ગુજરાત

અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન વિશાળ ક્રેન સરકી જતા પડી, 2 ઘાયલ

Published

on

ક્રેન અકસ્માતમાં રેલ વ્યવહાર થયો પ્રભાવિત, 25 ટ્રેનો રદ્દ કરાઈ

નવસારી : અમદાવાદના વટવા નજીક રોપડા બ્રિજ પાસે ચાલતી બુલેટ ટ્રેનના પીલરની કામગીરી દરમિયાન એક વિશાળકાય ક્રેન સરકવાને કારણે પડી હતી. ક્રેન અકસ્માતમાં બે લોકો ઘાયલ થયા હતા. જ્યારે પશ્ચિમ રેલ્વેનો ઓવરહેડ વાયર પણ તૂટી જવાને કારણે 25 ટ્રેનો રદ્દ કરવામાં આવી છે.

બુલેટ ટ્રેનના ગર્ડર મુકી, પરત લેતી વખતે વિશાળ ક્રેન સરકી નીચે પડતા સર્જાયો અકસ્માત

મળતી માહિતી અનુસાર, અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી ભારતની પહેલી બુલેટ ટ્રેનને લઈ, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી પણ બુલેટ ગતિએ આગળ વધી રહી છે. ત્યારે ગત રાતે અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ રોપડા રેલ્વે બ્રિજ નજીક બુલેટ ટ્રેનના પીલર ઉપર ગર્ડર મુકવાની કામગીરી ચાલી રહી હતી. ત્યારે મોડી રાતે 11 વાગ્યાના સુમારે સેગમેન્ટલ લોન્ચિંગ ગ્રેન્ટ્રી (વિશાળ ક્રેન) કોન્ક્રીન્ટનું ગર્ડર મુકીને પરત ફરી રહી હતી. દરમિયાન અકસ્માતે વિશાળ ક્રેન તેની જગ્યાએથી સરકી જતા નીચે જમીન ઉપર પડી અને તેનો ઉપરનો ભાગ બુલેટ ટ્રેનના પીલર ઉપર પડ્યો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે હાજર બે લોકો ઘાયલ થતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં પશ્ચિમ રેલ્વે લાઇનનો ઓવરહેડ વાયર પણ તૂટી જતા રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના સંબંધિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડના જવાનો પણ ઘટના સ્થળે પહોંચતા સ્થિતિ યથાયોગ્ય કરવાનો પ્રયાસ આરંભ્યો હતો. જેમાં વિશાળ કાય ક્રેનને ઉંચકવા માટે 3 રોડ ક્રેન્સ મોડી રાતે જ બોલાવી લેવામાં આવી હતી. પરંતુ સવાર સુધીમાં પણ ક્રેન સીધી થઈ શકી ન હતી.

વટવામાં ક્રેન અકસ્માતે તૂટી પડતા, 25 ટ્રેનો રદ્દ, 11 ટ્રેનોને ડાયવર્ટ અથવા રિશિડયુલ કરાઈ

વટવામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી દરમિયાન પડેલી વિશાળ ક્રેનને કારણે પશ્ચિમ રેલ્વેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો છે. પશ્ચિમ રેલ્વેનો ઓવર હેડ વાયર તૂટી જતા મોડી રાતથી અમદાવાદ, વડોદરા, વલસાડ સુધીની અનેક ટ્રેનો પ્રભાવિત થઈ છે. જેમાં 25 ટ્રેન આજે રદ્દ કરી દેવામાં આવી છે. જ્યારે 5 ટ્રેનના રૂટને બદલી નવા રૂટથી ચલાવવામાં આવી રહી છે તેમજ 6 ટ્રેનોના સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. અમદાવાદથી મુંબઈ વચ્ચેનો ટ્રેન વ્યવહાર અવરોધિત થતા આજે સવારથી અનેક મુસાફરો અટવાયા હતા. ખાસ કરીને રોજિંદા અપ ડાઉન કરતા નોકરિયાતોને ST બસ કે ખાનગી વાહનોનો સહારો લેવા પડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version