નવસારીની અગ્રવાલ કોલેજમાં યોજાયેલા ગરબા કાર્યક્રમ દરમિયાન બની હતી ઘટના
નવસારી : નવસારીની અગ્રવાલ કોલેજ દ્વારા ગત શનિવારે નવરાત્રી નિમિત્તે વિદ્યાર્થીઓ માટે યોજાયેલા ગરબા કાર્યક્રમમાં શ્રીરામના ભક્તિ ગીત ઉપર વિધર્મી વિદ્યાર્થીએ કરેલી અભદ્ર ટિપ્પણી અને ત્યારબાદ પોલીસે વિદ્યાર્થીઓને માર મારવા સાથે તેમની ધરપકડ કરી હતી. જેથી આજે ABVP અને હિન્દી સંગઠન દ્વારા આજે કોલેજ બહાર ધરણાં પ્રદર્શન કરી વિધર્મી વિદ્યાર્થી અને તેના મિત્ર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે કોલેજ સંચાલકને આવેદનપત્ર આપ્યુ હતુ. સાથે જ કાર્યવાહી ન થાય, તો ઉગ્ર કાર્યક્રમ આપવાની ચેતવણી પણ આપી છે.
ABVP અને હિન્દુ સંગઠનને વિદ્યાર્થીઓ સાથે કોલેજ બહાર કર્યા ધરણા
નવરાત્રીનાં દિવસોમાં શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ગરબાનું આયોજન થતું હોય છે. ત્યારે નવસારીની અગ્રવાલ કોલેજમાં પણ ગત 21 ઓકટોબર, શનિવારે સાંજે ગરબાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગરબા ચાલતા હતા, ત્યારે ભગવાન શ્રીરામનું ભક્તિ ગીત વગાડવામાં આવ્યું હતું અને જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવી ગયા હતા. પરંતુ એ દરમિયાન કોલેજના જ વિધર્મી વિદ્યાર્થી અને તેના મિત્ર સાહિલ અંસારી દ્વારા પ્રભુ શ્રીરામ માટે અપશબ્દો બોલતા આસપાસના હિન્દુ યુવાનોમાં રોષ વ્યાપ્યો હતો. જેમાં પ્રથમ વિવાદ થયા બાદ વાત મારામારી સુધી પહોંચી હતી. જેથી કોલેજ પ્રસાશન દ્વારા પોલીસ બોલાવી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વિદ્યાર્થીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આવેશમાં વિદ્યાર્થીઓ ઉગ્રતા પર હોવાથી પોલીસે કેટલાકને થમથોર્યા પણ હતા. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓને અટકમાં લઈ તપાસને વેગ આપ્યો હતો. જેમાં આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને હિન્દુ સંગઠન દ્વારા વિદ્યાર્થીઓ સાથે કોલેજ બહાર ધરણાં પ્રદર્શન કર્યા હતા. ત્યારબાદ કોલેજના આચાર્યને ઉદ્દેશીને સંચાલક મુકેશ અગ્રવાલને આવેદનપત્ર આપી વિધર્મી વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવા અને તેના મિત્ર સાહિલ અંસારીની ધરપકડ કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. જો તેમની માંગ ન સંતોષાય તો ઉગ્ર કાર્યક્રમ આપવાની ચેતવણી પણ આપી છે.
કોલેજ સંચાલકે તપાસ કરી કાર્યવાહીની આપી ખાત્રી
આવેદનપત્ર સાથે ABVP અને વિદ્યાર્થીઓને સાંભળ્યા બાદ કોલેજ સંચાલક મુકેશ અગ્રવાલ દ્વારા સમગ્ર મુદ્દે કોલેજની એક કમિટી બનાવી દશેરા બાદ યોગ્ય તપાસ કરીને જે પણ દોષિત હોય એના સામે કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી.