વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં શાળાના 2200 વિદ્યાર્થીઓએ 300 થી વધુ કૃતિઓ રજૂ કરી
નવસારી : નવસારીની જાણિતી ડિવાઈન સ્કૂલ દ્વારા આજથી બે દિવસીય વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજવામાં આવ્યું છે, જેમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓએ માત્ર ત્રણ દિવસમાં જ ટીમવર્ક થકી ઓછા ખર્ચે અને એક ચાર્જમાં 90 કિમી ચાલતી ઇલેક્ટ્રિક કાર આકર્ષણનું કેન્દ્ર રહી હતી. જયારે ડિવાઈન ગ્રુપ ઓફ સ્કૂલની ત્રણ શાળાના 2200 વિદ્યાર્થીઓએ 300 થી વધુ કૃતિઓ રજૂ કરી પોતાની કલ્પના શક્તિ સાથે જ શાળામાં મેળવેલા જ્ઞાનનું ઉત્તમ ઉદાહરણ દર્શાવ્યુ હતુ.
વિદ્યાર્થીઓનાં અભ્યાસ સાથે તેમના બુદ્ધિ કૌશલને વિકસાવવાનો થયો પ્રયાસ
બાળકોમાં પડેલી કલ્પના શક્તિને જાગૃત કરવામાં આવે તો એની સર્જનાત્મક શક્તિ આપોઆપ ખીલતી હોય છે. ત્યારે નવસારીમાં થોડા જ વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રે અગ્ર હરોળમાં નામના ધરાવતી ડિવાઈન પબ્લિક સ્કૂલના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ તેમજ CBSC હેઠળની ડિવાઈન ઇન્ટરનેશનલ સ્કૂલ એમ ત્રણેય શાળાઓના વિદ્યાર્થીઓ માટે 27 અને 28 જુલાઈ, બે દિવસ માટે વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજવામાં આવ્યું છે. જેમાં ત્રણેય શાળાના 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસના અનુભવનો ઉપયોગ કરી, વિજ્ઞાન અને ગણિત ક્ષેત્રે પોતાની આઈડિયાને કલ્પના શક્તિની પાંખો આપીને સર્જનાત્મક શક્તિનો પરચો બતાવી અવનવા પ્રોજેક્ટ બનાવ્યા છે. શાળામાં આજે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલના હસ્તે વિજ્ઞાન ગણિત પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારીની GIDC કોલેજના પ્રાચાર્ય ડૉ. એચ. એસ. પાટીલ તેમજ સુરતની કેવી 3 ONGC શાળાના આચાર્ય આલોક તિવારી અને વાપીની શ્રીમતી સંદ્રાબેન શ્રોફ જ્ઞાનધામ શાળાના આચાર્યા અચલા જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના ધોરણ 1 થી લઇ ધોરણ 12 ના વિદ્યાર્થીઓએ પોતાની ક્ષમતાનું કર્યું પ્રદર્શન
ડિવાઈન ગ્રુપ ઓફ સ્કૂલ દ્વારા આજથી બે દિવસ માટે યોજાયેલા વિજ્ઞાન ગણિત પ્રદર્શનમાં શાળાના ગ્રાઉન્ડ ફ્લોરથી ત્રીજા માળ સુધીના તમામ વર્ગોમાં ત્રણેય શાળાના ધોરણ 1 થી 12 સુધીના 2200 વિદ્યાર્થીઓએ 300 થી વધુ કૃતિઓ બનાવી પ્રદર્શિત કરી હતી. જેમાં બાળકોએ વિષય મળ્યા બાદ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી અભ્યાસ સાથે બાહ્ય જ્ઞાનના સહયોગ સાથે શ્રેષ્ઠ કૃતિઓ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વિજ્ઞાન સાથે કોમર્સના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. જેમાં ચંદ્રયાન, ચંદ્રાયન કેવી રીતે કામ કરે છે, રોકેટ સહીત બેંક, પાર્કિંગ, કચરાનું વ્યવસ્થાપન, ગાણિતિક પ્રયોગોને આધારે મોડલ જેવી અનેકવિધ કૃતિઓ તૈયાર કરી, એને વાલીઓને અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી જે ભાષામાં સમજ પડે, એમાં સરળતાથી સમજાવવાનો વિદ્યાર્થીઓએ પ્રયાસ કર્યો હતો. પ્રદર્શનનું આકર્ષણ ધોરણ 10 ના 7 વિદ્યાર્થીઓની ટીમે આધુનિક જમાનામાં ઇલેક્ટ્રિક કાર બનાવવાના આઈડિયા પર કામ કર્યું, જેમાં શાળાના શિક્ષક, પોતાના અનુભવી પિતાના માર્ગદર્શન મેળવી કારની ડીઝાઈન સાથે જ લીથીયમ બેટરીથી એકવારના ચાર્જીંગમાં 90 થી 100 કિમી ચાલતી, માત્ર 30 હજારના ખર્ચથી ઇલેક્ટ્રિક કાર ફક્ત ત્રણ દિવસમાં જ બનાવી દીધી હતી. ઇલેક્ટ્રિક કારનું મોડલ લોખંડની એન્ગલ અને પ્લાયબોર્ડ ઉપર આધારિત હતું, પરંતુ વિદ્યાર્થીઓની ધગસને કારણે ઇલેક્ટ્રિક કારનું એક સફળ મોડલ બનાવી શક્યા હતા. જે શાળામાં આવતા અન્ય શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો સહિત વાલીઓમાં આકર્ષણનું કેન્દ્ર રહી હતી. ઇલેક્ટ્રિક કારને વાલીઓ અને શિક્ષકોએ ચલાવી પણ જોઈ હતી અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મહત્વની વાત એ રહી કે, વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી તમામ કૃતિઓ વિશે તેને જોવા આવનાર તમામના ફીડબેક પણ લેવામાં આવ્યા હતા, જેથી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી શકે.