આદિવાસીઓએ હનુમાનબારી પાસે એક કલાકથી વધુ સમય કર્યો ચક્કાજામ
નવસારી : મણીપુર, મધ્યપ્રદેશમાં આદિવાસીઓ પર થયેલા અત્યાચારની ઘટનાને લઇ આદિવાસીઓમાં આક્રોશ ફેલાયો છે. આજે વિશ્વ આદિવાસી દિવસની નવસારીમાં ધૂમધામથી ઉજવણી થઇ રહી છે, ત્યારે વાંસદામાં ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસીઓએ સરકાર સામે રોષ ઠાલવી જન આક્રોશ રેલી કાઢી હતી. સાથે જ હનુમાનબારી ચાર રસ્તા પાસે એક કલાકથી વધુ સમય માટે ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જ્યાં ધારાસભ્યએ આદિવાસીઓના હક્ક માટે લડત લડવા આહ્વાન કરી, સરકારની નીતિ રીતી સામે આકરા પ્રહારો કાર્ય હતા.
કુકણા સમાજ ભવનમાં આદિવાસીઓએ કરી પ્રકૃતિ પૂજા
વિશ્વ આદિવાસી દિવસની આજે આદિવાસીઓ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વાંસદામાં કુકણા સમાજ ભવન ખાતે ધારાસભ્ય અનંત પટેલની ઉપસ્થિતિમાં આગેવાનોએ પ્રકૃતિ પૂજા કરી હતી. સાથે જ ડીજેના તાલે પારંપરિક પરિધાન અને વાજીંત્રો સાથે મોટી સંખ્યામાં આદિવાસી નૃત્ય સાથે વિશાળ રેલી કાઢી હતી. બીજી તરફ રૂઢિગત ગ્રામસભાના પ્રમુખ રમેશ પટેલની આગેવાનીમાં રાનકુવાથી વાંસદા સુધી આક્રોશ રેલી કાઢવામાં આવી હતી. જ્યારે વાંસદામાં નીકળેલી રેલીમાં પણ આદિવાસી યુવાનોએ અર્ધનગ્ન અવસ્થામાં મણિપુરમાં થયેલી આદિવાસી મહિલાઓ ઉપર થયેલા અત્યાચાર મુદ્દે આક્રોશ ઠાલવ્યો હતો. બંને રેલી વાંસદાના પ્રવેશ દ્વાર હનુમાનબારી પાસે ભારતમાં આદિવાસીઓ પર થયેલા અત્યાચાર મુદ્દે આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યાં ધારાસભ્ય અનંત પટેલે તેમની આક્રમક શૈલીમાં સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જ્યારે એક કલાકથી વધુ રહેલા ચક્કાજામને કારણે ધરમપુરથી શામળાજી અને નવસારીથી સાપુતારા, ધરમપુર જતા માર્ગ પર 1 કિમીથી વધુ લાંબો ટ્રાફિક જામ થતા લોકો અકળાયા હતા. જોકે સ્થાનિક પોલીસે થોડા સમય બાદ ચક્કાજામ ખોલાવવા ટ્રાફિક હળવો થયો હતો.