નવસારી : રાજકોટ લોકસભાના ભાજપી ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામેનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. જેમાં આજે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કલેકટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પાઠવી, પુરૂષોત્તમ રૂપાલાની ટિકીટ કાપવાની માંગ કરી હતી.
રાજપૂતોની બહેન દીકરીઓની ઈજ્જત ઉપર વાર કર્યો, રૂપાલાને માફ નહીં થાય – કરણી સેના
લોકસભા ચુંટણીનો માહોલ જામી રહ્યો છે, ગુજરાતમાં હવે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા શરૂ થવાની તૈયારીમાં છે. ત્યારે રાજકોટના ભાજપ ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાએ રૂખી સમાજના કાર્યક્રમમાં રાજપૂતો માટે કરેલા નિવેદનનો વિરોધ શમવાની જગ્યાએ વધુ ઉગ્ર બને એવી સંભાવના જોવાઈ રહી છે. ત્યારે આજે નવસૈરના રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના કાર્યકર્તાઓ સાથે રાજપૂતોએ નવસારી જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પહોંચાડવા વિનંતી કરી હતી. જેમાં પુરૂષોત્તમ રૂપાલાએ અંગ્રેજો સાથે રોટી બેટીના વહેવારની વાત કરી રાજપૂતોની બહેન અને દીકરીઓની ઈજ્જત પર વાર કર્યો, જેથી પુરૂષોત્તમ રૂપાલાને માફ કરી શકાય એમ નથી. ગુજરાતના 70 લાખ અને દેશના 22 કરોડ રાજપૂતો છે, જેમાંથી 75 ટકા રાજપૂતો ભાજપ સમર્પિત છે. જેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રૂપાલાની ટિકીટ કાપવાની માંગ કરી હતી.