એકવર્ષ અગાઉ થયેલ મારામારી અને એટ્રોસીટીના ગુનામાં ધરપકડ થતા, DDO એ કર્યા હતા સસ્પેન્ડ
નવસારી : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદ પરથી બરતરફ કર્યા બાદ તેમની બરતરફી રદ્દ કરવામાં આવી હોય એવો નવસારીનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. નવસારીના સુપા ગામે વર્ષ અગાઉ થયેલી મારામારીના પ્રકરણમાં ઉપસરપંચ સામે પણ એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો નોંધાતા, જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા. પરંતુ ઉપસરપંચે તેમના ઉપર થયેલી ફરિયાદને હાઈકોર્ટમાં પડકારતા એટ્રોસીટીની ફરિયાદ જ રદ્દ થવાથી વિકાસ કમિશ્નરે ઉપસરપંચ પદ પરથી બરતરફીનો ડીડીઓનો હુકમ રદ્દ કરી, તેમને ફરી ઉપસરપંચ પદે સ્થાપિત કરવાનો આદેશ કર્યો છે.
ઉપસરપંચ પ્રતિક નાયક સામેની એટ્રોસીટીની ફરિયાદ હાઈકોર્ટે રદ્દ કરવાનો કર્યો હતો હુકમ

નવસારી તાલુકાના સુપા ગ્રામ પંચાયતના વોર્ડ નં. 6 માંથી ચુંટાયા બાદ પ્રતિક નાયકની ઉપસરપંચ પડે નિયુક્તિ થઇ હતી. દરમિયાન એક વર્ષ અગાઉ ગત માર્ચ, 2023 માં ઉપસરપંચ પદે ચાલુ રહેતા પ્રતિક નાયક સહિત અન્યો સામે ગત 8 માર્ચ 2023 નાં રોજ હોળીના દિવસે ગામમાં કોઈક કારણસર બે જૂથો વચ્ચે વિવાદ થયો અને વાત મારામારી સુધી પહોંચી હતી. જેમાં ઉપસરપંચ પ્રતિક નાયકે પોલીસને જાણ કર્યા બાદ બંને જૂથને છોડાવવા ગયા હતા. પરંતુ એમાં એમની સામે જ મારામારી સહિત એટ્રોસીટી એક્ટ હેઠળ નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. જેમાં પોલીસે ઉપસરપંચ પ્રતિક નાયકની 10 માર્ચના રોજ ધરપકડ કરી હતી અને તેઓ 17 માર્ચે જામીન પર છુટ્યા હતા. જેથી તેમના વિરૂદ્ધ ગામના વિરોધીઓએ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ કરતા તેમણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારીએ જેલવાસ ભોગવ્યો હોવાથી નૈતિક અધ:પતન હોવાનું ગણી ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ પ્રતિક નાયકને ઉપસરપંચ પદેથી સસ્પેન્ડ કરતો હુકમ કર્યો હતો. જેની સામે પ્રતિક નાયકે ગુજરાત હાઈકોર્ટમાં તેમના ઉપર થયેલ એટ્રોસીટીની ફરિયાદ રદ્દ કરાવવા કવોશિંગ ફરિયાદ કરી હતી. જેમાં દલીલોને ધ્યાને લઇને હાઈકોર્ટે એટ્રોસીટી એક્ટ હેઠળની ફરિયાદ રદ્દ કરવાનો આદેશ કર્યો હતો.
વિકાસ કમિશ્નરમાં સસ્પેન્શન રદ્દ કરવા અપીલ કરતા, DDO નો હુકમ રદ્દ કરાયો

હાઈકોર્ટના ચુકાદાને આધારે પ્રતિક નાયકે ગાંધીનગર સ્થિતિ વિકાસ કમિશ્નરની કચેરીમાં તેમના સસ્પેન્શનને પડકારી તેને રદ્દ કરવાની દાદ માંગી હતી. જેને વિકાસ કમિશ્નરે ગ્રાહ્ય રાખી, નવસારી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલા સસ્પેન્શનના હુકમને રદ્દ કરવામાં આવ્યો હતો. જેને આધારે નવસારી જિલ્લા વિકાસ અધિકારીએ પ્રતિક નાયકને ફરી સુપા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે નિયુક્તિનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનિય છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પદાધિકારી ઉપર ફોજદારી ગુનો નોંધાયા બાદ સસ્પેન્ડ થાય અને એ સસ્પેન્શનનો આદેશ રદ્દ કરી, ફરી તેમને પદ ઉપર કાબિજ કરવામાં આવે એવો નવસારી જિલ્લાનો આ પ્રથમ કિસ્સો બન્યો છે.