આરોગ્ય

ભરૂચમાં જતા PM મિત્રા પાર્કને પ્રધાનમંત્રીને રજૂઆત કરતા નવસારીને મળ્યો – સી. આર. પાટીલ

Published

on

સ્વચ્છતા અભિયાન હેઠળ જિલ્લાના 389 ગામડાઓમાં 127 કચરા ગાડી મળી

નવસારી : સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લામાં સ્વચ્છતા સાથે જ કુપોષણ મુક્ત નવસારી અભિયાન અંતર્ગત વિવિધ કામોના લોકાર્પણ સાથે જ યોજનાને વેગવંતી બનાવવા માટે આજે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવસારીના 389 ગામોમાંથી કચરો ઉપાડવા માટે કચરા પેટી સાથે 127 ટ્રેક્ટર સાંસદ સી. આર. પાટીલને હસ્તે આપવામાં આવ્યા હતા, સાથે જ સ્વચ્છ નવસારી મોબાઈલ એપ્લીકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી.

કુપોષણમાં ગુજરાત કરતા નવસારીનો દર 6 ટકા નીચો, 1 વર્ષમાં 50 ટકા બાળકો થયા સુપોષિત  

નવસારી જિલ્લા પંચાયત દ્વારા સાંસદ દિશા નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લા પંચાયત દ્વારા સ્વચ્છ નવસારી, જવાબદારી અમારી અભિયાનને વેગ આપવા આજે નવસારીના 389 ગામોમાં થયેલી કામગીરી અને ગામડાઓમાં કચરાના નિકાલ માટે ગ્રામ પંચાયતોને 127 જેટલી કચરા ગાડી, ટ્રેક્ટર વિતરણનો કાર્યક્રમ, જિલ્લાના ICDS વિભાગ અંતર્ગત કુપોષણ મુક્ત નવસારી અભિયાન હેઠળ થયેલ કામગીરી માટે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં નવસારીના સાંસદ સી. આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાએ છેલ્લા થોડા મહિનાઓમાં નવસારી જિલ્લાએ સ્વચ્છતા અને કુપોષણમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિની રૂપરેખા રજૂ કરી હતી. જેમાં 3 મહિનામાં જ જિલ્લાના 389 ગામડાઓમાંથી 22 હજાર લોકોના સહયોગ થકી 512 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જયારે કુપોષણ મુક્ત બનાવવામાં નવસારીની આંગણવાડી મહિલા કાર્યકરોનો પણ સિંહ ફાળો રહ્યો છે.

નવસારીમાં 1 હજાર બાળકોએ બાળકીની સંખ્યા વધુ – સાંસદ સી. આર. પાટીલ

સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલે ઉપસ્થિત મહિલાઓને સંબોધિત કરતા પ્રથમ તો તમામને અયોધ્યામાં ભગવાનશ્રી રામના દર્શન કરવા લઇ જવાની ખાતરી આપી હતી. સાથે જ વર્ષ 2009 માં તેમના સાંસદ બન્યા બાદથી નવસારી દેશમાં અગ્ર હરોળમાં જ રહ્યો છે. જેમાં સાંસદ આદર્શ ગામ હેઠળ ચીખલી દેશમાં પ્રથમ, સ્મોકલેશ જિલ્લામાં નવસારી દેશમાં પ્રથમ રહ્યો છે. દેશમાં જ્યાં બાળક કરતા બાળકીઓની સંખ્યા ઓછી છે, ત્યાં નવસારી જિલ્લામાં બાળક કરતા બાળકીઓ વધારે છે, જેમાં નવસારીમાં 1 હજાર બાળક પર 1007 બાળકીઓ છે, જે પણ દેશમાં અગ્રેસર છે. નવસારીએ શરૂ કરેલા સ્વચ્છતા અભિયાનમાં 3 મહિનામાં મોટું પરિણામ મળ્યું છે અને જિલ્લાના 389 ગામો અને ત્રણ પાલિકાઓમાંથી જુનો કચરો હટાવી, નવા કચરાનો યોગ્ય નિકાલ કરી શકાય એ માટે 127 કચરા ગાડીઓ આજે આપવામાં આવી રહી છે. જેની સાથે જ કુપોષણ દૂર કરવામાં અધિકારી, પદાધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી 1500 કુપોષિત બાળકોમાંથી આજે ફક્ત ૩૦૩ બાળકો જ રહ્યા છે, જેના થકી નવસારી રાજ્યના કુપોષિત દર કરતા 6 ટકા નીચો રહ્યો છે.

PM મિત્રા પાર્ક થકી નવસારીના યુવાનો અને મહિલાઓને મળશે રોજગાર

 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 22 ફેબ્રુઆરીના રોજ નવસારીના વાસી ખાતે PM મિત્રા પાર્કનું ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. જેની વાતો કરતા સાંસદ સી. આર. પાટીલે જણાવ્યું કે નવસારીમાં ઉદ્યોગો બંધ થઇ રહ્યા હતા અને હીરાની ફેકટરીઓ હતી એમાં પણ રોજગારી ઓછી થતી હતી. જેને કારણે નવસારીના યુવાનોએ નોકરી માટે જિલ્લા બહાર જવું પડતું હતું. વર્ષ 2009 માં હું ચુંટાયો ત્યારબાદ નવસારીમાં મોટો ઉદ્યોગ સ્થાપવાના પ્રયાસો હતા. દરમિયાન PM મિત્રા પાર્ક સ્થાપવાની વાત થઇ, તો ભરૂચમાં તેને લઇ જવા માટેની મથામણ થતી હતી. પરંતુ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીને રજૂઆત કરી કે સુરત ટેક્સટાઇલનું હબ છે. જેથી સુરત નજીક નવસારીમાં પાર્ક બને, એના માટે તત્કાલીન કલેકટર અમિત પ્રકાશ યાદવને જમીન શોધવા કહ્યું અને એમણે વાસી ગામે જમીન ફાળવી આપી. જેથી આજે PM મિત્રા પાર્ક નવસારીમાં આવ્યો છે અને નવસારીના યુવાનો અને મહિલાઓએ જિલ્લા બહાર રોજગાર માટે ન જવું પડે એવી સ્થિતિ બની છે.

Click to comment

Trending

Exit mobile version