નવસારી : ઇન્દિરા ગાંધી ગરીબી હટાવવાની વાત કરતા હતા, પણ દેશના લોકોની નહીં, કોંગ્રેસીઓની ગરીબી દૂર થઇ હતી. જેની સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિવિધ યોજનાઓ થકી દેશની 140 કરોડની વસ્તીમાંથી 24 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે. આ વાત નવસારીના ચીખલી ખાતે મોદી સમર્થક મહિલા મંડળના હલ્દી કંકુ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કરી હતી. સાંસદ સી. આર. પાટીલે કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓને રામલલ્લાના દર્શન કરાવવા અયોધ્યા લઇ જવાની ખાતરી પણ આપી હતી.
હલ્દી કંકુ કાર્યક્રમમાં પત્ની ગંગાબેન સાથે આવેલા સાંસદ સી. આર. પાટીલ હળવા મૂડમાં જણાયા
મહારાષ્ટ્રીયન સમાજમાં મહિલાઓ હલ્દી કંકુ ઉજવીને પોતાના પતિના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરતી હોય છે. નવસારીમાં કાર્યરત મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા દર વર્ષે નવસારીના વિજલપોર અને બીલીમોરા શહેરમાં હલ્દી કંકુનો કાર્યક્રમ યોજાય છે, પરંતુ આ વર્ષે લોકસભા ચુંટણીને ધ્યાને રાખી હલ્દી કંકુ કાર્યક્રમ નવસારીના કેન્દ્ર સમા ચીખલીમાં યોજવામાં આવ્યો હતો. ચીખલી ક્રિકેટ મેદાનમાં અંદાજે 3 હજારથી વધુ મહિલાઓ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ તેમના ધર્મપત્ની ગંગાબેન પાટીલ સાથે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં લિંબાયત વિધાનસભાના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત નવસારી ભાજપના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સભામાં સંબોધનની શરૂઆતમાં સી. આર. પાટીલ હળવા મૂડમાં જોવા મળ્યા હતા, મંચસ્થ મહાનુભાવોનું નામ સંબોધતા સમયે તેમના પત્ની ગંગાબેનનું નામ લીધા બાદ, નામ તો લેવું જ પડે નહીં, તો શું થાય તમે સમજો તો ખરા… ની રમૂજ કરતા સભામાં મહિલાઓ હસી પડી હતી.
ઉપસ્થિત મહિલાઓને અયોધ્યામાં પ્રભુ શ્રી રામલલ્લાના દર્શન કરાવવાની આપી ખાતરી
લોકસભા ચુંટણીનું વર્ષ હોવાથી ભાજપ એક પછી એક કાર્યક્રમો થકી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. જેમાં મહારાષ્ટ્રીયન મહિલાઓના હલ્દી કંકુ કાર્યક્રમને અન્ય સમાજની મહિલાઓ સાથે ઉજવવામાં આવ્યો હતો. જેમાં ખાસ ઉપસ્થિત રહેલા નવસારીના સાંસદ સી. આર. પાટીલે મોદી સરકારમાં મહિલાઓને મળેલા દરજ્જા અને તેમની પ્રગતિ વિષેની વાત કરી હતી. મહિલાઓના સમર્થન મળવાને કારણે જ મોદી સરકાર વિધાનસભા અને લોકસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત અપાવી શકી હોવાનું જણાવી, તેમણે દરેક ક્ષેત્રોમાં મહિલાઓ આગળ હોવાનું જણાવ્યુ હતું. સાથે જ થોડા સમય અગાઉ મહિલાઓને હરિદ્વારની જાત્રા કરાવી હતી, ત્યારે ઉપસ્થિત મહિલાઓને હરિદ્વાર બાદ હવે અયોધ્યામાં ભગવાનશ્રી રામલલ્લાનાં દર્શને લઇ જવાની ખાતરી આપી હતી. તેમણે હળવાશમાં મહિલાઓને તેમના રહેવા, જમવા અને પાછા લાવવાની વ્યવસ્થા કરવાની વાત કરી, નામ પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અમિતા પટેલને નોંધાવવા જણાવ્યુ હતું. જોકે મહિલાઓને પાછા લાવવાની વાતે રમૂજ કરી, તેમના ઘરવાળા ત્યાં મુકી અવાજો કેહશે, પણ આ બધી રીટર્ન ટીકીટ છે.. કહેતા જ સભામાં હાસ્ય રેલાયુ હતું. સાંસદ સી. આર. પાટીલે મહિલાઓને હલ્દી કંકુ કાર્યક્રમની શુભેચ્છાઓ પણ પાઠવી હતી.