પુલ નહી, તો મત નહીં ના સુત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ
નવસારી : ગણદેવી તાલુકાના આંતલિયા અને ઉંડાચ ગામને જોડતો કાવેરી નદી ઉપરનો પુલના 2 પીલર બે વર્ષ અગાઉ કાવેરીના પુરના પ્રવાહને બેસી જતા પુલ વાહન વ્યવાહર માટે બંધ કરી તેનું સમારકામ આરંભાયુ હતું. પરંતુ ટેકનીકલ કારણોને આગળ ધરી સમારકામની કામગીરી ગોકળગાયની ગતિએ ચાલતા આજે રોષે ભરાયેલા ચાર ગામડાઓના લોકોએ પુલના ઉત્તરી છેડે વિરોધ પ્રદર્શન કરી, પુલ નહીં, તો મત નહીં ના નારા સાથે ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે.
8 કરોડમાં બનેલા પુલના બે પીલરના સમારકામ માટે 4.54 કરોડ થયા મંજૂર
નવસારીના ગણદેવી તાલુકાના આંતલિયા ગામથી ઉંડાચ ગામ વચ્ચે કાવેરી નદી ઉપર વર્ષો અગાઉ નાનો ડુબાઉ પુલ બન્યો હતો. ચોમાસામાં કાવેરીમાં પાણી વધતા જ પુલ ડૂબી જવાથી ઉંડાચ સહિત આસપાસના ગામડાઓએ 20 કિમી નો ચકરાવો ખાઈને બીલીમોરા આવવું પડતું હતું. જેથી લોકોની વર્ષોની માંગ બાદ 10 વર્ષ અગાઉ અંદાજે 8 કરોડ રૂપિયાને ખર્ચે આંતલિયા ઉંડાચને જોડતો મોટો પુલ બન્યો હતો. પુલ બનતા જ ઉંડાચ સહિતના ગામડાઓને મોટી રાહત મળી હતી. પરંતુ બે વર્ષ અગાઉ ગત 2022 ના ચોમાસામાં આવેલા ભારે પુરને કારણે કાવેરીના ધસમસતા પ્રવાહમાં આંતલિયા ઉંડાચ પુલના દક્ષિણ તરફના બે પીલર બેસી જતા પુલનો એક તરફનો સ્પાન પણ બેસી ગયો હતો. જેથી તાત્કાલિક અસરથી પુલને વાહન વ્યવહાર માટે બંધ કરી તનું સમારકામ આરંભાયુ હતુ. પરંતુ તંત્ર અને કોન્ટ્રાકટરની ઢીલી નીતિને કારણે બે વર્ષ વીતવા છતાં પણ પુલના પીલર ઉઠાવી શકાયા નથી અને કામ પૂર્ણતાએ પહોંચવાથી ઘણું દુર છે. જેથી ચોમાસું નજીક હોય ગ્રામજનોમાં તંત્રની કામગીરી સામે રોષ પ્રવર્તી રહ્યો હતો. દરમિયાન આજે ઉંડાચ સહિત જેસીયા, વાઘલધરા અને બલવાડાના ગ્રામજનો દ્વારા આંતલિયા ઉંડાચ પુલનાં ઉત્તરી છેડે ડુબાઉ પુલ ઉપર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ હતું. જેમાં પુલ નહીં, તો મત નહીં ના સુત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ ચુંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. સાથે જ ચુંટણી બહિષ્કારના બેનરો પણ લગાડી કોઈપણ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓને ગામમાં નહીં આવવાની ચેતવણી પણ આપી છે.
સ્થાનિક આગેવાનો વચ્ચે ચકમક ઝરી
આંતલિયા ઉંડાચ પુલ નીચે વિરોધ કરવા ભેગા થયેલા ઉંડાચના ગ્રામજનોને સમજાવવા પહોંચેલા સ્થાનિક આગેવાનોની વાત સાંભળવાથી પણ ગ્રામજનોએ નન્નો ભણી દીધો હતો. આગેવાનોએ બે મહિનામાં પુલની કામગીરી પૂર્ણ થવાની વાતો કરતા બે વર્ષોથી કામ ન થયુ, તો 2 મહિનામાં થશે..? એવો પ્રશ્ન પણ ઉઠ્યો હતો. ત્યારે આગેવાનો સાથે વિરોધ કર્તાઓએ વાત ન સાંભળતા કોઈક વાતે ઉગ્રતા વધી હતી અને બંને પક્ષો વચ્ચે ચકમક ઝરતા પોલીસે મધ્યસ્થી કરી બંને પક્ષોને છુટા પાડ્યા હતા.
નદીમાં જમીનની મજબૂતાઇ ન મળવાને કારણે કામગીરીમાં અવરોધ
આંતલિયા ઉંડાચ પુલ બન્યાના થોડા જ વર્ષોમાં બેસી જતા લોકોમાં ભ્રષ્ટાચારના સુરો ઉઠ્યા હતા. જોકે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે કાવેરીમાં બે વર્ષ અગાઉના ચોમાસામાં આવેલા ભયાનક પુરને કારણે પુલના પીલરને નુકશાન થવાની વાત કરી, મુખ્યમંત્રીને રજૂઆત કરી પુલના સમારકામ માટે 4.54 કરોડ રૂપિયા મંજૂર કરાવ્યાનું જણાવ્યુ હતુ. કામગીરી શરૂ પણ થઇ ગઈ હતી, પરંતુ નદીમાં નીચે જમીનની મજબૂતાઇ મળતી ન હોવાને કારણે કામમાં અવરોધ આવ્યો છે. 17 મીટર સુધી પ્રયાસ કરાયા છે, પણ મુશ્કેલી જણાતા હવે નવી એજન્સી શોધી 30 મીટર સુધી પહોંચી સોઇલ સ્ટેટા ચકાસી તેના રીપોર્ટને આધારે સમારકામને વેગ આપવામાં આવશે. અમારા એન્જીનીયર અને કોન્ટ્રાકટર બંને ટીમ સાથે તૈયાર છે. મશીન આવતા જ ચકાસણી કરીને કામ શરૂ થશે અને બે થી અઢી મહિનામાં પુલ ખુલ્લો મુકાશે. સાથે જ તેમણે લોકશાહીના પર્વમાં મતદાન કરવાની લોકોને અપીલ કરી, પુલ વહેલામાં વહેલો બને એવી ખાતરી પણ આપી હતી.