JEE, NEET ની પરીક્ષામાં સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓને પણ પોંખવામાં આવ્યા
નવસારી : શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ દ્વારા શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન ધોરણ 10, 12 તેમજ JEE, NEET ની પરીક્ષાઓમાં ઉચ્ચ ગુણ મેળવીને ધોડિયા સમાજનું નામ રોશન કરનારા તેજસ્વી તારલાઓ અને સારસ્વતોનો સન્માન સમારોહ શ્રીમતિ શાંતાબા નારણદાસ પટેલ સમાજભવન, સુરખાઈ ખાતે યોજવામાં આવ્યો હતો.
સમગ્ર રાજ્યમાંથી સમાજના ઉચ્ચ સિદ્ધિ મેળવનારા 100 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા
શ્રી જ્ઞાનકિરણ ધોડિયા જ્ઞાતિ મંડળ સમાજના ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને દર વર્ષે ઇનામ આપી સન્માનિત કરે છે, ત્યારે શૈક્ષણિક વર્ષ 2023-24 માટેનો સન્માન સમારોહ સંયુકત ખેતી નિયામક અને સમાજસેવામાં સદાય અગ્રેસર એવા ધનસુખભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો. ધોડિયા સમાજના ધોરણ 10, 12 તેમજ NEET અને JEE ની સ્પર્ધાત્મક પરીશામાં ઝળહળતી સિદ્ધિ મેળવનારા સમગ્ર ગુજરાત રાજયમાં રહેતા 100 વિદ્યાર્થીઓની એન્ટ્રીઓ મળી હતી. જેમનું ઈનામ, શિલ્ડ તથા પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને સમારોહમાં 100 એન્ટ્રીઓ પૈકી 90 વિદ્યાર્થીઓ તેમના માતા-પિતા અથવા વાલીઓ સાથે ઉપસ્થિત રહીને મંડળના આયોજનને સાર્થક બનાવ્યો હતો. આ ઉપરાંત ધોડિયા સમાજનો નિવૃત અને સેવામાં હોય તેવો શિક્ષક સમુદાય પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યો હતો.
સન્માન સમારોહમાં સમાજ અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત
ધોડિયા સમાજના સન્માન સમરોહમાં સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદીપ ગરાસિયા, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિક્ષક ઈજનેર ગિરીશ પટેલ, સમાજના અગ્રણી બીઝનેસમેન ગુણવંત પટેલ (નીરજ પેટ્રોલિયમ), સંસ્થાના ઉપપ્રમુખ મંગુ પટેલ, સંસ્થાના કારોબારી સભ્યો અને હોદ્દેદારો તથા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.