દક્ષિણ-ગુજરાત

આસુંદર ગામે સંભવિત ટેકસ્ટાઈલ પાર્કનો ગ્રામજનોનો વિરોધ

Published

on

જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ઔધોગિક એકમને મંજૂરી ન આપવાની માંગ

નવસારી : નવસારી સુરત માર્ગ પર આવેલા ગામડાઓમાં રહેણાંક પ્રોજેક્ટ આવતા રહ્યા છે, પરંતુ આસુંદર ગામની ત્રણ બ્લોક નંબરની જમીનમાં ટેકસ્ટાઈલ પાર્ક આવવાની વાતે જ ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. જેમાં ટેકસ્ટાઈલ પાર્કને મંજૂરી ન આપવાની માંગ સાથે આજે આસુંદર સહિત આસપાસના પાંચ ગામોના આગેવાનોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું. પાર્ક આવવાથી પાણી, પશુ અને માણસોને મોટી અસર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ટેકસ્ટાઈલ પાર્ક આવશે તો પાણી પ્રદુષિત થશે, ખેતીને પણ મોટુ નુકશાન થવાની ચિંતા

નવસારી સુરતની ટ્વીન સીટી બનવાની વાતે વર્ષો અગાઉ નવસારીથી મરોલી માર્ગ પર મોટી સંખ્યામાં રહેણાંક પ્રોજેક્ટ શરૂ થયા હતા. જેના કારણે રાજ્ય ધોરીમાર્ગની આસપાસની જમીનમાં ખેતીને અસર થઈ હતી. હાલમાં નવસારીના આસુંદર ગામના બ્લોક સર્વે નં. 312, 316 અને 317 માં ટેકસ્ટાઈલ પાર્ક બનાવવામાં આવવાની વાતે ગ્રામજનોમાં રોષ ભભુકી ઉઠયો છે. કારણ જ્યાં ટેકસ્ટાઈલ પાર્ક આવવાનો છે, ત્યાં નજીકથી ખાડી પણ પસાર થાય છે. પાર્ક બનતા પ્રદૂષિત પાણી ખાડીમાં છોડવામાં આવશે, જેનાથી આસુંદર સહિત આસપાસના ધાંમણ, કડોલી, છીણમ, કોલસણા ગામના પશુપાલકો અને ખેતીને મોટી અસર થશે. સાથે જ નજીકના ભૂગર્ભ જળના બોરિંગને પણ માઠી અસર થશે. જેથી 5 ગામના લોકોને નુકશાનની ભીતિને જોતા આજે આસુંદર સહિત આસપાસના ચિંતિત ગામોના આગેવાનો સાથે જિલ્લા અધિક કલેકટર કેતન જોશીને આવેદનપત્ર આપ્યુ હતુ. જેમાં આસુંદર ગામમાં 1 હજારથી વધુની વસ્તી તેમજ 2 હજારથી વધુ પશુઓ તેમજ અંદાજે 1200 વીઘા ખેતીની જમીન છે, જેને મોટા પ્રમાણમાં અસર થવાની સંભાવના દર્શાવી છે. જેની સાથે જ આસપાસના ગામડાઓને પણ અસર થશે. ભારત સરકાર દ્વારા જલાલપોરના વાંસી બોરસી ગામે ટેકસ્ટાઈલ પાર્ક શરૂ કરવાનો મોટો પ્રોજેક્ટ છે, ત્યારે આ પાર્કને તેમાં જ સમાવેશ કરી લેવામાં આવે એવી લાગણી પણ વ્યક્ત કરી હતી. સાથે જ આસુંદર ગામમાં આવનારા ટેકસ્ટાઈલ પાર્કને મંજૂરી ન આપવામાં આવે એવી માંગ કરી છે અને જો પાર્ક બનશે તો ઉગ્ર આંદોલનની ચેતવણી પણ ઉચ્ચારી હતી.

Click to comment

Trending

Exit mobile version