બીલીમોરા પાલિકાએ ૬ વર્ષોમાં ૨૯.૧૫ લાખ ખર્ચ્યા, આ વર્ષે ખર્ચેલા ૪.૩૧ લાખ રૂપિયા પણ પાણીમાં વહ્યા
નવસારી : નવસારીના બીલીમોરા શહેરને વર્ષ દરમિયાન મીઠું પાણી મળી રહે એ હેતૂથી બીલીમોરા પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે કાવેરી નદી પર માટી પુરાણ કરી કાચો આડબંધ બનાવવામાં આવે છે. પરંતુ દર વર્ષે નદીમાં પાણીનો ફોર્સ વધતા અથવા મોટી ભરતીમાં આડબંધમાં ભંગાણ પડતા લાખો લીટર પાણી સાથે પાલિકાના લાખો રૂપિયા પણ વહી જાય છે. સોમવારે પણ કાવેરી નદી પર બનાવવામાં આવેલા આડબંધમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી દરિયામાં વહી ગયું હતુ. ઉલ્લેખનિય છે કે, પાલિકા દ્વારા છેલ્લા ૬ વર્ષોમાં આડબંધ પાછળ કુલ ૨૯.૧૫ લાખ રૂપિયા ખર્ચ્યા છે, પણ કોઈ નક્કર આયોજન ન થવાથી દર વર્ષે લાખો રૂપિયા પાણીમાં જ વહી જાય છે.
ઉનાળો શરૂ થતા જ નવસારી સહીત સમગ્ર ગુજરાતમાં પાણીની સમસ્યા સામે આવતી હોય છે. જેમાં પણ નવસારી જિલ્લાના આદિવાસી તેમજ કાંઠાનાં વિસ્તારોની સ્થિતિ ઉનાળામાં કફોડી બને છે. જિલ્લાનું બીલીમોરા શહેર અંબિકા અને કાવેરી બે નદીઓમાંથી પાણી ફિલ્ટર કરી પીવાના ઉપયોગ માટે મેળવે છે. પણ ઉનાળામાં બીલીમોરાના શહેરીજનોને પણ પાણી માટે વલખા મારવા પડે છે, ત્યારે ગત ૭ વર્ષોથી બીલીમોરા પાલિકાના ભાજપી શાસકો દ્વારા દરિયામાં વહી જતા કાવેરી નદીના પાણીને રોકવા બીલીમોરાના દેસરા નજીકથી વહેતી કાવેરી પર લાખો રૂપિયાનાં ખર્ચે માટીનો કાચો આડબંધ બાનાવવામાં આવે છે. પરંતુ પાલિકાના શાસકો અને એન્જીનીયરની અણઆવડતને કારણે કાચો આડબંધ દરવર્ષે તૂટી જાય છે અને લાખો લીટર પાણી સાથે લાખો રૂપિયા પણ પાણીમાં વહી જાય છે. દેસરા ખાતે બનાવવામાં આવતો આડબંધ તૂટતા આસપાસના ૫ ગામોને પણ પાણી મુદ્દે તકલીફ વેઠવાનો વારો આવે છે. આ વર્ષે પાલિકા દ્વારા ૪.૩૧ લાખ રૂપિયાનો ખર્ચ કરીને આડબંધ બનાવ્યો હતો, પણ ગત રોજ કાવેરી નદી પરનો આડબંધ તૂટી જતા લાખો લીટર મીઠું પાણી વહી ગયું હતું. જેને લઈને વિપક્ષે પાલિકાનાં ભાજપી સાશકોની લાલીયાવાડીને કારણે પાલિકાના લાખો રૂપિયા વેડફાતા હોવા સાથે જ વારંવાર બનતા આવા બનાવો બીલીમોરા શહેર માટે દુ:ખની વાત ગણાવી હતી.
ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પાણી બચાવવા માટે સુજલામ સુફલામ યોજના કાર્યરત કરી છે, પરંતુ ભાજપ સાશિત બીલીમોરા નગર પાલિકાના સાશકો સાત સાત વર્ષથી કાવેરી નદીનું પાણી લાખો રૂપિયાનું પાણી કરીને પણ સંગ્રહિત કરવામાં નિષ્ફળ રહ્યા છે. પાલિકાના સાશકોની અણઆવડતને પગલે દર વર્ષે કાચો આડબંધ તૂટી જાય છે અને પાલિકાને લાખોનું નુકશાન વેઠવા સાથે જ મહામુલુ પાણી પણ દરિયામાં વહી જાય છે.