નવસારી : બીલીમોરા શહેરમાં ફરી ચેઈન સ્નેચરો સક્રિય થયા છે. શહેરના અનાવિલ વાડી વિસ્તારમાં ગત રોજ એક વૃદ્ધાના ગળામાંથી ચેઈન ખેંચી સ્નેચરોએ બાઇક સ્પીડમાં ભગાવી, પણ વૃદ્ધા જમીન પર પટકાતા સ્નેચરોએ ખાલી હાથ જવા પડ્યુ હતું. જોકે ઘટનામાં વૃદ્ધા ઘાયલ થયા હતા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઇ હતી, પણ હજી પોલીસ ફરિયાદ થઇ નથી.
બીલીમોરા શહેરમાં ફરી ચેઈન સ્નેચરો થયા સક્રિય
મળતી માહિતી અનુસાર, નવસારીના બીલીમોરા શહેરમાં ધોળે દહાડે ચેઈન સ્નેચીંગની ઘટના સામે આવી છે. ગત રોજ બપોરના સાડા ચાર વાગ્યાના સમયે શહેરના અનાવિલ વાડી વિસ્તારમાંથી મધુબેન નાયક પસાર થઇ રહ્યા હતા. દરમિયાન એક કાળા રંગની બાઇક ઉપર આવેલા બે બદમાશોએ તેમની પાસેથી પસાર થઇ યુ-ટર્ન લઇ પાછળ બેઠેલા સ્નેચરે મધુબેનના ગળામાં પહેરેલી સોનાની ચેઈન ઉપર તરાપ મારી હતી, પરંતુ ઝડપમાં પકડેલી ચેઈન અને બાઇકની સ્પીડ હોવાથી મધુબેન જમીન ઉપર પટકાયા હતા. જેમાં ચેઈન તૂટી નહીં અને બદમાશોએ ચેઈન છોડીને જ ભાગવા પડ્યુ હતુ. મધુબેનની ચીખો સાંભળી આસપાસના લોકો દોડી આવ્યા હતા, જોકે ઘટનામાં મધુબેનને થોડી ઇજા થઇ હતી. આ સમગ્ર ઘટના સામેના ઘરના CCTV કેમેરામાં કેદ થઇ હતી. પરંતુ આ ઘટના મુદ્દે બીલીમોરા પોલીસ મથકમાં હજી સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી.
બદમાશોમાં એકે હેલ્મેટ અને એકે ટોપી પહેરી હતી
બીલીમોરા શહેરના અનાવિલ વાડી વિસ્તારમાં ચેઈન સ્નેચીંગની ઘટનામાં કાળા રંગની બાઇક ઉપર આવેલા બે બદમાશોમાં બાઇક ચલાવતા બદમાશે લાલ રંગનો શર્ટ પહેર્યો હતો અને માથે હેલ્મેટ પહેરી હતી. જયારે પાછળ બેઠેલા બદમાશે સફેદ શર્ટ અને માથે ટોપી પહેરી હોવાનું જણાય છે.