પાલિકાના પૂર્વ પ્રમુખે જ ખાડાવાળા રસ્તાની યાદી બનાવી, કોન્ટ્રાકટર સામે કાર્યવાહીની કરી રજૂઆત
નવસારી : નવસારી વિજલપોર પાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં ખાડાનગરી બનેલી નવસારીના ખાડાવાળા રસ્તાઓ મુદ્દે પાલિકાના પૂર્વ પ્રમુખે જ કોન્ટ્રાકટરની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા. ખાડાવાળા રસ્તાઓની યાદી બનાવી, કોન્ટ્રાકટરની બેદરકારી સામે આવે, તો તેને બ્લેકલીસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવાની માંગ કરતા, શહેરમાં બનેલા રસ્તાઓની ગુણવત્તા ઉપર સવાલો ઉભા થયા છે. જયારે આજની સામાન્ય સભામાં 10 મિનીટમાં જ શાસકોએ એજન્ડાના 337 કામોને કોઇપણ પ્રકારની ચર્ચા વિના મંજૂરીની મહોર મારી દીધી હતી.
સામાન્ય સભામાં એજન્ડાના અને વધારાના મળી કુલ 337 કામોને બહાલી અપાઇ
નવસારી વિજલપોર પાલિકાના સભા ખંડમાં આજે સંભવત: મહાપાલિકા બનવા પૂર્વેની છેલ્લી સામાન્ય સભા મળી હતી. જેમાં એજન્ડાના 107 કામો ઉપર ચર્ચા થવાની સંભાવના હતી, પરંતુ સભા શરૂ થવા પૂર્વે જ બાંધકામ સમિતિના અંદાજે કરોડો રૂપિયાના 229 કામો વધારાના કામ તરીકે લાવવામાં આવ્યા હતા. સભા શરૂ થવા પૂર્વે રાજકોટ અગ્નિકાંડના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ શરૂ થયેલી સભામાં એક પછી એક સમિતિના ચેરમેનોએ તેમના વિભાગના કામોના આંકડા બોલતા જ તેને સૌએ ટેબલ થપથપાવી મજૂરીની મહોર મારી દીધી હતી. જેથી સભામાં શહેર વિકાસ માટે લાવવામાં આવેલા કરોડોના કામો ઉપર ન તો સમિતિ ચેરમેન કે ન તો પાલિકાના એકપણ નગરસેવકે ચર્ચા કરવાની તસ્દી લીધી હતી.
કર્મચારીઓનું EPF શરૂ કરાવવા ભાજપી નગરસેવકની રજૂઆત

પાલિકાની સામાન્ય સભામાં આંકડાઓ બોલી સભાના એજન્ડાના કામોને મંજૂરી મળ્યા બાદ વોર્ડ નં. 13 ના નગર સેવક અને મોટર ગરેજ સમિતિના ચેરમેન વિજય રાઠોડે પ્રથમ પુરમાં પાલિકાના પદાધિકારી કર્મચારીઓએ કરેલી સારી કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. ત્યારબાદ બે દિવસ અગાઉ તેમણે કરેલ ભલામણને જ સૌની સામે મુકી હતી. વિજય રાઠોડે પાલિકાના વિવિધ વિભાગના સ્કીલ અને અનસ્કીલ કર્મચારીઓનું એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ વહેલી તકે નિયમનોને ધ્યાને રાખી શરૂ કરાવવા રજૂઆત કરી હતી. સાથે જ રાઠોડે શહેરમાં રસ્તાઓ ઉપર પડેલા ખાડાનો મુદ્દો છેડ્યો હતો. ખાડાને કારણે લોકોને હાલાકી વેઠવી પડે છે, ત્યારે પાલિકા વહેલી તકે રસ્તાનું સમારકામ કરાવે એવી માંગ પણ કરી હતી.
ખાડાવાળા રસ્તાઓની યાદી બનાવો, બેદરકારી નીકળે તો કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરો – પૂર્વ પ્રમુખ

નવસારી શહેરમાં ચોમાસાની શરૂઆત થયા બાદ રસ્તાઓ ઉપર ખાડાઓ પડતા નવસારી ખાડાનગરી બની છે. લોકોને ખાડામાંથી પસાર થતા વાહનોમાં નુકશાન અથવા કમરનો દુઃખાવો થવા માંડ્યો છે. શહેરમાં દરવર્ષે કરોડો રૂપિયાના રસ્તા બને છે, પણ ચોમાસુ મધ્યમાં પહોંચે એટલે રસ્તાઓ ઉપર ખાડા પડતા, રસ્તાની ગુણવત્તા ઉપર સવાલો ઉઠે છે. ત્યારે પાલિકાની આજની સામાન્ય સભામાં પાલિકાના પૂર્વ પ્રમુખ અને વોર્ડ નં. 7 ના નગર સેવક જીગીશ શાહે રસ્તાઓ મુદ્દે પોતાની વેદના વ્યક્ત કરી હતી. જીગીશ શાહે શહેરમાં એવો વરસાદ નથી પડ્યો કે ખાડા પડી જાય, જેથી 1 વર્ષ અગાઉ બનેલા રસ્તાઓમાં પણ ખાડા પડ્યા હોય, એવા રસ્તાઓ તેમજ અન્ય ખાડાવાળા રસ્તાઓની યાદી બનાવી, ત્રણ વર્ષના ગેરેંટી પીરીયડમાં હોય તો કોન્ટ્રાકટર પાસે સમારકામ કરાવવા અને ગેરેંટી પીરીયડ પત્યો હોય તો એના માટે ગ્રાન્ટની ફાળવણી કરીને સમારકામ શરૂ કરાવવા માટેની રજૂઆત કરી હતી. પૂર્વ પ્રમુખ જીગીશ શાહની ખાડાવાળા રસ્તાઓ મુદ્દે કરેલી રજૂઆતે રસ્તાઓની ગુણવત્તા અને રસ્તામાં ભ્રષ્ટાચાર થયો હોવાની ચર્ચાઓ જન્માવી હતી. જોકે રસ્તાઓ મુદ્દે યોગ્ય તપાસ થયા બાદ શહેરીજનોને ભરેલા ટેક્સના બદલામાં સારા રસ્તા મળે એવી પાલિકા પરિસરમાં માંગ ઉઠવા પામી હતી.
બેદરકારી દેખાશે તો કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરીશુ – પાલિકા પ્રમુખ

નવસારી વિજલપોર પાલિકાની સામન્ય સભામાં ભાજપના જ બે નગર સેવકોએ શહેરમાં રસ્તાઓ ઉપર પડેલા ખાડાથી શહેરીજનો મુશ્કેલી વેઠી રહ્યા હોવાની ફરિયાદ સાથે રસ્તાના સમારકામ માટેને રજૂઆત કરી હતી. જેમાં પાલિકા પ્રમુખ સોનલ દેસાઇએ શહેરના રસ્તાઓ ઉપર ખાડાઓ પડ્યા હોવાનું સ્વીકાર્યુ હતુ. સાથે જ નગરસેવકોની ટકોર મુદ્દે કોન્ટ્રાકટરોને બોલાવીશું, સાથે જ રસ્તાઓની યાદી બનાવી એમની ચકાસણી કરીશું. જો કોઈ બેદરકારી દેખાશે તો કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરવા તૈયાર હોવાની ખાતરી આપી હતી. હાલ વરસાદ હોવાથી વરસાદ બંધ થતા જ રસ્તાની કામગીરી શરૂ કરવાની હૈયાધરપત પણ આપી છે.
નગરસેવકોએ એક બીજાને અભિનંદન આપતા સામાન્ય સભા અભિનંદન સભા બની

નવસારી વિજલપોર પાલિકાની આજે મળેલી સામાન્ય સભામાં એજન્ડાના કામોને થોડી મિનીટોમાં જ બહાલી આપી દેવામાં આવી હતી. ત્યારબાદ ગત દિવસોમાં પૂર્ણાના પુરની સ્થિતિમાં પાલિકા પ્રમુખ સાથે અન્ય નગરસેવકો પુર અસરગ્રસ્ત વિસ્તારમાં હાજર રહ્યા હવાની વાત કરી, એક એક નગરસેવક અધિકારીને યાદ કરીને નગરસેવકોએ અભિનંદનનો વરસાદ શરૂ કર્યો હતો. પુરની સ્થિતિમાં શહેરીજનો સાથે ઉભા રહેવાની નગરસેવકોની ફરજ હતી, પણ જાણે પોતાનો કિંમતી સમય કાઢીને બોવ મોટો ઉપકાર કર્યો હોય એ પ્રમાણે નગરસેવકોએ અભિનંદન આપીને સામાન્ય સભાને અભિનંદન સભા બનાવી દીધી હતી.