ઘરમાં રસોઈ બનાવતી મહિલા 20 ટકા દાઝી જતા સારવાર હેઠળ
નવસારી : ચીખલીના રાનવેરીખુર્દ ગામે આવેલ ભાડેના મકાનમાં રસોઈ બનાવતી વેળાએ ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી, જેણે વિકરાળ રૂપ ધારણ કરતા ઘર સાથે જ ઘરમાં ચાલતી કરિયાણાની દુકાન પણ આગની લપેટમાં આવી ગઈ હતી. આગમાં રસોઈ બનાવી રહેલી મહિલા 20 ટકા દાઝી જતા તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર, રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ઝાલારા ગામનો ભેરૂલાલ ધીશારામ ગુર્જર છેલ્લા 1 વર્ષથી નવસારીના ચીખલી તાલુકાના રાનવેરીખુર્દ ગામે પટેલ ફળિયામાં ગમન પટેલના મકાનમાં ભાડેથી રહે છે. ભેરૂલાલ ઘરમાં જ કારિયાણાની દુકાન ચલાવે છે. ગત સાંજે ભેરૂલાલની પત્ની ઉદીદેવી રસોઈ બનાવી રહી હતી. ત્યારે અચાનક ગેસના બાટલામાંથી ગેસ લીકેજ થતા આગ ભભૂકી ઉઠી હતી. ઘરમાં ભેરૂલાલ અને તેનો 15 વર્ષીય દીકરો દેવરાજ પણ હતા. આગ લાગતા જ ભેરૂલાલ અને દેવરાજ ઘરની બહાર નીકળી ગયા હતા, પરંતુ ઉદીદેવી આગમાં ફસાઈ જતા 20 ટકા જેટલી દાઝી ગઈ હતી, પણ આગમાંથી બહાર નીકળી આવી હતી. આગ ઝડપથી વધતા ગેસનો બાટલો પણ ફાટતાં સમગ્ર ઘર અને દુકાન આગની લપેટમાં આવી ગયુ હતુ. આગ લાગતાં જ આસપાસના લોકોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. એકથી દોઢ કલાકની જહેમત બાદ આગ કાબુમાં આવી હતી. જોકે ત્યાં સુધીમાં ભેરૂલાલના ઘરની તમામ ઘરવખરી અને દુકાનનો સામાન બળીને ખાક થયો હતો. સમગ્ર મુદ્દે ભેરૂલાલ ગુર્જરે ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ આરંભી છે.