ભાજપ પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી. આર. પાટીલે કરી સમીક્ષા બેઠક
નવસારી : નવસારીમાં ગત શનિવારે વરસાદી પુરની સ્થિતિ બન્યા બાદ ફરી ગત રોજ મોડી રાતે બે કલાકમાં પડેલા 10 ઇંચ વરસાદને કારણે શહેર જળબંબાકાર થયુ હતું. જેના પાણી સવાર થતાં ઉતર્યા પણ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદથી નદીઓએ પુર આણ્યું હતુ. પૂર્ણામાં પુરને કારણે શહેરીજનોને ભારે હાલાકી વેઠવી પડી હતી. ત્યારે આજે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નવસારીના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં સાંસદે ભૂતકાળના અનુભવોમાંથી શિખામણ મેળવી આવનારા ભવિષ્યના 15 વર્ષો સુધી સમસ્યાનો કાયમી ઉકેલ લાવી શકાય એવું આયોજન કરવા સૂચન કર્યુ હતુ.
શહેરમાં વરસાદી પુરની સ્થિતિ માટે ડ્રેનેજ જવાબદાર હોવાની શહેરીજનોની ફરિયાદ
વરસાદની પેટર્ન બદલાતા છેલ્લા બે વર્ષોથી નવસારીમાં વરસતો મુશળધાર વરસાદ શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જે છે. જે નવસારી પાલિકાની ડ્રેનેજ સફાઈ પાછળ કરોડો રૂપિયા ખર્ચ્યાની ગુલબાંગોની પોલ ખોલી નાંખે છે અને વરસાદી પુર દરમિયાન જ શહેરની ડ્રેનેજના ઢાંકણા જોખમી રીતે ખુલ્લા રાખવા પડે છે. ત્યારે ગત 27 જુલાઈના રાતે 10 વાગ્યાથી 1 વાગ્યા સુધી વરસેલા મુશળાધાર વરસાદને કારણે શહેરમાં ઘૂંટણથી કેડ સમાં પાણી ભરાયાં હતાં. રાત્રી દરમિયાન પડેલા ભારે વરસાદે શહેરીજનોની ઉંઘ બગાડી હતી. ખાસ કરીને દુકાનદારો દુકાનમાં પાણી ભરાવાની ચિંતાએ દુકાને દોડી આવ્યા હતા. રાતે વરસાદ રહ્યા બાદ, સવારે પુરની સ્થિતિ બનતા શહેરીજનોને પડેલી મુશ્કેલી અને થયેલ નુકશાન અંગેનો તાગ મેળવવા નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે નવસારી કલેકટર સહિત સંબંધિત અધિકારીઓ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ, નવસારી અને ગણદેવીના ધારાસભ્યો સહિત અન્ય પદાધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં કલેકટર અમિત પ્રકાશ યાદવે શહેરમાં પુર દરમિયાનની સ્થિતિ વર્ણવી, લોકોના સ્થળાંતર, તેમના રહેવા જમવાની વ્યવસ્થા, પુર ઓસર્યા બાદ પ્રભાવિત શહેરના 7 વોર્ડમાં નુકશાની, સફાઈ અને આરોગ્ય તેમજ પીવાના પાણીની વ્યવસ્થા સંદર્ભે તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની માહિતી આપી હતી. જેની સાથે જ પદાધિકારીઓ દ્વારા શહેરીજન સાથે નવસારીવાસીઓની સમસ્યાઓ વર્ણવી હતી.
ગણદેવી તાલુકાના ગામડાઓમાં લાઈફ જેકેટ સાથેની કીટ અને બે સ્પીડ બોટ અપાઇ
સાંસદ સી. આર. પાટીલે ગત વર્ષે ગણદેવી અને નવસારીમાં સર્જાયેલી પુરના અનુભવો પરથી ભવિષ્યની તૈયારી કરવા અનુરોધ કર્યો હતો. જેમાં આ વર્ષે ચોમાસા પૂર્વે ગણદેવીના તાલુકાના ગામડાઓને પુરની સ્થિતિમાં પહોંચી વળવા લાઈફ જેકેટ સાથેની કીટ, મોટા દોરડા અને બે બોટ આપી હતી. ત્યારે ગત રવિવારે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ પણ સમીક્ષા બેઠક કરી, વરસાદી કાંસ તેમજ ડ્રેનેજમાં જ્યાં જ્યાં દબાણ કે કોઈ સમસ્યા છે, એનો સર્વે કરી કાંસ ખોલવા, પહોળી કરવા અને દબાણ દૂર કરવા સુધીની કાર્યવાહી કરવાનાં સૂચનો આપ્યા હતા. જેથી નવસારીમાં ભૂતકાળમાં પડેલા ભારે વરસાદ અને નદીઓમાં આવેલા ઘોડાપુરની સ્થિતિમાંથી મળેલા અનુભવો પરથી ભવિષ્યના 15 થી 20 વર્ષોનું આયોજન કરવાનું સૂચન કર્યુ હતુ.