જૈનોએ મોલમાં ઇંડાના વેચાણ વિરૂદ્ધ આંદોલનની આપી ચીમકી
નવસારી : નવસારીના સાંઢકુવા વિસ્તારમાં આવેલા રિલાયંસ મોલમાં ઇંડાનું વેચાણ શરૂ થતા જ, આસપાસમાં રહેતા જૈનોએ વિરોધ નોંધાવ્યો હતો. જૈન આગેવાનોએ ઇંડાનું વેચાણ બંધ નહી થાય, તો આંદોલનની ચીમકી આપતા શુક્રવારે મોલ મેનેજરે જૈનો સાથે બેઠક કર્યા બાદ મોલમાં ઇંડાનું વેચાણ બંધ કરવાની ખાત્રી આપી હતી.
જૈન બાહુલ વિસ્તારમાં ઇંડાનું વેચાણ શરૂ થતા જ જૈનોએ વિરોધ નોંધાવ્યો
નવસારીના સાંઢકુવા વિસ્તારમાં મુખ્ય પોસ્ટ ઓફીસની સામે રિલાયંસ સ્માર્ટ મોલ વર્ષોથી કાર્યરત છે. જેમાં થોડા દિવસોથી ઇંડાનું વેચાણ શરૂ કરવામાં આવ્યુ હતુ. સાંઢકુવામાં મહત્તમ જૈનો તેમજ શાકાહારી વસ્તી વધુ છે, જેથી ગુરૂવારે જૈન મહિલાઓ જયારે રિલાયંસ મોલમાં ખરીદી કરવા ગઇ, તો ત્યાં ઇંડા જોતા રોષે ભરાઇ હતી. મહિલાઓએ મોલમાં ઇંડાના વેચાણ મુદ્દે જૈન આગેવાનોને રજૂઆત કરતા આજે બપોરે જૈન આગેવાનોએ પૂર્વ કોર્પોરેટર જીગીશ શાહની આગેવાનીમાં રિલાયંસ મોલના મેનેજર સાથે બેઠક કરી હતી. જેમાં તેમણે મેનેજરને વિસ્તારમાં માંસાહારની કોઇ પ્રવૃત્તિ કે દુકાન પણ ચાલતી ન હોવાની વાત કરી હતી, સાથે જ મોટેભાગે જૈનો રહેતા હોવાથી મોલમાં ઇંડાનું વેચાણ ન કરવા રજૂઆત કરી હતી. તેમજ વેચાણ ચાલુ રાખે, તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી. જેથી રિલાયંસ મોલના મેનેજરે તેમને તાત્કાલિક જ મોલમાં ઇંડાના વેચાણને બંધ કરવા સાથે જ ભવિષ્યમાં પણ માંસાહારની કોઇપણ વસ્તુ ન વેચવાની બાહેંધરી આપતા જૈન આગેવાનોએ મોલ મેનેજરનો આભાર વ્યક્ત કર્યો હતો.