મહામંત્રીઓને પણ તાલુકામાં થયેલી કામગીરીને પગલે રિપિટ કરાયા
નવસારી : દિવાળી બાદથી જિલ્લા ભાજપમાં મંડળોના નવા પદાધિકારીઓની વરણી શરૂ કરવામાં આવી છે. ગત દિવસોમાં જિલ્લાના આદિવાસી તાલુકાઓના ભાજપી પ્રમુખોની તાજપોશી કર્યા બાદ ગુરૂવારે ગણદેવી તાલુકા ભાજપના સુકાનીઓની વરણી પ્રદેશ અને જિલ્લાના ભાજપી આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. જેમાં ગણદેવી તાલુકા ભાજપના પ્રમુખ પદે શાંતિલાલ પટેલની ટીમને તેમની કામગીરીને ધ્યાને રાખીને રિપિટ કરવામાં આવી છે.
લોકસભાની ચુંટણી પૂર્ણ થયા બાદ ગુજરાત ભાજપમાં મોટા બદલાવની સ્થિતિ બની છે. જેમાં પણ ભાજપની કાર્ય પ્રણાલી પ્રમાણે ત્રણ વર્ષ પુરા થતા તાલુકાથી લઇને રાજ્ય સ્તરીય સંગઠનમાં ફેરફાર થવા જઇ રહ્યો છે. નવસારી જિલ્લામાં પણ દિવાળી પૂર્વે સંગઠન પર્વ યોજવામાં આવ્યા હતા. જેમાં મંડળોમાં પદની અપેક્ષા રાખનારા આગેવાનો અને કાર્યકર્તાઓએ પક્ષના સંરચના અધિકારીઓ સમક્ષ પોતાની ક્ષમતા મુકી હતી. જોકે સંગઠન પર્વ દરમિયાન મહારાષ્ટ્ર અને પંજાબમાં વિધાનસભા ચુંટણીઓને કારણે પદાધિકારીઓની નિયુક્તી ટળી હતી અને દિવાળી બાદ જિલ્લાના તમામ મંડળોના પદાધિકારીઓની નિયુક્તી થવાની વાતો વહેતી થતા લોબીંગ સાથે જ ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાટો જોવા મળ્યો હતો. જેમાં ગત દિવસોમાં વાંસદા, ચીખલી અને ખેરગામ તાલુકા ભાજપના પ્રમુખોની વરણી કરવામાં આવી છે. ત્યારબાદ ગુરૂવારે નવસારી જિલ્લા ભાજપના દિપાવલી સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેની સાથે સાથે જ ગણદેવી તાલુકા ભાજપ અને ગણદેવી શહેર ભાજપના પદાધિકારીઓને નિમણુંક આપવામાં આવી હતી. જેમાં ગત મહિનાઓમાં ગણદેવી ભાજપના પ્રમુખ અને તેમની ટીમ ધ્વારા તાલુકામાં 10,500 લોકોને 12 રૂપિયા અને 330 રૂપિયાના વીમા કઢાવવામાં મદદરૂપ થયા હતા. જ્યારે તાલુકાના 12 હજાર શ્રમિકોના શ્રમિક કાર્ડ કાઢ્યા હતા. સાથે જ 20.30 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ અપાવવામાં પણ સફળ રહ્યા હતા. સૌથી મહત્વનું પક્ષ અને સરકારના કામોને લોકો સુધી પહોંચાડવા સાથે જ પ્રમુખ શાંતિલાલની ટીમ ધ્વારા લોકસભાની ચુંટણી દરમિયાન 60,921 મતોની લીડ અપાવી હતી. જેને ધ્યાને લઇને જિલ્લા અને પ્રદેશ ભાજપના આગેવાનો ધ્વારા ગણદેવી તાલુકા ભાજપમાં વર્તમાન પ્રમુખ શાંતિલાલ પટેલ અને મહામંત્રીઓ ચેતન ઉર્ફે શંભુ નાયક અને શૈલેષ હળપતિને રિપિટ કરવામાં આવ્યા છે. પ્રમુખ શાંતિલાલને પ્રમુખનો તાજ પહેરાવતા જ તેમના સમર્થકો સાથે જ ભાજપી આગેવાનો અને કાર્યકર્તાઓ ધ્વારા ફુલોના હાર પહેરાવી તેમનું અભિવાદન કરી આગામી કાર્યકાળ માટે શુભેચ્છા પાઠવી હતી.
આ સાથે જ ગણદેવી શહેર ભાજપ પ્રમુખ પદે વકીલ રાજેશ પટેલને પણ રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે શહેર ભાજપ મહામંત્રી પદે શૈલેષ શાહ અને જયેશ પટેલને નિમણુંક આપવામાં આવી છે.