આંતરરાષ્ટ્રીય

ચીખલીની જય અંબે સ્કૂલની વૈશ્વિક સ્તરે સિદ્ધિ : 7 વિદ્યાર્થીઓએ મેળવ્યા 21 મેડલ

Published

on

શાળાની ત્રણ વિદ્યાર્થીનીઓ અને ચાર વિદ્યાર્થીઓએ વિવિધ દોડમાં 17 ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ જીત્યા

નવસારી : નવસારીની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના 7 નાના વિદ્યાર્થીઓએ વૈશ્વિક સ્તરે દોડ લગાવી શાળાને ગૌરવ અપાવ્યુ છે. ગત દિવસોમાં દુબઈમાં 9 દેશો વચ્ચે રમાયેલી એથલેટિક્સ ગેમ્સમાં સાતેય વિદ્યાર્થીઓએ વિવિધ દોડમાં ભાગ લઇ, 17 ગોલ્ડ અને 4 સિલ્વર મળી કુલ 21 મેડલો પોતાના નામે કરી ભારત અને શાળાને વિશ્વ ફલક પર નામના અપાવી છે. ત્યારે બાળકોની વૈશ્વિક સિદ્ધિને જય અંબે સ્કૂલ દ્વારા ધારાસભ્ય નરેશ પટેલની ઉપસ્થિતિમાં વિજય સરઘસ કાઢીને ઉજવવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાના ટ્રસ્ટી મહેશ ગજેરાએ આપી શુભેચ્છા

નવસારીના ચીખલી તાલુકામાં શિક્ષણ ક્ષેત્રે અગ્ર હરોળની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલના 7 વિદ્યાર્થીઓએ એથલેટિક્સ ગેમ્સમાં પોતાની ક્ષમતાનો વૈશ્વિક સ્તરે પરચો આપ્યો હતો. શાળાના વ્યાયામ શિક્ષક ધર્મેશ પટેલે શાળાના વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડતા 7 તારલાઓ શોધી કાઢ્યા, જેઓને સખત મહેનત સાથે અલગ અલગ રમતોમાં તૈયાર કર્યા અને આજે નવસારી નહીં, પણ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે શાળાને ગૌરવ અપાવ્યું છે. જેમાં શાળાના દિયા પ્રકાશ પટેલ, હીર દીપેશ પટેલ, આર્ય સંકેત પટેલ, તેજ ઠાકોર પટેલ, પંથ ઠાકોર પટેલ, શ્રેય મિનેશ પટેલ અને જેનીલ મુકેશ પટેલ દિલ્હી ખાતે સંયુક્ત ભારત ખેલ ફાઉન્ડેશન યોજાયેલી એથલેટિક્સ રમતોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરી, પ્રથમ સ્થાને રહીને ગોલ્ડ મેડલ જીત્યા હતા. જ્યાંથી તેમની પસંદગી દુબઈ સરકાર દ્વારા યોજાયેલી 8 મી એથલેટિક્સ ગેમ્સમાં થતા તમામ વિદ્યાર્થીઓ શાળાના શિક્ષક ધર્મેશ પટેલ સાથે દુબઈ પહોંચ્યા હતા. દુબઈમાં અંડર 14 માં 5 વિદ્યાર્થીઓએ દોડમાં ભાગ લઈ 10 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ જીત્યા હતા. જ્યારે અંડર 11 અને 8 મળી બે વિદ્યાર્થીઓએ કુલ 4 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ પોતાને નામ કર્યા હતા. વિદ્યાર્થીઓની ઝળહળતી સિદ્ધિ બદલ આજે શાળાએ ચીખલી મામલતદાર કચેરીથી વિજય સરઘસ કાઢ્યું હતું. જેનો પ્રારંભ ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે વિજેતા બાળકોને મીઠાઈ અને પુષ્પ આપી કરાવ્યો હતો અને તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી. સરઘસમાં વિદ્યાર્થીઓ કોઈ મોટા સેલિબ્રિટી હોય એવો અનુભવ કરતા તેમના ચેહરાઓ ખુશીથી છલકાઈ ગયા હતા. જ્યારે વ્યાયામ શિક્ષક ધર્મેશ પટેલની છાતી પણ ફુલાઈ હતી. શાળાના ટ્રસ્ટી મહેશ ગજેરાએ પણ વિદ્યાર્થીઓની વૈશ્વિક ફલક પર સિદ્ધિને બિરદાવી શાળા પર વિશ્વાસ મૂકનારા વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ વિદ્યાર્થીઓ આ જ રીતે અભ્યાસ અને ઇતર પ્રવૃત્તિઓમાં સફળતાના શિખરો સર કરતા રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.

વિદ્યાર્થીઓએ 18 ઇવેન્ટમાં મેળવ્યા 21 મેડલો

દુબઈમાં યોજાયેલી અંડર 14 દોડ સ્પર્ધામાં દિયા પટેલ 3 ગોલ્ડ, હીર પટેલ 3 ગોલ્ડ મેડલ, શ્રેય પટેલ બે ગોલ્ડ એક સિલ્વર મેડલ, જેનિલ પટેલે 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ અને તેજ પટેલે 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ પોતાને નામે કર્યો હતો. જ્યારે અંડર 11 માં પંથ પટેલે 2 ગોલ્ડ અને 1 સિલ્વર અને અંડર 8 માં આર્યા પટેલે ત્રણ ગોલ્ડ મેડલ જીતીને શાળા, ચીખલી, ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું છે.

Click to comment

Trending

Exit mobile version