વલસાડ જિલ્લાના પારડી ખાતે ૭૧ માં પ્રજાસત્તાક પર્વની દબદબાભેર ઉજવણી
વલસાડ : વલસાડ જિલ્લાનાં પારડી ખાતે પ્રજાસત્તાક પર્વની દેશભક્તિથી તરબોળ વાતાવરણમાં ઉમંગભેર ઉજવણી થઇ હતી. રાજ્યના વન અને આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે રાષ્ટ્રધ્વજની વંદના કરીને પ્રજાજનોને ૭૧માં પ્રજાસત્તાક પર્વની શુભકામના પાઠવી હતી. સાથે જ રાષ્ટ્રની આઝાદીમાં શહાદત વહોરનાર તથા ત્યાગ અને બલિદાન આપનાર વીરલાઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
વલસાડ જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની પારડી ખાતે થયેલી ઉજવણી દરમિયાન રાષ્ટ્રની આન, બાન અને શાન સમા ત્રિરંગાને બા-અદબ સલામી આપ્યા બાદ મંત્રી પાટકરે જણાવ્યું હતું કે, પૂ. મહાત્મા ગાંધીજીએ ૧૯૪૭ માં પાકિસ્તાનની રચના થયા પછી ત્યાંથી નિરાશ્રિત બનેલા હિન્દુ, શીખ, જૈન, બૌધ્ધ, પારસી જેવા તમામ ધર્મના લોકોને આશ્રય આપવા, રોજગારી તથા સન્માન આપવાની લાગણી વ્યકત કરી હતી. આઝાદીના આટલા વર્ષો પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકશાહી પ્રણાલીને અનુસરીને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ભાવનાને પૂર્ણ કરતા ભારતમાં આવીને વસેલા એવા નિરાશ્રિતોને નાગરિકતા મળે તેવો કાયદો પસાર કર્યો છે. ત્યારે તે કાયદાના સન્માન અને રક્ષણની આપણા સૌની જવાબદારી છે. આ કાયદાનો વિરોધ કરી રહેલા તત્ત્વોને સખત શબ્દોમાં વખોડી કાઢતા જણાવ્યુ હતું કે, સંવેદના અને બંધુતાના ભાવ સાથે લોકશાહી પ્રથા અનુસાર પાસ થયેલા આ કાયદાનો વિરોધ એ લોકશાહીને છાજે નહીં તેવું કૃત્ય છે. કાયદો ભારતના કોઇ જ નાગરિકની નાગરિકતા છીનવતો નથી, પરંતુ પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનના કટ્ટતરવાદી વલણના કારણે ભારતમાં આવીને વસેલાને આશરો આપવો એ આપણો ધર્મ અને સાંસ્કૃતિક પરંપરા છે તેવું તેમણે ઉમેર્યુ હતું. આ સાથે જ તેમણે સરકારની ઉપલબ્ધિઓ તેમજ વિભિન્ન યોજનાઓની ઝાંખી આપી હતી.
પ્રજાસત્તાક પર્વ ઉજવણી દરમિયાન મંત્રી રમણલાલ પાટકર સહિત કલેક્ટર સી. આર. ખરસાણ અને જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોશીએ પોલીસ પરેડનું નિરીક્ષણ કર્યું હતું. આ વેળા રેલવે પોલીસ ફૉર્સ, જિલ્લા પોલીસના મહિલા તથા પુરુષ જવાનો, હોમગાર્ડ્ઝના મહિલા અને પુરૂષ ગાર્ડ્સ, સહિત પોલીસની પરેડ પોલીસ બૅન્ડના સથવારે યોજવામાં આવી હતી જયારે જિલ્લાના જુદા જુદા વિભાગો બાગાયત, ખેતીવાડી, ૧૦૮, આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ, શિક્ષણ વિભાગ, આરોગ્ય, પશુપાલન, વન, અને પોલીસ દ્વારા આકર્ષક અને માહિતીપ્રદ ટેબ્લોઝ પણ રજુ કરાયા હતા. શાળાના બાળકો દ્વારા ગણતંત્ર પર્વ ઉજવણી નિમિત્તે દેશભક્તિ ગીત, આદિવાસી નૃત્ય, બેટી બચાવો અને બેટી પઢાઓ જેવા પ્રેરણાત્મક કાર્યક્રમો રજુ કરાયા હતા.
ગણતંત્ર દિવસે મહાનુભાવોના હસ્તે રમતગમત ક્ષેત્રના શ્રેષ્ઠ ખેલાડીઓ, પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ જવાનો, આરોગ્ય તથા શિક્ષણ, વન અને પર્યાવરણ વગેરે ક્ષેત્રે કામગીરી, ઇમરજન્સી સેવાની વિશિષ્ટ કામગીરી કરવા બદલ મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા. સાથે જ વલસાડ કલેક્ટર સી. આર. ખરસાણને ચૂંટણીઓના સર્વગ્રાહી શ્રેષ્ઠ વ્યવસ્થાપન તેમજ ચુંટણીપંચની અપેક્ષા પ્રમાણે મુકત ન્યાયી તટસ્થ પારદર્શક ચૂંટણી વ્યવસ્થાઓના માપદંડો અનુસાર ઉત્તમ કામગીરી માટે રાજ્યના શ્રેષ્ઠ જિલ્લા ચૂંટણી અધિકારીના એવોર્ડથી સન્માનિત કરવા બદલ, જ્યારે વાપીના અગ્રણી ઉદ્યોગપતિ અને સમાજસેવી ગફુરભાઇ બિલખીયાને પદ્મશ્રી એવોર્ડ મળવા બદલ મંત્રી પાટકરે તેમને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રજુ થયેલા ટેબ્લોઝ, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની વિજેતા કૃતિઓને પણ મહાનુભાવોના હસ્તે પારિતોષિકો એનાયત કરવામાં આવ્યા હતા. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન નગરજનો સહિત તાલુકાના પ્રજાજનો, પદાધિકારીઓ, અધિકારીઓ, શાળા/કૉલેજના વિદ્યાર્થીઓ, મીડિયાકર્મીઓ વગેરેએ ઉપસ્થિત રહી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. કાર્યક્રમના અંતે પોલીસ બૅન્ડની સૂરાવલીઓ સાથે રાષ્ટ્રગીતનું ગાન કરાયું હતું. ત્યાર બાદ મંત્રી રમણલાલ પાટકર અને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતુ.
આ અવસરે જિલ્લા પંચાયતના પ્રમુખ મણિલાલ પટેલ, સાંસદ ડૉ. કે. સી. પટેલ, ધારાસભ્યો કનુ દેસાઇ, અરવિંદ પટેલ, ભરત પટેલ, વલસાડ કલેક્ટર સી.આર.ખરસાણ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, જિલ્લા પોલીસ અધિક્ષક સુનિલ જોષી સહિત જિલ્લાના અધિકારી/કર્મચારી સહિત શહેરી જનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.