દક્ષિણ-ગુજરાત

બોર્ડ પરીક્ષા સામાન્ય પરીક્ષા જેવી જ, પ્લાનિંગથી આપો પરીક્ષા

Published

on

નવસારીની AB સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને પરીક્ષા દરમિયાન ધ્યાનમાં રાખવાની આપી ટીપ

નવસારી : સોમવારથી ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. એ પૂર્વે વિદ્યાર્થીઓમાં પરીક્ષાને લઇને ડર હોય છે, બે દિવસ અગાઉ વાંસદાની એક વિદ્યાર્થીનીને વાંચેલુ યાદ ન રહેતા, આત્મહત્યા કરવા જતા પોલીસે બચાવી હતી. વિદ્યાર્થીઓની વર્ષ દરમિયાન યોગ્ય તૈયારી ન હોવાને કારણે પરીક્ષા સમયે ડર હોય છે, પણ પરીક્ષા દરમિયાન પ્લાનિંગ સાથે વિદ્યાર્થીઓ પેપર આપે, તો બોર્ડ પરીક્ષા આપવામાં સરળતા રહેવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.

સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ થાય, તો વિદ્યાર્થીઓને રીવીઝન માટે પુરતો સમય મળે

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સોમવારથી શરૂ થવા જઈ રહી છે, પરંતુ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓમાં બોર્ડ પરીક્ષાના નામનો ડર હોય છે, જેથી ઘણીવાર વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં સરી પડે છે અને વાંચવા છતા યાદ ન રહેવા, સમય મર્યાદામાં લખી ન શકાય જેવી સમસ્યા તેમજ વધુ પડતી ચિંતાને કારણે બીમાર પણ થતા હોય છે. જેના મુખ્ય કારણોમાં વર્ષ દરમિયાન બોર્ડને ધ્યાને રાખીને શાળામાં તૈયારીનો અભાવ જોવા મળે છે, ઘણીવાર વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષાની પેપર પદ્ધતિ તેમજ 3 કલાકની સમય મર્યાદામાં પેપર કેવી રીતે પુરૂ કરવુ એની સમજણ પણ મળતી નથી. ત્યારે છેલ્લા થોડા વર્ષોમાં જ નવસારી જિલ્લામાં બોર્ડ પરીક્ષામાં ઉત્કૃત્ષ્ટ પરિણામ મેળવનારી નવસારી AB સ્કૂલની સિલેબસ પુરો કરવાની પેટર્ન અને વિદ્યાર્થીઓને રીવીઝન માટે 3 મહિનાનો પુરતો સમય આપવાની સ્ટ્રેટેજી વિદ્યાર્થીઓને બોર્ડ પરીક્ષામાં ચિંતામુક્ત રાખતા હોવાનો આત્મવિશ્વાસ શાળાએ વ્યક્ત કર્યો હતો.

વર્ષ દરમિયાન સતત ટેસ્ટ અને બોર્ડની પદ્ધતિથી જ શાળા પરીક્ષાઓ ભાંગે છે છે બોર્ડ પરીક્ષાનો ડર  

AB સ્કૂલના સહ સંસ્થાપક અને શિક્ષક રાકેશ કાલાવાડીયાએ જણાવ્યુ કે, ધોરણ 10 અને 12 માં સમયસર અભ્યાસક્રમ પૂર્ણ ન થવાને કારણે વિદ્યાર્થીઓને રીવીઝન કરવાનો સમય ઓછો થઇ જાય છે. સાથે જ વર્ષ દરમિયાન લેવાતી પરીક્ષામાં પેપર કેવી રીતે લખવુ તેમજ સમય મર્યાદામાં પેપર લખવા શું ધ્યાન રાખવુ એની સમજણ પણ હોતી નથી. બીજું વિદ્યાર્થીઓ કલાકો સુધી વાંચે છે, પણ તેમને વાંચેલું યાદ ન રહેવાની ફરિયાદો હોય છે. ત્યારે અમારી શાળામાં બોર્ડના વર્ષનાં અભ્યાસક્રમને એવી રીતે ભણાવવામાં આવે છે, કે ડિસેમ્બર સુધીમાં સમગ્ર અભ્યાસક્રમ પૂર્ણ કરી લઈએ છીએ. બીજી તરફ અઠવાડિયામાં બે ટેસ્ટ લઈએ છીએ એટલે વિદ્યાર્થીઓને પેપર લખવાની પ્રેક્ટીસ થઇ જાય છે. સાથે જ વર્ષ દરમિયાન બોર્ડની પરીક્ષા પદ્ધતિ અનુસાર, ખાખી બારકોડ સ્ટીકર, પુરવણી બાંધવા સાથેની તમામ પ્રક્રિયાથી અવગત હોય છે. જેમાં પણ ત્રણ મહિનાના રીવીઝન સાથે કુલ 5 મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવે છે, એટલે વિદ્યાર્થીને પરીક્ષાનો થોડો પણ ડર રહેતો નથી.

જે પેપર આપી દીધુ એને સોલ્વ કરવાને બદલે આગળના પેપરની તૈયારી કરો

ધોરણ 10 અને 12 ની પરીક્ષા બોર્ડ પરીક્ષા છે, જીવનની અંતિમ પરીક્ષા નથી. આવડશે કે નહીં, પેપર લખી શકાશે કે નહીં, એવો ગભરાટ રાખ્યા વિના પેપર આપવાનું છે. કોઈ એક પેપર નબળું જાય તો ચિંતા કર્યા વિના આગળના બીજા પેપરની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. પેપર આપ્યા પછી એને સોલ્વ કરવાની કે એના વિષે વિચારવાનું નથી, કારણ પેપર અપાઈ ગયુ છે, એમાં કાંઈ થવાનું નથી. જેથી એનું ખોટું ટેન્શન બીજા પેપર પર ન આવે એનું ધ્યાન રાખવાનું છે.

વાંચવાનો ટાર્ગેટ રાખો, બે કલાકે બ્રેક લેવો

વાંચતી વેળાએ એકયુરસી ઉપર ધ્યાન રાખવું જોઈએ. ઘણીવાર વાંચ્યા જ કરતા હોય છે, પણ વાંચેલું યાદ રહેતું નથી. જયારે પણ વાંચવા બેસો ત્યારે નક્કી કરો કે કેટલો સમય વાંચશો. ઉદાહરણ તરીકે, હું બે કલાક વાંચીશ. વાંચતી વેળાએ ઉભો પણ ન થાઉં, પાણી પીને બેસીશ અને બે કલાકમાં આટલું કન્ટેન્ટ વાંચવાનું છે એનો ટાર્ગેટ લઈને વાંચવા બેસો, તો ફાયદો થાય. બે કલાક વાંચ્યા બાદ 15 – 20 મિનીટનો બ્રેક લેવો અને ત્યારબાદ ફરી વાંચન શરૂ કરોએ સલાહભરેલું છે.

પરીક્ષામાં પેપર લખો તો છેકછાક ઓછી થાય, સુવાચ્ય અક્ષરે અને મુદ્દાસર જવાબ લખો

પરીક્ષા ખંડમાં પેપર લખતી વખતે વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવાની બાબતોમાં પેપર સુવાચ્ય અક્ષરે લખો, જવાબ મુદ્દાસરનો હોય અને છેકછાક ઓછી થાય એનું ધ્યાન રાખવું જોઈએ. પ્રશ્ન નથી આવડતો, તો ખોટા ગપ્પા ન મારો, એની જગ્યાએ જેટલું આવડે છે એને લખો. મુદ્દા પાડીને જવાબ આપો, આકૃતિઓ વ્યવસ્થિત ડ્રો કરો અને નામ નિર્દેશન સારી રીતે લખો તો સારા માર્ક્સ આવી શકે.

Click to comment

Trending

Exit mobile version