નવસારી : દુનિયા ડીજીટલ થતી જાય છે, જેના સારા પરિણામોની સામે નરસા પરિણામો પણ સામે આવી રહ્યા છે. જેમાં હેકિંગ સહીત વિભિન્ન રીતે સાયબર ક્રાઈમની ઘટનાઓ વધી રહી છે, ખાસ કરીને વૃદ્ધો અને મહિલાઓ સાયબર ક્રાઈમનાં સહેલાઈથી શિકાર બને છે અને લાખો રૂપિયા ગુમાવી દેતા હોય છે. ત્યારે નવસારી જિલ્લાના સીનીયર સીટીઝન ટ્રસ્ટ દ્વારા રવિવારે સાંજે સાયબર ક્રાઈમથી કેવી રીતે બચવું તેના માટે સાયબર ક્રાઈમ વિષયના નિષ્ણાત અને વકીલ ચિરાગ લાડનો સેમીનાર આયોજિત કર્યો છે.
નવસારીના પટેલ નગર સોસાયટી ખાતે આવેલા સીનીયર સીટીઝન હોલમાં નવસારી પોલીસના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર કમલેશ લીંબાચીયાની અધ્યક્ષતામાં સાયબર ક્રાઈમ સેમીનાર આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં સાયબર ક્રાઈમનાં ખોજી અને સાયબર વકીલ ચિરાગ લાડનાં સેમીનારમાં બેંક સંબંધી ઠગાઈ, સોશ્યલ મીડિયા સંબંધી ઠગાઈ, ઇન્શ્યોરંશ, ઓનલાઈન શોપિંગ, લોટરી લાગવી અને પ્રાઈઝનાં મેસેજોથી થતી ઠગાઈ, સ્વીમ સ્વેપિંગ, કસ્ટમર કેર, ડેટા ચોરી, ઓળખની ચોરી, નોકરી સંબંધી ઠગાઈ, ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ સાયબર ક્રાઈમ ઉપરના આશ્વસ્ત પોર્ટલ તેમજ સાયબરના કાયદા ઉપર વિસ્તૃત માહિતી ઉદાહરણો સાથે ઉપસ્થિત વૃદ્ધોને માહિતગાર કરવાનો પ્રયાસ કરશે. સાથે જ વકીલ અનિલકુમાર રાઠોડ દ્વારા પણ સાયબર ક્રાઈમ ઉપર માહિતી આપવામાં આવશે. સાથે જ ઉપસ્થિતોના પ્રશ્નોના જવાબો આપવાનો બંને વક્તાઓ દ્વારા પ્રયાસ કરવામાં આવશે.