સેવા સેતુમાં ગ્રામજનોએ વિવિધ વ્યક્તિલક્ષી યોજનાઓનો ઘર આંગણે લાભ લીધો
સુરત : લોકોએ તેમની સમસ્યાઓને લઈને સરકાર પાસે આવવું ન પડે, પરંતુ સરકારે સ્વયં લોકોના ઘરઆંગણે જઈ પ્રશ્નો-સમસ્યાના નિરાકરણ માટે અમલમાં મૂકેલા સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વર પરમારના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના પલસાણા ખાતે સેવા સેતુ યોજાયો હતો.
પલસાણા પ્રાથમિક શાળામાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં પોતાની વ્યકિતલક્ષી યોજનાઓ-પ્રશ્નો-અરજીઓનું ઘરઆંગણે નિરાકરણ થતાં ગ્રામજનો ખુશખુશાલ બન્યા હતા. પલસાણાના સેવાસેતુમાં આવક, જાતિના દાખલાઓ, રાશન કાર્ડને લગતી અરજીઓ, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, આધારકાર્ડને લગતી અરજીઓ, સાત/બાર, આઠ-અના પ્રમાણપત્રો, લર્નિંગ લાયસન્સ, વિધવા સહાય અને નિરાધાર વૃધ્ધ સહાય યોજના, કૃષિ, પશુપાલન, મા અમૃતમ-વાત્સલ્ય કાર્ડ, પંચાયતની વિવિધ યોજનાઓના વ્યકિતલક્ષી લાભાર્થીઓની અરજીઓનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યા હતો.
આ પ્રસંગે મંત્રી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, સામાન્ય માનવીને પણ સરકાર તેમની સાથે છે એની સતત પ્રતીતિ કરાવતા સેવાયજ્ઞ સમાન સેવા સેતુમાં સરકારના ૧૪ જેટલા વિભાગોના ૫૭ પ્રકારના કામો કરાવી શકાય છે, અને વ્યક્તિગત યોજનાઓના લાભો મેળવવાની અરજીઓ આપી શકાય છે. સેવા સેતુનો લાભ રાજ્યના હજારો લોકો લઇ રહ્યા છે. રાજ્યમાં છેલ્લાં ચાર વર્ષમાં યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમ થકી કોઇપણ જાતના વચેટીયા/દલાલો વગર પારદર્શી રીતે એક કરોડથી વધુ નાગરિકોને એક સ્થળેથી વ્યકિતલક્ષી લાભો આપવામાં આવ્યા હોવાનું મંત્રી પરમારે ઉમેર્યું હતું.
કાર્યક્રમમાં મામલતદાર એન. સી. ભાવસાર, તાલુકા પંચાયતના પ્રમુખ, સભ્યો, સરપંચ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.