ગુજરાત

વિજય સંકલ્પ રેલી સાથે ભાજપી ઉમેદવાર સી. આર. પાટીલ નોંધાવશે ઉમેદવારી

Published

on

ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણા મંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહેશે ખાસ ઉપસ્થિત

નવસારી : જંગી બહુમતીથી ચુંટણી જીતવાનો ટ્રેક રેકોર્ડ ધરાવનાર નવસારીના પૂર્વ સાંસદ, ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને નવસારી લોકસભાના ચોથીવાર ઉમેદવાર સી. આર. પાટીલ આવતી કાલે વિજય સંકલ્પ રેલી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પોતાનું ઉમેદવારીપત્ર ભરશે.

એક લાખથી વધુ સમર્થકો સી. આર. પાટીલ સાથે ઉત્સાહ સાથે જોડાશે

નવસારી લોકસભા જાહેર થઇ ત્યારથી સતત ત્રણ ટર્મ ભાજપના સી. આર. પાટીલ જંગી બહુમતીથી જીતતા આવ્યા છે. ગત ટર્મમાં 6.89 લાખ મતો મેળવીને સી. આર. પાટીલે વિક્રમ સ્થાપ્યો હતો. ત્યારે સી. આર. પાટીલ ઉપર ભાજપે ચોથીવાર પસંદગી ઉતારી છે, ત્યારે આવતી કાલે 18 એપ્રિલે સી. આર. પાટીલ વિજય મુર્હતમાં પોતાની ઉમેદવારી નોંધાવશે. જે પૂર્વે નવસારીના ગણદેવી રોડ સ્થિત મધ્યસ્થ ચુંટણી કાર્યાલય ખાતેથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ખાસ ઉપસ્થિતિમાં ભવ્ય વિજય સંકલ્પ રેલી યોજશે. જેમાં રાજ્યના નાણાં પ્રધાન અને નવસારીના પ્રભારી મંત્રી કનુ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાતેય વિધાનસભાના ધારાસભ્યો, પ્રદેશ અને સ્થાનિક સંગઠનના આગેવાનો પણ રેલીમાં જોડાશે. રેલીના પ્રસ્થાન સમયે શંખનાદ કરવામાં આવશે. ઢોલ નગારાના તાલે રેલી અંદાજે 4 કિમીનું અંતર કાપીને જિલ્લા કલેકટર કચેરી પહોંચશે. રેલીમાં સાતેય વિધાનસભાના ભાજપી કાર્યકરો અને હજારોની સંખ્યામાં સમર્થકો ઉમટી પડે એવી સંભાવના સેવાઈ રહી છે.

રેલીમાં માથે ભાગવા સાફા સાથે મરાઠી પહેરવેશમાં મહિલાઓ હશે આકર્ષણ

ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના પૂર્વ સાંસદ સી. આર. પાટીલ આવતી કાલે 18 એપ્રિલે પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે, ત્યારે મોદી સમર્થક મહિલા મંડળના સથવારે લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ વિજય સંકલ્પ રેલી માટે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. જેમાં મરાઠી પહેરવેશ સાથે હજારો મહિલાઓ માથે ભગવો સાફો પહેરી રેલીમાં જોડાશે. સાથે જ મરાઠી ઢોલ, તાલની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રેલીમાં ગુજરાતની પ્રસિદ્ધ લોક ગાયિકા ગીતા રબારી પણ ઉપસ્થિત રહેશે.

4 કિમીની રેલીમાં ગરમીથી રક્ષણ આપવા પાણી અને છાસનું થશે વેચાણ

ભાજપી ઉમેદવાર સી. આર. પાટીલ આવતી કાલે પોતાની ઉમેદવારી નોંધાવવા જઈ રહ્યા છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી સાથે મંત્રીઓ, ધારાસભ્યો, સંગઠનના આગેવાનો હાજર રહેવાના હોવાથી હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો ઉમટી પડશે. ત્યારે હાલમાં ચાલી રહેલા હીટવેવ સામે હજારો લોકોને ઠંકડ મળે અને ગરમીથી તેમનું રક્ષણ થાય એ માટે 4 કિમી લાંબી રેલીમાં પાણી અને છાસના વેચાણની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.  

રેલી દરમિયાન પોલીસનો કડક બંધોબસ્ત, ડ્રોન કેમેરાથી પણ રહેશે નજર

ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલ ઉમેદવારીપત્ર ભરવા જઈ રહ્યા હે, ત્યારે નવસારીમાં VVIP ઓ હાજર રહેવાના હોવાથી રેલીના રૂટ ઉપર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં શહેરમાં લાગેલા નેત્રમ પ્રોજેક્ટ હેઠળના કેમેરાઓ સાથે જ ડ્રોન કેમેરાઓથી પણ નજર રાખવામાં આવશે.

વિજય મુર્હતમાં સી. આર. પાટીલ નોંધાવશે ઉમેદવારી

ચોથીવાર નવસારી લોકસભા બેઠક ઉપર જાહેર થયેલા ભાજપી ઉમેદવાર સી. આર. પાટીલ 12 વાગ્યા આસપાસ સમર્થકો સાથે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચશે. જ્યાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ અન્ય આગેવાનો સાથે ભાજપી ઉમેદવાર સી. આર. પાટીલ લોકસભા ચુંટણી માટે પોતાનું ઉમેદવારીપત્ર ભરીને, પોતાની ઉમેદવારી નોંધાવશે.

Click to comment

Trending

Exit mobile version