણી

નવસારી મહાનગર પાલિકા 1 જાન્યુઆરી, 2025 ના રોજ જાહેર થતાની સાથે જ મહાપાલિકાનો વહીવટ જિલ્લા કલેક્ટરના હાથમાં આપી દેવામાં આવ્યો હતો. વહીવટદાર સાથે NMC નો કારભાર કમિશ્નરના હાથમાં આપી, રાજ્ય સરકારે શહેરની કાયાપલટ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ 13 મહિના બાદ નવસારી મહાનગર પાલિકાની ચુંટણી રાજ્યની અન્ય મહાપાલિકાઓ સાથે યોજાઈ રહી છે. નવસારી મહાનગર પાલિકાની પ્રથમ ચુંટણીને લઈ શહેરીજનો અને રાજકીય પક્ષોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે નવસારી મહાનગર પાલિકાની પ્રથમ ચુંટણીમાં શહેરના 95,015 પુરુષ અને 92,848 મહિલા અને 12 અન્ય મતદારો મળીને કુલ 1,87,875 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી, નવા શાસકોની પસંદગી કરશે. શહેરમાં મતદાન માટે 83 ઈમારતોમાં કુલ 192 મતદાન બુથ બનાવવામાં આવ્યા છે, જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા માટે ત્રણ રિટર્નિંગ ઓફિસરોની નિયુક્તિ કરવામાં આવી છે, જેમાં વોર્ડ નં. 1 થી 4 ના રિટર્નિંગ ઓફિસર નવસારી પ્રાંત અધિકારી, વોર્ડ નં. 5 થી 8 ના રિટર્નિંગ ઓફિસર સ્ટેમ્પ ડ્યુટી કલેક્ટર અને વોર્ડ નં. 9 થી 13 માટે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને રિટર્નિંગ ઓફિસર નીમવામાં આવ્યા છે.

શહેરના 13 વોર્ડમાં, વોર્ડ નં. 10 માં સૌથી ઓછા અને વોર્ડ નં. 13 માં સૌથી વધુ મતદારો

નવસારી મહાનગર પાલિકાની ચુંટણીમાં નવા જોડાયેલા ગામડાઓના વિસ્તાર સાથે થયેલા સીમાંકનમાં પણ શહેરના 13 વોર્ડ જ રહ્યા છે. ત્યારે શહેરની 4.21 લાખની વસ્તીમાં 1.87 લાખ મતદારો છે. જેને વોર્ડ અનુસાર જોવામાં આવે તો શહેરના વોર્ડ નં. 10 માં સૌથી ઓછા 9,569 મતદારો છે, જ્યારે વોર્ડ નં. 13 માં સૌથી વધુ 19,442 મતદારો નોંધાયા છે.

શહેરના વોર્ડ નં. 4, 7 અને 13 માં મહિલા મતદારોની સંખ્યા વધુ

નવસારી મહાનગર પાલિકાના 13 વોર્ડના મતદારો ઉપર નજર કરીએ, તો એમાં વોર્ડ નં. 4, 7 અને 13 માં પુરુષ મતદારો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે. વોર્ડ નં. 4 માં પુરુષ મતદારો કરતા 113 મહિલા મતદારો, વોર્ડ નં. 7 માં પુરુષ મતદારો કરતા 243 મહિલા મતદારો અને વોર્ડ નં. 13 માં પુરુષ મતદારો કરતા 434 મહિલા મતદારો વધુ છે. જ્યારે વોર્ડ નં. 6 માં 11 અને વોર્ડ નં. 12 માં ફ્કત 4 મહિલા મતદારો વધુ છે. જ્યારે આખા શહેરમાં 12 મતદારો અન્ય છે.

નવસારી મહાનગર પાલિકાના વોર્ડ અનુસાર મતદારોની સંખ્યા

વોર્ડ         પુરુષ            મહિલા            અન્ય         કુલ

1.          7,540            7,051             01         14,592
2.          7,926            7,639             03         15,568
3.           6,674           6,402            02         13,078
4.           6,373           6,486            00         12,859
5.           9,153           9,127            00         18,260
6.           8,335           8,346            00         16,681
7.           6,301            6,544            01         12,846
8.           5,932            5,551            00         11,483
9.           8,832            8,713            01         17,546
10.         5,072            4,493            04          9,569
11.         5,500            4,681            00         10,181
12.         7,883            7,887            00          15,770
13.         9,494            9,928           00          19,442
કુલ.        95,015          92,848         12         1,87,875

 

Continue Reading

ચુંટણી

નવસારીની વસુધારા ડેરીમાં ચેરમેનનો તાજ રાજાભાઈ પટેલના માથે  

Published

on

એક કલાકથી વધુની મથામણ બાદ થયેલી ચુંટણીમાં રાજાભાઈ 10 મતોથી વિજેતા

નવસારી : નવસારીનાં આલીપોર સ્થિત અને દક્ષિણ ગુજરાતની જાણિતી વસુધારા ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણીમાં ભાજપને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ડેરીના 14 ડીરેક્ટરોએ કરેલા મતદાનમાં ભાજપી કિશોર પટેલને રાજાભાઈ પટેલે 10 મતોથી પછડાટ આપી જીત પોતાને નામે કરી હતી. જયારે વાઈસ ચેરમેન પદ પર સીતાબેન જાધવે બાજી મારી હતી.

પ્રાંત અધિકારીએ ચુંટણી પ્રક્રિયા શરૂ કરતા જ થયો હતો વિવાદ

નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે આર્થિક સદ્ધરતાનું પર્યાય બનેલી નવસારીનાં આલીપોર સ્થિત વસુધારા ડેરી ડીરેક્ટરોની ચુંટણી બાદ 5 જાન્યુઆરી, સોમવારે બપોરે 12:૩૦ વાગ્યે ડેરીના ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. વસુધારા ડેરીનું સુકાન ભાજપી કિશોર પટેલને મળે એનો તખ્તો ગોઠવાયો હતો. પરંતુ સામે ગણદેવીની સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા અને ડેરીનાં ડીરેક્ટર રાજેશ ઉર્ફે રાજાભાઈ પટેલ પણ ચેરમેનની ચુંટણી લડવા મેદાને હતા. ચીખલી પ્રાંત આધિકારી ચુંટણી પ્રક્રિયા માટે પહોંચ્યા, તો ભાજપી કિશોર પટેલની ચેરમેન પદની દાવેદારી સામે રાજાભાઈએ પણ ઉમેદવારી કરતા થોડી મિનીટ માટે વાતાવરણમાં ગરમાટો આવી ગયો હતો. પ્રાંત અધિકારીએ મતદાનની શરૂઆત કરાવતા જ બંને પક્ષે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેથી પ્રાંત અધિકારીએ બંને પક્ષોને થોડો સમય આપ્યો અને લગભગ 1 થી સવા કલાક બાદ ચુંટણી શરૂ કરવામાં આવી હતી. જેમાં ડેરીના 14 ડીરેક્ટરોએ કરેલા મતદાનમાં ભાજપી કિશોર પટેલને ફક્ત 4 મતો મળ્યા હતા. જયારે રાજેશ ઉર્ફે રાજાભાઈ પટેલને 10 મતો મળતા, તેમનો ભવ્ય વિજય થયો હતો. એજ રીતે વાઈસ ચેરમેન પદ માટે ભાજપના કલ્પના ભીંસરાને સીતા જાધવે 9 મતોથી પછડાટ આપી જીત પોતાના નામે કરી હતી.

Continue Reading
Advertisement

Trending