નવસારી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકો અને શાળાઓને એવોર્ડથી સન્માનિત કરાયા
નવસારી : 5 મી સપ્ટેમ્બર એટલે શિક્ષકોને સન્માનિત કરવાનો દિવસ. નવસારી જિલ્લામાં પણ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોને આજે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઇના હસ્તે પોંખવામાં આવ્યા હતા. સાથે જ બોર્ડ પરીક્ષામાં જિલ્લામાં 100 ટકા પરિણામ મેળવનારી શાળાઓને પણ સન્માનિત કરવામાં આવી હતી.
પ્રતિભાશાળી બાળકોનું પણ કરાયુ વિશેષ સન્માન

નવસારી જિલ્લા શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુકત ઉપક્રમે આજે નવસારી તાલુકાના ખડસુપા ખાતે આવેલ એમ. એન. વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માન સમારોહ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જ્યાં નવસારી જિલ્લાના પસંદગી પામેલ શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ, પ્રશસ્તિપત્ર તથા રોકડ પુરસ્કાર આપી, જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઇ તેમજ અન્ય મહાનુભાવોને હાથે સન્માન કરવામાં આવ્યુ હતુ. સાથે જ જિલ્લામાં બોર્ડ પરીક્ષામાં 100 ટકા પરિણામ મેળવનારી શાળાઓ અને પ્રતિભાશાળી બાળકોનું પણ વિશેષ સન્માન કરાયુ હતુ.
શિક્ષક સમુદાય રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર્ય નિર્માણ અને જ્ઞાન સમૃધ્ધ ભાવિ પેઢીના નિર્માતા બને તે આવશ્યક છે.
સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇએ જણાવ્યુ કે, શિક્ષકો પાસે સમાજને બહુ મોટી અપેક્ષાઓ રહેલી છે. માતા-પિતા તેમના સંતાનને વિદ્યા સંસ્કાર મળે તે માટે શિક્ષક પાસે શ્રધ્ધાથી મૂકે છે કે, જયાં તેનું ચારિત્ર્ય, ક્ષમતા, બુધ્ધિચાતુર્ય બધુ જ શિક્ષક એટલે ગુરૂજન ઘડશે. શિક્ષક લાગણીઓથી ભરપૂર એવા જીવંત વ્યકિતોઓને કંડારીને તેને સુંદર બનાવે છે. ભારતની સંસ્કૃતિ ગુરુ-શિષ્યની રહેલી છે. હવે શિક્ષકોએ આધુનિક ટેકનોલોજી પ્રમાણે વિદ્યાર્થીઓનું ઘડતર કરવું પડશે. શિક્ષક સમુદાય રાષ્ટ્ર ઘડતર, ચારિત્ર્ય નિર્માણ અને જ્ઞાન સમૃધ્ધ ભાવિ પેઢીના નિર્માતા બને તે આવશ્યક છે. આ સાથે જ તેમણે વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસની સાથે સ્વચ્છતા રાખવા અને પાણીનો બગાડ નહીં કરવાની અપીલ પણ કરી હતી.
શિક્ષણની સાથે સાથે જીવન ઘડતર અને વ્યક્તિત્વ વિકાસનું શિક્ષણ આપવું એ દરેક શિક્ષકની નૈતિક જવાબદારી છે.

જિલ્લા કલેકટર ક્ષિપ્રા અગ્રેએ પારિતોષિક મેળવનાર શ્રેષ્ઠ શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં. સાથે જ તેમણે પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના 5 સપ્ટેમ્બરને સમગ્ર દેશમાં શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. ડૉ. રાધાકૃષ્ણના નિબંધ-લેખનની શિખામણ આપણા જીવનમાં ઉતારવાની જરૂર છે. તેઓ દ્વારા શિક્ષણની સાથે સાથે વ્યક્તિત્વના વિકાસ માટે જે પ્રયાસો થયા તેનો આપણે અમલ કરી શિક્ષણ આપીશું તો જ શિક્ષક દિનની ઉજવણી સાર્થક ગણાશે. સમાજના નિર્માણમાં શિક્ષિત વ્યક્તિની ભૂમિકા મહત્વની છે. ભારતને વિકસીત દેશની હરોળમાં આવવા માટે માનવ સંશાધનના વિકાસની જરૂર છે. જે માટે શૈક્ષણિક સંસ્થાઓની મહત્વની ભૂમિકા છે. ત્યારે શિક્ષકોએ ખાસ ધ્યાન કેન્દ્રીત કરીને શિક્ષણની સાથે સાથે જીવન ઘડતર અને વ્યક્તિત્વ વિકાસનું શિક્ષણ આપવું એ દરેક શિક્ષકની નૈતિક જવાબદારી છે.
સમારોહમાં મહાનુભાવો સાથે શિક્ષકો પણ રહ્યા ઉપસ્થિત


કાર્યક્રમના પ્રારંભમાં જિલ્લા શિક્ષણ અને તાલીમના આચાર્ય ડો. યોગેશભાઇ પટેલે મહેમાનોને આવકારી પ્રાસંગિક પ્રવચન કર્યુ હતુ. સાથે જ નવસારીના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદા તાલુકાની રંગપુર પ્રાથમિક શાળાના શિક્ષક કેતન સોલંકીને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક પુરસ્કાર મેળવવા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. સમારોહમાં જિલ્લા શિક્ષણાધિકારી જયેશભાઇ ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો. અરૂણકુમાર અગ્રવાલ સહિત અધિકારીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.