વિદેશી દારૂ ભરેલી ટેમ્પો આપનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો
નવસારી : નેશનલ હાઇવે નં. 48 પર બોરિયાચ ટોલનાકા પાસેથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે વેસ્ટેજ પેપર રોલની આડમાં 15.72 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ભરેલા ટેમ્પો સાથે ચાલકની ધરપકડ કરી નવસારી ગ્રામ્ય પોલીસને સોંપ્યો હતો. જ્યારે વિદેશી દારૂ ભરેલો ટેમ્પો આપી જનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
વિદેશી દારૂના બોક્ષ ઉપર વેસ્ટેજ પેપર રોલ મુક્યા હતા
મળતી માહિતી અનુસાર, નવસારી LCB પોલીસની ટીમ ગત રોજ પેટ્રોલીંગમાં હતી. ત્યારે PC તાહિરઅલી સહાબુદ્દીન અને PC અનિલ રમેશને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે, વલસાડ તરફથી વિદેશી દારૂ ભરેલ એક ટેમ્પો નેશનલ હાઇવે નં. 48 પરથી સુરત તરફ જનાર છે. જેને આધારે પોલીસે નવસારીના બોરિયાચ ટોલનાકા નજીક ફિલ્ડિંગ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા વેસ્ટેજ પેપર રોલ ભરેલ પ્લાસ્ટિકની કોથળીઓ જણાઈ હતી. જોકે પોલીસે વ્યવસ્થિત તપાસ કરી, તો પેપર રોલ નીચે 360 પુઠાના બોક્ષ મળ્યા હતા, જેમાંથી 15.72 લાખ રૂપિયાની વ્હિસ્કી અને બિયરની 7080 બોટલો મળી આવી હતી. જેથી પોલીસે ટેમ્પો ચાલાક અને મહારાષ્ટ્રના કલ્યાણ ઇસ્ટમાં વિદ્યવાહિની ચાલમાં રહેતા 41 વર્ષીય રામકિસન પ્યારેલાલ ચૌહાણની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી રામકિસનની કડકાઇથી પૂછપરછ કરતા વિદેશી દારૂ ભરેલો ટેમ્પો શૈલેષ ઉર્ફે શૈયલો આપી ગયો હતો. જેથી પોલીસે શૈલેષને વોન્ટેડ જાહેર કર્યો હતો. જ્યારે ઘટના સ્થળેથી વિદેશી દારૂનો જથ્થો, 7 લાખ રૂપિયાનો ટેમ્પો, 40 નંગ વેસ્ટેજ પેપર રોલ, 4 હજાર રૂપિયા રોકડા અને એક મોબાઈલ તેમજ દસ્તાવેજો મળી કુલ 22.76 લાખનો મુદ્દામાલ કબજે કરી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.