બે સપ્લાયર, એક રીસીવર સહિત પાંચ ભાગી છૂટ્યા
નવસારી : નવસારીના વાંસદાના વાંદરવેલા ગામે આવેલ પ્રિયા ફાર્મ એન્ડ નર્સરીમાં ખુલ્લી જગ્યામાં દમણથી લાવેલા 1.72 લાખના વિદેશી દારૂનું કાર્ટિંગ કરતા એકને નવસારી LCB પોલીસે બાતમીને આધારે દબોચી લીધો હતો. જયારે વિદેશી દારૂ પહોંચાડનારા બે સપ્લાયર, એક રીસીવર સહિત પાંચ ઈસમોને પોલીસે વોન્ટેડ જાહેર કરી, ઘટના સ્થળેથી 3 ફોર વ્હીલર મળી કુલ 18.77 લાખનો મુદામાલ કબ્જે કરી તપાસને વેગ આપ્યો છે.
પોલીસે ઘટના સ્થળેથી 3 ફોર વ્હીલર કાર પણ કરી કબજે
મળતી માહિતી અનુસાર, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસની એક ટીમ આજે નવસારીના વાંસદા તાલુકામાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વાંસદા તાલુકાના વાંદરવેલા ગામે આવેલ પ્રિયા ફાર્મ એન્ડ નર્સરીમાં દમણથી આવેલા વિદેશી દારૂનું કાર્ટિંગ થઇ રહ્યું છે. જેના આધારે પોલીસે ઘટના સ્થળે પહોંચી છાપો મારતા, ઘટના સ્થળેથી દારૂને એક કારમાંથી બીજી કારમાં મુકી રહેલા લોકોમાં નાસભાગ મચી હતી. પોલીસે ઘટના સ્થળેથી વાંસદાના કંસારીયા ગામે રહેતા મનોજ રણજીત પઢેરને દબોચી લીધો હતો. જયારે ઘટના સ્થળેથી મૂળ ધરમપુરના અને હાલ દમણમાં રહેતા સપ્લાયર અર્જુન ખાલપ, ખેરગામના કાકડવેરી ગામે રહેતા કૃણાલ ઉર્ફે કુણીયો શંકર પટેલ, દારૂ રીસીવ કરનાર ચીખલીના સારવણી ગામના અર્જુન ઈશ્વર પટેલ તેમજ તેમના અન્ય સાથી વાંસદાના વાંદરવેલા ગામનો સાજન અને ચીખલીના સારવણી ગામનો દીપક ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસે ખુલ્લી જગ્યામાં ઉતારેલો અને કારમાં મળી કુલ 1.72 લાખ રૂપિયાની વ્હીસ્કી-બીયરની 2038 બોટલો કબજે કરી હતી. સાથે જ 17 લાખ રૂપિયાની કુલ ત્રણ કાર, 1 મોબાઈલ ફોન મળી કુલ્લે 18.77 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપી મનોજ પઢેરની ધરપકડ કરી હતી. સાથે જ ઘટના સ્થળેથી ભાગવામાં સફળ રહેલા પાંચેયને વોન્ટેડ જાહેર કરી વાંસદા પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસને વેગ આપ્યો છે.