સરકારી એજન્સીએ પાણી યોજના બનાવી, પણ યોગ્ય રીતે કાર્યરત નહીં
નવસારી : નવસારીમાં વિજલપોર શહેરને જોડતા જ વિજલપોરની પાયાની સમસ્યાનો અંત આવશે એવી આશા બંધાઈ હતી. પરંતુ પાણીની મુખ્ય સમસ્યા ઉપર જ પાણી ફરી વળ્યું એવી સ્થિતિ બની છે. વિજલપોરમાં 7 તળાવો આવ્યા છે, જેમાના 5 તળાવો ખાલી અને એમાં પણ આસપાસના સ્થાનિકો દ્વારા કચરો નાંખવામાં આવે છે. એક તળાવમાં પાણી યોજના બનાવવામાં આવી, પણ એ પણ યોગ્ય રીતે કાર્યરત થઇ શકી નથી. જેથી વિજલપોર, નવસારી વિજલપોર નગર પાલિકા બન્યા બાદ પણ સમસ્યા ત્યાંની ત્યાં જ રહી છે.
તમામ તળાવોમાં પાણી સંગ્રહ થાય, તો 4 વોર્ડમાં પાણી સમસ્યાનો ઉકેલ આવે..!!
વિજલપોર નગરપાલિકાના કાર્યકાળમાં શહેરમાં પાણી સમસ્યાના સમાધાન માટે પાલિકાએ ચંદન તળાવમાં પીવાના પાણીની યોજના GUDC દ્વારા કાર્યરત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિજલપોરની તરસ છીપાવવા માટેની યોજના GUDC અને પાલિકા વચ્ચેના સંકલનને કારણે અટવાઇ હતી. દરમિયાન નવસારી પાલિકાનું હદ વિસ્તરણ થતા વિજલપોર પાલિકાને નવસારીમાં જોડી દેવામાં આવી હતી. જેથી વિજલપોર, નવસારી વિજલપોર નગર પાલિકા બનતા પાણી સમસ્યાનું સમાધાન લાવવાના પ્રયાસો થયા હતા. જેમાં ચંદન તળાવનો પ્રોજેક્ટ નવનિયુક્ત પાલિકાએ જેમ તેમ કરીને પૂર્ણ કરાવ્યો હતો, તેમ છતાં પાણી સ્માસ્યાનું સમાધાન થઇ શક્યું નથી. બીજી તરફ પાલિકાએ વિજલપોર શહેરમાં આવેલા 5 તળાવોને સુંદર બનાવવા માટે કરોડો રૂપિયાની યોજનાઓ વિચારી, પરંતુ આ તળાવોમાં પાણી ભરાય, એનો સંગ્રહ થાય તેમજ આ તળાવોને એક બીજા સાથે જોડીને વિજલપોર વિસ્તારના વોર્ડ નં. 8, 9, 10 અને 11 ની પાણી સમસ્યાનું કાયમી ઉકેલ આવે એવા પ્રોજેક્ટ ઉપર કોઈ વિચાર કર્યો નથી. જેથી નવ નિયુક્ત પાલિકા બન્યાને 3 વર્ષો વીતવા આવ્યા છતાં વિજલપોરને પાણી માટે મુશ્કેલી જ વેઠવી પડે છે. ત્યારે સેંકડો કરોડનું બજેટ ધરાવતી પાલિકા યોગ્ય પાણી યોજના અને તેનું વ્યસ્થાપન પણ નથી કરી શકતી હોવાના આક્ષેપો વિપક્ષ લાગાવી રહ્યો છે.
5 તળાવોમાં પાણીનો સંગ્રહ ન થતા સ્થાનિકો નાંખે છે કચરો
નવસારી વિજલપોર પાલિકામાં જૂની વિજલપોર પાલિકા કચેરી સામેનું લક્ષ્મી તળાવ, મારૂતિ નગર નજીક આવેલ ગંગા તળાવ તેમજ ભૂતકાળમાં વિજલપોર પાલિકાની ડંપીંગ સાઈટ એવા ડોલી તળાવમાં પાણીને બદલે કચરો જ જોવા મળે છે. પાલિકાના વારંવારના પ્રયાસો બાદ પણ પાણીનો સંગ્રહ થઇ શકતો નથી. બીજી તરફ આ તળાવો ફરતે પાલિકાએ ફેન્સીંગ હોવા છતાં આસપાસના લોકો એમાં જ કચરો નાંખે છે, જેને પાલિકા અટકાવી પણ શકતી નથી. જયારે તળાવમાં પાણી ભરવા મુદ્દે પણ યોગ્ય યોજના બનાવી શકી નથી. ત્યારે પાલિકાના વોટર વર્કસ કમિટીના ચેરમેને વિજલપોરના 7 તળાવોમાંથી દેસાઈ તળાવ અને ચંદન તળાવ ચાલુ છે. પરંતુ 5 તળાવોમાં પાણી નહીં, પણ કચરો નંખાતો હોવાનું સ્વિકાર્યું હતું. સાથે જ ફેન્સીંગના અભાવે લોકો કાચારો નાંખતા હોવાથી તળાવોને પહેલા સુરક્ષિત કરી, ઉનાળા સુધીમાં તેમાં પાણી ભરી લેવાની શેખી હાંકી હતી. પરંતુ ઉનાળો શરૂ થયો તેમ છતાં આ તળાવો આજે પણ ખાલીખમ છે. ત્યારે આવનારા દિવસોમાં વિજલપોરના 4 વોર્ડને પાણી સમસ્યા કેટલી નડે છે એ જોવું રહ્યુ.
નવસારી વિજલપોર પાલિકા બન્યાને ત્રણ વર્ષ વીત્યા, પણ તળાવ પાણીથી ભરવામાં આળસ
વર્ષોથી તળાવોમાં પાણી ભરવા અસમર્થ રહેલી વિજલપોર પાલિકા, નવસારીમાં ભળ્યા બાદ પણ વિજલપોરના તળાવોમાં પાણી નહીં પણ કચરો જ જોવા મળે છે, ત્યારે ત્રણ વર્ષો વીત્યા બાદ ત્રણ મહિનામાં જ તળાવમાં પાણી ભરવાની વાતો આળસને કારણે સફળ થઇ શકી નથી.