ગુજરાત

ચુંટણી પૂર્વે કરેલા વાયદા પુરા કરવા શિક્ષકોની સરકારને ટકોર..!!

Published

on

માધ્યમિક અને ઉ. માધ્યમિક શિક્ષકોના નિકાલ થયેલ પડતર પ્રશ્નોના ઠરાવ, પરિપત્ર કરવાની માંગ

નવસારી : ગુજરાત સરકારે વિધાનસભા ચુંટણી પૂર્વે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાના સંચાલકો અને શિક્ષકો સાથે તેમના પડતર પ્રશ્નોના હકારાત્મક નિરાકરણના ઠરાવ અને પરિપત્ર કરવાની ત્રણ ત્રણ વાર જાહેરાતો કરી હતી. ત્યારબાદ ચુંટણી પૂર્ણ થઈ અને નવી સરકાર બની, સાથે જ શૈક્ષણિક સત્ર શરૂ થયાને બે મહિના પુરા થવા જઈ રહ્યા છે, તેમ છતાં ચુંટણી પૂર્વેના વાયદાઓ પુરા ન થતાં શિક્ષકો આંદોલનના મૂડમાં આવ્યા છે. જેમાં આજે નવસારી જિલ્લા શૈક્ષણિક સંઘ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી સરકારને ચુંટણી પહેલા આવેલ સુખદ નિરાકરણના ઠરાવ અને પરિપત્ર કરવાની ટકોર કરી છે. સાથે જ આગામી દિવસોમાં અન્ય કાર્યક્રમો સાથે પણ સરકારને વાયદાઓ યાદ કરાવવાનો પ્રયાસ કરશે.

શિક્ષકોના અનેક પ્રશ્નો, સરકારે કર્યા વાયદા પણ, અમલવારી ન કરાતા રોષ

ગુજરાત રાજ્યમાં શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓની હજારો સંખ્યા ખાલી પડી છે. જેને કારણે શૈક્ષણિક જગતમાં કામનું ભારણ વધતાં રાજ્યના આવનારા ભવિષ્યના નાગરિકોના ભણતર પર અસર પડી રહી છે. ખાસ કરીને રાજ્યમાં ચાલતી ગ્રાન્ટેડ શાળાઓના સંચાલકો અને શિક્ષકોના લાંબા સમયથી પડતર પ્રશ્નો ઉપર રાજ્ય સ્તરીય સંગઠન દ્વારા ગત વિધાન સભા ચુંટણી પૂર્વે સરકારના શિક્ષણ વિભાગના સચિવ સહિત શિક્ષણ મંત્રી સાથે બેઠક કરી, તમામ ઘણા પ્રશ્નોનું સુખદ નિરાકરણ લાવ્યા હતા. જેની સરકારના સંબંધિત મંત્રીઓ અને અધિકારીઓ દ્વારા ચુંટણી પૂર્વે અને ચુંટણી બાદ જાહેરાત પણ કરવામાં આવી હતી. તેમ છતાં આજ દિન સુધી નિરાકરણ આવેલ પ્રશ્નો મુદ્દ ઠરાવ કે પરિપત્ર કરવામાં આવ્યા નથી. શૈક્ષણિક સત્ર શરૂ થયાને બે મહિના વીતવા જઈ રહ્યા છે, ત્યારે રાજ્યના ગ્રાન્ટેડ શાળાના સંચાલકો અને શિક્ષકો દ્વારા ફરી એક્વાર સરકારને ચુંટણી સમયના વાયદાઓ યાદ અપાવી, તેને પુરા કરવાનો પ્રયાસ થયો છે. આંદોલનના મૂડમાં આવેલા નવસારી જિલ્લા શૈક્ષણિક સંઘના સંચાલકો અને શિક્ષકોએ જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવને મળીને આવેદનપત્ર આપી તેમના નિરાકરણ આવેલા પડતર પ્રશ્નોના ઠરાવ અને પરિપત્ર કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

શિક્ષકોએ મુખ્ય આ મુદ્દાઓનું વહેલી તકે નિરાકરણ લાવવા કરી માંગ

નવસારી જિલ્લામાં શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થીઓની ઘટતી સંખ્યા ચિંતાનો વિષય છે, જેથી કોરોના કાળમાં એક વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા 18 રાખવાની છૂટ હતી, એને જ હાલમાં પણ મંજૂરી આપવામાં આવે. વર્ષ 2005 સુધી જોડાયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે, ગ્રાન્ટેડ શાળામાં શિક્ષક, કારકૂન, પટાવાળા, ગ્રંથપાલની ખાલી જગ્યાઓ ભરવામાં આવે, કાયમી શિક્ષકોની ભરતી ન થાય, ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની ભરતી કરવાની સંચાલક મંડળને મંજૂરી આપવામાં આવે, ગ્રાન્ટેડ શાળાઓને પરિણામ આધારિત ગ્રાન્ટની નીતિ રદ્દ કરી, વર્ગ આધારિત ગ્રાન્ટનો સુધારો પરિપત્ર કરવામાં આવે, વર્ધિત પેન્શન યોજના હેઠળના કર્મચારીઓને અવસાન કે નિવૃત્તિના સમયે 300 રજાઓ રોકડમાં રૂપાંતર આપવામાં આવે જેવી વિવિધ માંગોના ઠરાવ અને પરિપત્ર કરવાની માંગણી કરવામાં આવી છે.

હકારાત્મક કાર્યવાહી ન થાય, ત્યાં સુધી વિવિધ કાર્યક્રમો આપશે શિક્ષકો

સરકાર દ્વારા હકારાત્મક નિરાકરણ લાવ્યા બાદ પણ તેના અમલીકરણમાં વિલંબ થતા આજે આવેદનપત્ર આપ્યા બાદ પણ શિક્ષકો આંદોલન ચાલુ રાખશે. જેમાં 24 જુલાઈ, 2023 ના રોજ હાથે કાળી પટ્ટી પહેરી સંચાલકોની ઉપસ્થિતિમાં જ વાલીઓ સાથે બેઠક કરી, કર્મચારીઓની ઘટ અને શિક્ષકોને શિક્ષણ સિવાય આપવામાં આવતી કામગીરી વિશે માહિતી આપી, જેને કારણે બાળકોના શિક્ષણ ઉપર પડતી વિપરીત અસરોથી વાકેફ કરાશે. જયારે 29 જુલાઈ, 2023 ના રોજ સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને આવેદનપત્ર આપશે.

Click to comment

Trending

Exit mobile version