સુરતમાં હીરા ઉદ્યોગમાં કોરોનાનો કહેર, ૫૦ ટકા કેસો હીરા ઉદ્યોગમાંથી હોવાનું તારણ
સુરત : ગુજરાતમાં અમદાવાદ બાદ સુરત કોરોના હોટ સ્પોટ બન્યું છે અને દિવસે દિવસે કોરોનાના કેસોમાં વધારો જ જોવા મળી રહ્યો છે. અનલોક થયા બાદ સુરતનાં હાર્દ સમાન હીરા ઉદ્યોગ શરૂ થયો, પણ કોરોનાના સંક્રમણના વધુ કેસો હીરા ઉદ્યોગોમાંથી મળી રહ્યા છે. સુરતમાં આજે વધુ ૬૮ લોકો કોરોના પોઝિટીવ આવ્યા છે. જયારે એની સામે રવિવારે વધુ ૫૯ દર્દીઓ સ્વસ્થ થતા એમને રજા અપાઈ છે. સુરતમાં ૨૬૦૦ કોરોના પોઝિટીવ કેસો સામે, કુલ ૧૭૭૫ દર્દીઓએ કોરોનાને હરાવતા ભારતમાં સુરત શહેરનો રીકવરી રેટ ૬૮.૫ ટકાએ પહોંચ્યો છે, જે સૌથી વધુ છે. જોકે શહેરમાં કુલ ૧૦૪ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે, જેથી મૃત્યુ ડર 4 ટકા રહ્યો છે.
ગુજરાતમાં કોરોના ધીરે ધીરે વધુ સક્રિય થઇ રહ્યો હોય એવી સ્થિતિ બની રહી છે. ખાસ કરીને સરકારે આપેલી છૂટછાટનો લોકો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં સોશ્યલ ડીસ્ટનસિંગનો અભાવ, મોઢે માસ્ક પહેરાવાથી દુર રહેવું અને હેન્ડ સેનેટાઇઝ પણ લોકો કરતા નથી. જેને કારણે કોરોના પોતાની જાળ ફેલાવવામાં સફળ રહ્યો છે. સુરતમાં 4 લોક ડાઉન સુધી બંધ રહેલા હીરા ઉદ્યોગો અન લોક ૧ માં નિયમોના પાલન સાથે શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ નિયમોના પાલન બાદ પણ કોરોના હીરા ઉદ્યોગને પોતાનું એપી સેન્ટર બનાવી રહ્યો છે. સુરત મહાનગર પાલિકાના કમિશ્નર બચ્છાનીધી પાનીના જણાવ્યાનુસાર સુરતમાં હાલમાં મળી રહેલા કોરોના પોઝિટીવ કેસોમાં ૫૦ ટકા કેસો હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોના આવી રહ્યા છે. જેથી હીરા ઉદ્યોગના યુનિટોમાં લોકો સોશ્યલ ડીસ્ટનસિંગ, મોઢે માસ્કનું ગંભીરતાથી પાલના કરે એવો અનુરોધ તેમણે કર્યો છે.
ભારતમાં સૌથી વધુ ૬૮.૫ ટકા રિકવરી રેટ સુરતનો
સુરત માટે બે મહિના ગંભીર
કોરોના સાથે જીવવાની વાતો વચ્ચે મ્યુ. કમિશનર પાનીએ આગામી બે મહિના સુરત માટે ક્રીટીકલ હોવાની ચિંતા વ્યક્ત કરી છે. જેથી લોકોએ ઉદ્યોગ, ધંધા અને રોજગારની સાથે સાથે તેમના આરોગ્યની કાળજી લેવી પડશે અને કોરોનાને ફેલાતો અટકાવવા બનતા બધા પ્રયાસોમાં તંત્રને સહકાર આપવાની અપીલ કરી છે.
નિયમ બંગ બદલ ૭૦.૫૦ લાખનો દંડ વસુલાયો
સુરતમાં કુલ ૯,૦૬૫ લોકો હોમ ક્વોરેન્ટાઇન અને વિકેન્દ્રિત ક્વોરેન્ટાઇન સેન્ટરમાં ૨૭૭ લોકો છે. સમરસ ખાતે કોવિડ કેર સેન્ટરમાં ૧૬૧ લોકો છે. મહાપાલિકાની ૧૫૮૧ ટીમો ડોર ટુ ડોર સર્વેલન્સ માટે કાર્યરત છે. સ્લમ વિસ્તારોમાં કુલ ૬૭ ફિવર ક્લિનીક ચાલુ કરવામાં આવ્યા છે. જયારે મોબાઈલ ફિવર ક્લિનીકમાં સૌથી વધુ લોકો નિદાન તપાસ માટે જતાં હોવાથી તેની સંખ્યા વધારવામાં આવી છે. શહેરમાં ૬૦ રિક્ષાઓ દ્વારા કોવિડ અંગે જાગૃત્તિ લાવવામાં આવી રહી છે. આ સાથે જ લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય એ હેતુથી રવિવારે ૯૪ હજારથી વધુ લોકોને હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. જયારે નિયમ ભંગ કરનારા લોકોને ૭૦ લાખ ૫૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.