નવસારી : લોકસભા ચુંટણીના અનેક રંગ છે. ગુજરાતથી ઉત્તરે આવેલા રાજસ્થાનના હજારો લોકો રોજગારની શોધમાં ગુજરાતના વિભિન્ન જીલ્લાઓમાં વસ્યા છે. ગુજરાતને કર્મભુમી બનાવનારા રાજસ્થાનીઓ મતદાર તો રાજસ્થાનના જ હોય છે. ત્યારે રાજસ્થાનના સરહદી જિલ્લાઓ બાડમેર, જેસલમેર અને બાલોતરાની બાડમેર-જેસલમેર લોકસભા બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર વચ્ચે ત્રીપાંખ્યો જંગ ખેલાવા જઈ રહ્યો છે. જેમાં બાડમેરની શિવ વિધાનસભાના ધારાસભ્ય અને બાડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર ભાટીએ આજે મોડી રાતે નવસારી જિલ્લાની મુલાકાત લઇ, પ્રવાસી મતદારોને સહયોગ આપવા હાંકલ કરી હતી.
બાડમેરમાં 22 લાખ મતદારો, પણ હજારો મતદારો અન્ય રાજ્યોમાં
રાજસ્થાનના સરહદી અને દેશના પાંચમાં સૌથી મોટા બાડમેર જિલ્લાની શિવ વિધાનસભાના ધારાસાભ્ય રવિન્દ્ર ભાટીએ બે ટર્મથી વિજેતા થતી ભાજપ સામે બાયો ચઢાવી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. રવિન્દ્ર ભાટીની લોકચાહના એટલી વધુ છે કે તેઓ ઉમેદવારી કરવા કલેકટર કચેરી પહોંચ્યા, તો તેમના સમર્થનમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા હતા. 8 વિધાનસભાઓમાં 22 લાખથી વધુ મતદારો અને 2600 બુથ ધરાવતી બાડમેર લોકસભા બેઠક જીતવા ભાજપ અને કોંગ્રેસ મેદાને છે, જેમાં રવિન્દ્રની અપક્ષ ઉમેદવારી ત્રિપાંખીયો જંગ છેડશે. ત્યારે ધંધા રોજગારની શોધમાં વતન છોડીને ગુજરાતમાં વસતા મતદારોને રીઝવવા માટે રવિન્દ્ર ભાટી આજે ગુજરાતના પ્રવાસે છે. જેમાં સવારથી અમદાવાદ, વડોદરા, ભરૂચ, અંકલેશ્વર, સુરત, પલસાણા, નવસારી, વાપી વગેરે શહેરોમાં વસતા 36 જાતિના મતદારોને મદદ કરવાની અપીલ કરવા પહોંચ્યા હતા.
નવસારીમાં બાડમેરના 1500 થી વધુ મતદારો, રવીન્દ્ર ભાટીએ બાડમેર આવવા કરી અપીલ
નવસારીના હાઇવે ઉપર આવેલ શ્રી રાજસ્થાની વિશ્વકર્મા સુથાર સમાજ ટ્રસ્ટના ઉન સ્થિત વાડીમાં પ્રવાસી રાજસ્થાની સંમેલન યોજવામાં આવ્યુ હતું. જ્યાં રવિન્દ્ર ભાટી સમય કરતા 2 કલાક મોડા પહોંચ્યા હતા. એમની લોકચહનાને કારણે રવિન્દ્ર સુથાર સમાજની વાડીએ પહોંચતા જ તેમને લોકોએ માથે ઉંચકી લીધા હતા. નવસારી જિલ્લામાં વસતા બાડમેર, જેસલમેર અને બાલોતરા જિલ્લાના અંદાજે 1500 થી વધુ મતદારો છે, ત્યારે તેમણે રવિન્દ્ર ભાટીને જિતાડવાના પ્રયાસો આરંભ્યા છે. આજે નવસારી પહોંચેલા રવિન્દ્ર ભાટીએ તેમના સમર્થકોને મતદાન કરવા સમયે રાજસ્થાન પહોંચી જવા અનુરોધ કર્યો હતો. સાથે જ તેમણે ઉપસ્થિત લોકોને એક ઉમ્મીદ, વિશ્વાસ અને આશા લઈને આવ્યા હોવાનું કહી, નાના ભાઈને મદદ કરવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે નાં તો તેઓ કોઈ પક્ષમાંથી લડી રહ્યા છે, કે નાં કોઈ મોટા નેતા કે બાહુબલી કે સ્ટાર પ્રચારક પણ નથી. લોકસભા ચુંટણી લડવા તેમની પાસે રૂપિયા પણ નથી. પરંતુ રાજસ્થાન બહાર વસતા મતદારો પણ 26 એપ્રિલે તેમના વતન બાડમેર આવી તેમના નાના ભાઈને મદદ કરવા અપીલ કરી હતી.
બાડમેરમાં પાણી, વીજળી અને શિક્ષણની મોટી સમસ્યા, ઉકેલ લાવવાની મતદારોની માંગ
નવસારી જિલ્લામાં વસતા રાજસ્થાનીઓ આજે બાડમેર લોકસભાના અપક્ષ ઉમેદવાર રવિન્દ્ર ભાટીને લોકસભા ચુંટણીમાં જીતાડી દિલ્હી મોકલવાનો વિચાર કરી રહ્યા છે. નવસારી આવેલા રવિન્દ્રને ઉત્સાહ પૂર્વક આવકારી, વિભિન્ન રાજસ્થાની સમાજના આગેવાનોએ તેમનું અભિવાદન કર્યુ હતું. સાથે જ લોકસભા બેઠકમાં તેમની સમાસ્યાઓનું સમાધાન થાય એવી આશા પણ સેવી હતી. જેમાં ખાસ કરીને પાણી, વીજળી અને શિક્ષણમાં પ્રગતિ થાય, રિફાયનરીની સમસ્યાનું સમાધાન આવે, રાજસ્થાનીને રાજભાષા તરીકે સ્વિકાર મળે, જેવા મુદ્દાઓ બેનર સ્વરૂપે રજૂ કર્યા હતા. સાથે જ રવિન્દ્ર જંગી બહુમતીથી ચુંટણી જીતે એવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.
બાડમેર લોકસભામાં બે ટર્મથી ભાજપ, આ વખતે પુનરાવર્તન કે પરિવર્તન… મતદારોને હાથ
લોકસભા ચુંટણીમાં ઘણી લોકસભા બેઠકો સરળતાથી મોટી જીતથી જીતવાની સંભાવના ઉમેદવારો લગાવતા હોય છે. પરંતુ રાજસ્થાનની બાડમેર લોકસભા બેઠકના ઘણા લોકો અન્ય રાજ્યોમાં વસતા હોવાથી, ઉમેદવારે સ્થાનિક સહિત અન્ય રાજ્યોમાં પણ ચુંટણી પ્રચાર કરવો પડતો હોય છે, ત્યારે બાડમેર બેઠક ઉપર ભાજપ હેટ્રિક મારે છે કે અપક્ષ ઉમેવાર રવિન્દ્ર ભાટી પરિવર્તન લાવવામાં સફળ રહે છે એ જોવું રહ્યુ..
નવસારી : ભારતના મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારની કામગીરી સામે આયોગના જ અન્ય બે કમિશ્નરો દ્વારા ગંભીર આરોપો મુકાતાં સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે. દેશભરમાં વિપક્ષો દ્વારા EVM અને ચૂંટણી પંચની નિષ્પક્ષતા સામે સવાલો ઉઠાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, જેમાં આજે નવસારી કોંગ્રેસ દ્વારા નવસારી કલેક્ટર કચેરી નજીક ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જોકે કોંગ્રેસીઓ રસ્તા પર પહોંચતા જ પોલીસે જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ સહિતના કાર્યકરોને ડિટેન કર્યા હતા.
મુખ્ય ચૂંટણી કમિશ્નરના રાજીનામા અને પુનઃ ચૂંટણીની માંગ સાથે વિરોધ
પ્રદર્શન દરમિયાન કોંગ્રેસી કાર્યકરોએ મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશકુમારના ફોટા સળગાવીને અને પ્લેકાર્ડ દર્શાવીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ તકે આગેવાનોએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી આયોગ વર્તમાન મોદી સરકાર સાથે મળીને બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે. જ્ઞાનેશકુમાર તાત્કાલિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપે તેમજ તેમના કાર્યકાળ દરમિયાન યોજાયેલી ચૂંટણીઓની તટસ્થ સમીક્ષા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કોંગ્રેસે પશ્ચિમ બંગાળ અને બિહારમાં ફરીથી ચૂંટણીઓ યોજવાની સ્પષ્ટ માંગણી રજૂ કરી હતી.
રસ્તા પર ચક્કાજામના પ્રયાસ બાદ પોલીસ કાર્યવાહી : તમામ અગ્રણીઓ ડિટેન
કલેક્ટર કચેરીથી થોડે દૂર હાથ ધરાયેલા આ વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકરો આવેશમાં આવીને રસ્તા પર પહોંચી ગયા હતા અને વાહનવ્યવહાર ઠપ્પ કરવાનો (ચક્કાજામ) પ્રયાસ કર્યો હતો. સ્થિતિ વણસતી જોઈને ઘટનાસ્થળે હાજર પોલીસે ત્વરિત પગલાં ભરી, પરમિશન વિના વિરોધ કરી રહેલા કોંગી કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટ, કાર્યકારી પ્રમુખ રાજન જોષી, મહિલા કોંગ્રેસ પ્રમુખ સમીરા શેખ, પ્રભા વલસાડીયા, યુથ કોંગ્રેસ પ્રમુખ આદિલ શાહ સહિત મનીષ બારોટ, એ.ડી. પટેલ અને વીરેન્દ્રભાઈ દેસાઈ જેવા વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરોને ડિટેન કરીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
SIR અને ચૂંટણી પંચ મુદ્દે કોંગ્રેસ દેશની સ્વાયત્ત સંસ્થાઓને બદનામ કરી જનતાને ગેરમાર્ગે દોરી રહી હોવાના ભાજપના આક્ષેપ
નવસારી : ભારતના ચૂંટણી આયોગ, EVM અને SIR (Special Intensive Revision) મુદ્દે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા ગત દિવસોમાં કરવામાં આવેલા આક્ષેપો સામે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક વલણ અપનાવ્યું છે. નવસારી જિલ્લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ’ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં ભાજપ નેતાગીરીએ રાહુલ ગાંધીના નિવેદનોને સખત શબ્દોમાં વખોડ્યા હતા. સાથે જ ચૂંટણીઓમા થતી સતત હારથી ઘેરાયેલી કોંગ્રેસ હવે બંધારણીય સંસ્થાઓ પર સવાલો ઉઠાવીને પોતાની રાજકીય નિષ્ફળતા છુપાવવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હોવાના આક્ષેપ પણ કર્યા હતા.
હારની હતાશામાં બંધારણીય સંસ્થાઓ અને ન્યાયતંત્ર પરથી ભરોસો ઊઠ્યો
નમો કમલમ ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ અને નવસારી મહાનગર પાલિકાના મેયર અશોક ધોરાજીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા. પત્રકારોને સંબોધિત કરતા મેયર અશોક ધોરાજીયાએ ભારતના ચુંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અને ફોર્મ 6 કે જેમાં મૃત વ્યક્તિના નામ કમી કરવાની વાતો સાથેની સુધારણા પદ્ધતિને યોગ્ય ગણાવી, હાલમાં જ કોંગ્રેસી નેતા અને લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા આપવામાં આવેલા નિવેદનો અને આક્ષેપોને મુદ્દે રાહુલ ગાંધીને ‘ઝૂઠ્ઠું બોલવાની ફેક્ટરી’ ગણાવ્યા હતા. સાથે જ તેમણે જણાવ્યું કે, જ્યારે પણ પરિણામો કોંગ્રેસની તરફેણમાં આવે છે ત્યારે જ તેમને ચૂંટણી પંચ અને EVM યોગ્ય લાગે છે. સુપ્રીમ કોર્ટે પણ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને ચકાસીને માન્ય રાખી હોવા છતાં, કોંગ્રેસને દેશના ન્યાયતંત્ર કે બંધારણીય પ્રક્રિયા પર સહેજ પણ ભરોસો રહ્યો નથી. ખોટા અને પાયાવિહોણા આક્ષેપો કરીને લોકોને ભરમાવવાની આ રાજનીતિ લોકશાહી માટે અત્યંત દુઃખદ છે.
વિકાસની રાજનીતિ સામે કોંગ્રેસની આક્ષેપબાજી નકામી, પોતાની આબરૂ બચાવે
પ્રેસ કોન્ફરન્સનું સંચાલન મીડિયા ઈન્ચાર્જ સમકિત શ્રીશ્રીમાળે કર્યું હતુ. જેમાં ભાજપના મહામંત્રીઓ જીગર દેસાઈ, શાંતિલાલ પટેલ અને લોચન શાસ્ત્રી પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ નેતાઓએ એકસૂરે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહેલાં અભૂતપૂર્વ વિકાસકામો અને ગરીબ કલ્યાણની નીતિઓને કારણે દેશની જનતા ભાજપ સાથે મજબૂતીથી ઉભી છે અને આવી આક્ષેપબાજીથી ગેરમાર્ગે દોરાવાની નથી. કોંગ્રેસ પોતાની રાજકીય જમીન ગુમાવી ચૂકી છે, તેથી હવે દેશની છબી ખરાબ કરવાને બદલે પક્ષમાં જે થોડીઘણી આબરૂ બચી છે તેને બચાવવા તરફ ધ્યાન આપવું જોઈએ.
પૂર્વ નગર સેવકના પુત્ર અને પૂર્વ ચીફ ઓફિસરના પુત્રવધૂને ટિકીટ મળવાની વાતે કાર્યકરોમાં રોષ
નવસારી : લોકશાહી પધ્ધતિથી ચાલતા પક્ષ ભાજપમાં નવસારી મહાનગર પાલિકાની ચુંટણીમાં પોતાના જ પરિવારના સભ્યોને ટિકીટ મળે, એવી વ્યવસ્થા ગોઠવવા પૂર્વ નગર સેવકો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં વોર્ડ નં. 13 માં પૂર્વ નગર સેવકના પુત્ર અને પૂર્વ ચીફ ઓફિસરના પુત્રવધૂને ટિકીટ ફાઈનલ કરવામાં આવી હોવાની વાતથી વોર્ડના ભાજપી આગેવાનો અને કાર્યકરો રોષે ભરાયા હતા અને વોર્ડ 13 માંથી નવા અને અજાણ્યા ચહેરાઓને ટિકીટ આપવાને બદલે કર્મઠ કાર્યકરોને ટિકીટ આપવાની માંગ સાથે નવસારીના ધારાસભ્યને રજૂઆત કરી હતી.
નવસારી મહાનગર પાલિકાની ચુંટણી જાહેર થઈ ચુકી છે અને રાજકીય પક્ષો યોગ્ય મુરતિયાઓ શોધવાની મથામણમાં પડ્યા છે. જેમાં ભાજપના પ્રદેશ નિરીક્ષકોએ થોડા દિવસો અગાઉ શહેરના તમામ 13 વોર્ડના કાર્યકરોને સાંભળ્યા હતા. જેમાં 13 વોર્ડમાંથી આગેવાનો અને કાર્યકરો મળી કુલ 347 લોકોએ ટિકીટ માટે દાવેદારી કરી હતી. જોકે ભાજપના 60 વર્ષથી ઉપરના કાર્યકરોને ટિકીટ નહીં આપવાના નિર્ણયથી ફરી ચુંટણી લડવાના સપના જોતા જૂના જોગીઓના સપના રોળાયા છે. જેથી અગાઉથી જ આ નેતાઓએ પોતાના ઘરના સભ્યોને ટિકીટ માટે દાવેદારી કરાવી રાખી હોવાની ચર્ચાઓ પણ ભાજપમાં જોરશોરથી ચર્ચાઈ હતી. જેને સોમવારે સમર્થન મળતું જોવા મળ્યું, કારણ શહેરના સૌથી મોટા અને પાવરફુલ ગણાતા વોર્ડ નં. 13 માં પૂર્વ નગર સેવકના પુત્ર તેમજ પૂર્વ નગરસેવિકા અને પૂર્વ ચીફ ઓફિસરના પુત્રવધૂની બે બેઠક ઉપર ટિકીટ ફાઈનલ કરવામાં આવી હોવાની વાત વહેતી થતાં જ વોર્ડના ભાજપી આગેવાનો અને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. નારાજ કાર્યકરો સાથે આગેવાનો નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈની ઓફિસે ભર બપોરે પહોંચ્યા હતા. જ્યાં ધારાસભ્ય રાકેશ દેસાઈની આગળ પૂર્વ નગર સેવકોના પરિવારના સભ્યોને ટિકીટ આપવામાં આવી હોવાની વાતે પોતાની નારાજગી વ્યક્ત કરી, રોષ વ્યક્ત કર્યો હતો. સાથે જ વર્ષોથી ચુંટણી લડવા સાથે જ સત્તા સુખ ભોગી, ખુરશી ભૂખ રાખતા નેતાઓને સ્થાને કર્મઠ અને સક્ષમ કાર્યકરોને ટિકીટ આપવાની માંગ કરી હતી. જ્યારે ધારાસભ્ય રાકેશ દેસાઈએ હજી કોઈ નામ ફાઈનલ થયા નથીનો રાગ આલાપી, કાર્યકરોને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાંથી અંતિમ ઉમેદવારની પસંદગી થવાનું આશ્વાસન આપી સમજાવી લીધા હતા.