Connect with us

વાયરલ-વિડિયો

ST બસમાં નશો કરી બેઠેલા દંપતીને કંડક્ટરે ખખડાવીને રસ્તામાં જ ઉતારી દીધા

Published

on

બસમાં દારૂડિયા મુસાફરો સામે કંડક્ટરની કાર્યવાહી સમગ્ર પંથકમાં બની ચર્ચાનો વિષય

નવસારી : ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ઘણીવાર સરકારી ST બસમાં દારૂડિયા મુસાફરો ચઢી જતા હોય છે અને ક્યારેક તો બસમાં જ દારૂની હેરાફેરીના કિસ્સા ચર્ચામાં રહ્યા છે. ST બસમાં મુસાફરોની સુવિધા અને સુરક્ષા ડ્રાઈવર કંડકટરની ફરજ બને છે. ત્યારે ત્રણ દિવસ અગાઉ વઘઈથી નવસારી આવતી ST બસમાં કંડક્ટરે બસમાં સવાર દારૂડિયા દંપતીને ખખડાવીને અધવચ્ચે જ ઉતારી મુક્યા હતા. કંડકટરની કાર્યવાહીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા કંડકટરની કડકાઈ સમગ્ર પંથકમાં ચર્ચાના ચગડોળે ચડી છે.

દારૂડિયાએ આનાકાની કરતા કંડક્ટરે પોલીસમાં સોંપવાની ચીમકી આપતા નીચે ઉતર્યો

મળતી માહિતી અનુસાર, હાલમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની એક ST બસમાં કંડકટર દ્વારા દારૂના નશામાં બસની છેલ્લી સીટ ઉપર બેઠેલા દંપતીને ખખડાવીને જબરદસ્તીથી બસમાંથી ઉતારી દેવાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ત્રણ દિવસ પહેલાં વઘઈથી નવસારી આવી રહેલી ST બસનો હોવાનું સામે આવ્યો છે. જેમાં બસના કંડકટરને બસમાં સવાર એક સામાન્ય લાગતું દંપતી નશાની હાલતમાં હોવાનું માલૂમ પડ્યું હતું. વાંસદા નજીક પહોંચેલી બસમાં દારૂડિયા દંપતીને કારણે બસમાં સવાર અન્ય મુસાફરો પણ અસહજ થઈ રહ્યા હતા. દારૂના નશામાં દંપતીની અણછાજતી વર્તણૂક જોઈને કંડક્ટરનો પિત્તો ગયો હતો. તેમણે કોઈપણ જાતના ખચકાટ વગર તાત્કાલિક કડકાઈ વાપરી દારૂડિયા દંપતીને ખખડાવીને જબરદસ્તીથી વાંસદા આવતા પહેલાં જ બસમાંથી નીચે ઉતારી દીધું હતું. જાહેર બસમાં નશાખોરી ચલાવી લેવામાં નહીં આવે તેવો સ્પષ્ટ સંદેશ આપતા કંડક્ટરના આ સાહસિક અને જવાબદારીપૂર્વકના પગલાંની સમગ્ર નવસારી પંથકમાં ભારે સરાહના થઈ રહી છે.

નવસારી

વાયરલ રીલનો ક્રેઝ કે અકસ્માતને આમંત્રણ?નવસારીના રેલ્વે ઓવરબ્રિજ પર યુવાનોનો જોખમી ‘બાહુબલી’ સ્ટંટ

Published

on

By

રાત્રિના સમયે બાઈક ખભા પર ઊંચકી બનાવ્યો વીડિયો

નવસારી : સોશિયલ મીડિયા પર માત્ર થોડી લાઈક્સ અને ફોલોઅર્સ મેળવવાની આંધળી દોડમાં નવસારીનો રેલ્વે ઓવરબ્રિજ હવે જોખમી રીલ્સ બનાવવાનું ગેરકાયદેસર હોટસ્પોટ બની ગયો છે. મધ્યરાત્રિના સમયે અન્યના જીવ જોખમમાં મૂકીને બાઈક ખભા પર ઉંચકીને બાહુબલી સ્ટંટ કરતા યુવાનોનો વધુ એક ચોંકાવનારો વીડિયો વાયરલ થતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

રાત્રિના સમયે બાઈક ખભા પર ઊંચકી રીલ બનાવતો વીડિયો થયો વાયરલ

પ્રાપ્ત વિગતો અનુસાર, નવસારી રેલ્વે ઓવરબ્રિજ પર રાત્રિના અંધારામાં કેટલાક યુવાનોએ ટ્રાફિકના તમામ નિયમો અને સુરક્ષાને નેવે મૂકીને જોખમી સ્ટંટ હાથ ધર્યા હતા. વાયરલ થયેલા વીડિયોમાં એક યુવાન ‘બાહુબલી’ ફિલ્મના દ્રશ્યની જેમ પોતાના ખભા પર આખી બાઈક ઊંચકતો જોવા મળે છે, જ્યારે તેના અન્ય મિત્રો આ જોખમી હરકતને કેમેરામાં કેદ કરીને તેને સપોર્ટ કરી રહ્યા છે. મહત્વનું છે કે, આ બ્રિજ પર અગાઉ પણ આવા જીવલેણ સ્ટંટના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે, છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આવા ‘રીલબાજો’ના હોંસલા વધતા જાય છે. સાર્વજનિક સંપત્તિ અને રસ્તા પરથી પસાર થતા નિર્દોષ નાગરિકો માટે મોટું અકસ્માતનું જોખમ ઊભું કરતા આ યુવાનો સામે પોલીસ અને સ્થાનિક પ્રશાસન ક્યારે કડક કાનૂની બ્રેક મારશે, તે જ હવે શહેરીજનોમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે.

Continue Reading

તહેવાર

નવસારીમાં વિઘ્નહર્તાની વિદાયમાં દિવ્યાંગ બાળાનો નિશ્ચલ પ્રેમ અને પોલીસની પ્રશંસનીય પહેલ

Published

on

By

ઓવારા પર દિવ્યાંગ બાળા બાપ્પાને ભેટીને રડી પડી; તો વહેલા વિસર્જન માટે પહોંચેલા ગણેશ મંડળોને પોલીસે ‘ગુલાબ’ આપ્યા

નવસારી : દસ દિવસ સુધી મન મૂકીને પૂજા-અર્ચના કર્યા બાદ નવસારી શહેરમાં આજે વિઘ્નહર્તા શ્રીજીને ભારે હૈયે વિદાય આપવામાં આવી રહી છે. ભક્તિ અને ઉલ્લાસ વચ્ચે નવસારીના વિસર્જન ઓવારાઓ પર આજે બે અનોખા અને સ્પર્શી જાય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. એક તરફ ભક્ત અને ભગવાન વચ્ચેનો લાગણીસભર સંબંધ અને બીજી તરફ પોલીસ તથા નાગરિકો વચ્ચેના સુચારુ સહયોગનું ઉત્તમ ઉદાહરણ.

ખુરશી પર આવેલી દિવ્યાંગ બાળા બાપ્પાને ભેટીને ધ્રુસકે-ધ્રુસકે રડી પડી

નવસારીના વિરાવળ વિસર્જન ઓવારા પર આજે એક અત્યંત ભાવુક ક્ષણ સર્જાઈ હતી. એક પરિવાર પોતાના ઘરના નાના ગણપતિનું વિસર્જન કરવા માટે પોતાની દિવ્યાંગ બાળાને ખુરશી પર બેસાડીને આસ્થાના ઓવારે લાવ્યો હતો. દસ દિવસ સુધી ઘરમાં મહેમાન બનીને રહેલા દાદાને વિદાય આપવાનો સમય આવ્યો, ત્યારે આ દિવ્યાંગ બાળા પોતાની લાગણીઓ રોકી નહોતી શકી. વિસર્જન પૂર્વે બાળા શ્રીજીની પ્રતિમાને ગાઢ ભેટી પડી હતી અને તેની આંખોમાંથી અશ્રુની ધારા વહી નીકળી હતી. બાપ્પાના વિરહમાં બાળાને રડતી જોઈને ત્યાં હાજર અન્ય ભક્તો અને તંત્રના કર્મચારીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી. બાદમાં પરિવારજનોએ તેને વહાલથી સમજાવીને શાંત પાડી હતી અને ભાવભીના અંબર સાથે શ્રીજીની પ્રતિમાને જળમાં વિસર્જિત કરી હતી.

પોલીસની અનોખી પહેલ: સમયસર વિસર્જન કરનારા મંડળોનું પોલીસે ‘ગુલાબ’ આપી કર્યું સન્માન

બીજી તરફ, સમગ્ર વિસર્જન યાત્રા નિર્વિઘ્ને અને સમયસર પૂર્ણ થાય તે માટે નવસારી ટાઉન પોલીસ દ્વારા એક પ્રશંસનીય અને સકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો. વિસર્જન પ્રક્રિયામાં જોડાયેલા હજારો સુરક્ષા કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ અને અધિકારીઓને મોડી રાત સુધી ઉજાગરા ન કરવા પડે અને વ્યવસ્થા સચવાય તે માટે પોલીસે મંડળોને વહેલું વિસર્જન કરવા અપીલ કરી હતી. જેને માન આપીને જે ગણેશ મંડળો સમયસર વિસર્જન યાત્રામાં જોડાયા અને વહેલા ઓવારા પર પહોંચ્યા, તે તમામ મંડળોનું નવસારી ટાઉન PI કે.ડી. નકુમ અને તેમની ટીમે ગુલાબનું ફૂલ આપીને સન્માન કર્યું હતું. મંડળોએ પણ પોલીસની આ અપીલ અને સન્માનની પદ્ધતિને ઉષ્માભેર આવકારીને કાયદા-વ્યવસ્થા અને સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Continue Reading

આરોગ્ય

હું તમારી નોકર નથી… અકળાયેલી ડોકટરે દર્દીના સગાને સંભળાવ્યુ

Published

on

By

નવસારી સિવિલ હોસ્પિટલમાં રજા મેળવવા મુદ્દે દર્દીના સગા અને ડોક્ટર વચ્ચે બોલાચાલી

નવસારી : નવસારી સિવિલ હોસ્પિટલમાંથી દર્દીએ રજા મેળવવા DAMA ફોર્મ ઉપર ડોક્ટરની સહીની જરૂર હતી, પણ અન્ય દર્દીની સારવારમાં વ્યસ્ત ડોક્ટર પાસે સહી લેવા જતા દર્દીના સગા અને જુનીયર ડોક્ટર વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં અકળાયેલી જુનિયર ડોકટરે હું તમારી નોકર નથી… સંભળાવ્યાનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ડોક્ટરને વર્તન ઉપર ધ્યાન રાખવા તાકીદ કરી છે.

જુનિયર ડોક્ટર અને દર્દીના સગા વચ્ચેની બોલાચાલીનો વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ

નવસારી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. નવસારીના જલાલપોરના 63 વર્ષીય ગોવર્ધન સાવલિયાને સુગર તેમજ પ્રેશરની સમસ્યાને કારણે લકવાનો એટેક આવતા, મધ્યમ વર્ગીય પરિવાર તેમને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં ગોવર્ધનભાઈનો બ્લડ રીપોર્ટ, એક્સ-રે, ECG કરવા સાથે સીટી સ્કેન પણ નિશુલ્ક કરાવડાવી સારવાર શરૂ કરી હતી, જેમાં તેમને 5 દિવસ સારવારની જરૂર હતી. પરંતુ કોઈક કારણસર ગોવર્ધનભાઈના પુત્ર તેમજ અન્ય સગાઓ તેમને સિવિલ હોસ્પિટલમાંથી રજા લઇ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવા માંગતા હતા. ગોવર્ધન સાવલિયાને ડીસ્ચાર્જ અગેઈન્સ મેડીકલ એડવાઈઝ DAMA હેઠળ સિવિલ હોસ્પીટલે રજા આપી, જે ફોર્મ ઉપર ડોક્ટરની સહી જરૂરી હતી. જેથી ગત રોજ સાંજે ગોવર્ધનભાઈના સગા ઈમરજન્સી વોર્ડમાં સેવારત જુનિયર ડૉ. પ્રિયંકા ગુપ્તા પાસે સહી લેવા ગયા હતા. જ્યાં ડૉ. પ્રિયંકા અન્ય દર્દીને તપાસતા હતા, પણ ગોવર્ધનભાઈના સગાએ તેમની પાસે તાત્કાલિક સહી કરી આપવા દબાણ કર્યુ હતું. ડૉ. પ્રિયંકાએ થોડીવાર બાદ સહી કરવાનું કહ્યું, જેમાં ગોવર્ધનભાઈના સગાએ સહી માટે જીદ કરતા ડૉ. પ્રિયંકા સાથે ગોવર્ધન સાવલિયાના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જેમાં ડૉ. પ્રિયંકાએ અકળાઈને “ મારા ઉપર ગરમ નહી થાઓ, એ ભાઈ તમારી નોકર નથી, મેં… તમારી ઉંમરનો લીહાઝ કરૂ છું… મેં રજા આપવા ના નથી બોલી… મોટા ડોક્ટર આવ્યા તો તમે એમને વાત કેમ ન કરી… ડોક્ટર એમને જોઇને તો ગયા, ત્યારે એમને કહ્યું કેમ ની… કહીને બાદમાં રજા આપી હતી. જોકે જુનિયર ડૉ. પ્રિયંકા સાથે થયેલી બોલાચાલીને ગોવર્ધન સવાલિયાના સગાએ મોબાઈલમાં કંડારી તેને સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. વીડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ સિવિલ તંત્ર દ્વારા જુનિયર ડૉ. પ્રિયંકા ગુપ્તાને બોલાવી તેમને તેમની ગેરવર્તન મુદ્દે ટકોર કરી, ભવિષ્યમાં દર્દીઓ સાથે ધીરજ અને સંયમથી વર્તવાની તાકીદ કરી છે.

Continue Reading
Advertisement

Trending