નવસારી : નવસારી વિજલપોર નગર પાલિકાને મહાનગર પાલિકા બનાવવાની ચર્ચાઓ વચ્ચે આજે મળેલી પાલિકાની સામાન્ય સભામાં શહેરના લારી ગલ્લા વાલાઓના રોજિંદા ભાડામાં ફરી વધારો કરવામાં આવ્યો હતો. સાથે જ શહેરમાં રસ્તા, બ્લોક, ડ્રેનેજ સહિતના કામો મળીને એજન્ડાના કુલ 146 કામોને બહુમતીના જોરે થોડી મીનીટોમાં જ બહાલી આપી સભા પૂર્ણ કરવામાં આવી હતી.
અણસમજુ વિપક્ષી નગરસેવિકાએ તમામ કાર્યોનો કર્યો વિરોધ
નવસારી વિજલપોર નગર પાલિકાની અઢી વર્ષની ટર્મ માટે નવી નિમાયેલી બોડીની આજે બીજી સામાન્ય સભા પાલિકાના સભાખંડમાં મળી હતી. નવનિયુક્ત મુખ્ય અધિકારી IAS ઓમપ્રકાશ શિંદેની ઉપસ્થિતિમાં મળેલી સભામાં ભાજપના ઘણા નગરસેવકોની અનુપસ્થિતિ જોવા મળી હતી. જ્યારે સભાની શરૂઆત થતા જ વોર્ડ નં. 13 ના ભાજપી નગરસેવક પાલિકાની પ્રશંસા કરી, સમયે બાળકોને નોટબુક વિતરણ થાય એની વાત કરે એ પૂર્વે જ ઉત્સાહી અને અણસમજુ વિપક્ષી સભ્ય તેજલ રાઠોડે તેમના કામો થતા નહીં હોવાના રાગ સાથે તમામ કામોનો વિરોધ નોંધાવ્યો હતો. જોકે તેજલ રાઠોડના વિરોધ સામે તેમના જ વોર્ડ નં. 4 ના ભાજપી નગરસેવક અશ્વિન કહારે વોર્ડ નં. 4 માં ઘણા કામો થયા હોવાના પોતે તજના સાક્ષી હોવાનું જણાવી વિપક્ષી સભ્યના વિકાસના કામોમાં વિરોધ મુદ્દે ઉધડો લઈ લીધો હતો.
બીજી તરફ પાલિકાની વિભિન્ન સમિતિના ચેરમેને એજન્ડામાં મુકેલા કામોની સંખ્યા બોલીને કામોને મંજૂરી મહોર કરાવી લીધી હતી. જોકે વોર્ડ નં. 13 ના ભાજપી નગર સેવક વિજય રાઠોડે પાલિકાના કર્મચારીઓને દીવાળી બોનસ આપવાનું ઠરાવવામાં આવ્યું હોવા છતાં બે મહિના પુરા થવા છતાં બોનસ અપાયું ન હોવાની વાત મુકી વહેલી તકે બોનસ આપવા ભલામણ કરી હતી. જેની સાથે જ શહેરના વિજલપોર વિસ્તારમાં વોર્ડ નં. 1, 2, 10 અને 11 માં સફાઈ કામગીરી આઉટસોર્સિંગથી કરાવવા 2.35 કરોડ રૂપિયાના કામને રીન્યુ નહીં પણ ટેન્ડર પ્રક્રિયાથી આપવા રજૂઆત કરતા જ એજન્ડાના પ્રિન્ટિંગની ભૂલ હોવાનું ખી દેવામાં આવ્યું હતું.
વર્ષોથી બનેલા પાર્કિંગને ભાડેથી અપાશે
જોકે સમગ્ર સભામાં પાલિકા વિસ્તારમાં રસ્તાઓની બાજુમાં કે ગલીઓમાં ઉભા રહેતા લારી ગલ્લાઓના ભાડાને ફરી વધારવામાં આવ્યો હતો. પાલિકાની ગત બોડીમાં ખાણી પીણીની લારિઓના રોજિંદા ભાડાને ઘટાડીને સમગ્ર શહેરમાં એક સરખા 70 રૂપિયા કરાયા હતા, જેને ફરી વધારીને 100 રૂપિયા કરવામાં આવ્યા છે. જેની સાથે જ વર્ષોથી પડી રહેલા પાલિકાના પાર્કિંગ માટેના પ્લોટને પણ ભાડે આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે