નવસારી જિલ્લાના કોંગ્રેસી કાર્યકર્તાઓ સાથે કોંગી ઉમેદવારે કરી મુલાકાત
નવસારી : મોડે મોડે નવસારી લોકસભા ઉપર જાહેર થયેલા કોંગ્રેસના ઉમેદવાર નૈષધ દેસાઈએ નવસારીમાં પગ મુકતા જ ચુંટણી પ્રચારનો પ્રારંભ કરી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે આકરા પ્રહારો કરી, પોતે ગાંધી વિચારો સાથે સોશ્યલ મીડિયા અને ન્યાયની પદયાત્રા થકી મતદારો સુધી પહોંચી ભાજપને પછાડવાનો પ્રયાસ કરશે. સાથે જ નવસારીના નવસારી જિલ્લાના આગેવાનો અને કાર્યકરોને પણ મક્કમતાથી ચુંટણી જંગમાં ગાંધી વિચારો સાથે પ્રચારમાં મંડી પડવા અપીલ કરી હતી.
15 દિવસોમાં 22 લાખ મતદારો સુધી પહોંચવા લેશે સોશ્યલ મીડિયાનો સહારો
નવસારી લોકસભા બેઠક કોંગ્રેસ પોતાનો મુરતિયો શોધવમાં ખાસ્સી મોડી પડી હતી. પહેલા સ્થાનિક આગેવાનોમાંથી ઉમેદવાર બનાવવાની કસરત, એની વચ્ચે કોંગ્રેસના કદ્દાવર નેતા સ્વ. એહમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલની ચર્ચા અને ત્યારબાદ છેક ઉમેદવારી પત્રો ભરવાના શરૂ થયા ત્યારે કોંગ્રેસે પોતાનો મુરતિયો જાહેર કર્યો હતો. બે દિવસ અગાઉ કોંગ્રેસે સુરતના પીઢ કોંગ્રેસી નૈષધ દેસાઈને ભાજપના ઉમેદવાર સી. આર. પાટીલ સામે ચુંટણી જંગમાં ઉતાર્યા છે. ત્યારે ઉમેદવાર જાહેર થયા બાદ પહેલી વાર નૈષધ દેસાઈ આજે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સાથે મુલાકાત કરવા નવસારી જિલ્લા કોંગ્રેસના કાર્યાલયે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ગાંધી વિચાર સાથે ચુંટણી પ્રચારમાં ઉતારવાની તૈયારી બતાવી હતી. તેમણે આગેવાનોને સંબોધતા પોતાના કોંગ્રેસી પરિવારનો ઈતિહાસ વર્ણવી કોંગ્રેસને જીવંત રાખવા કેવા પ્રયાસો કર્યા એની વાતો કરી હતી. સાથે જ કોંગ્રેસમાં ઓછા કાર્યકરોએ ચુંટણી જંગ લડવાનો પડકાર હોવાનું જણાવી, તેમની સાથે કોણ આવશે એ મુદ્દે ઉદાસીનતા પણ દર્શાવી હતી. જોકે મોદી સામે ગાંધીની વાતો સાથે ચુંટણી જંગમાં ઉતારેલા નૈષધ દેસાઈએ 22 લાખ મતદારોને 15 દિવસોમાં મળવું મહેનતનું કામ ગણાવ્યુ હતું, પણ મુશ્કેલ નથી. તેમણે કાર્યકરોને મતદારો સુધી પહોંચવા સોશ્યલ મીડિયાને પોતાનું શસ્ત્ર બનાવવા અને રાહુલ ગાંધીના ન્યાયના મુદ્દાઓ સાથે પદયાત્રા કરી મતદારોને પરિવર્તન લાવવા માટે પ્રેરિત કરવાની અપીલ કરી હતી. આ સાથે જ પત્રકારો સાથે વાત કરતા નૈષધ દેસાઈએ રાજકીય ફટકાબાજી પણ કરી હતી. ખાસ કરીને તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જેમાં પ્રધાનમંત્રી મોદી રામ મંદિરના નામે મતોની લૂટ ચલાવી રહ્યાના આક્ષેપો કર્યા હતા. સાથે જ ગાંધીને રામભક્ત ગણાવી ગાંધી વિચારોને આધારે ચુંટણી લડવાની વાતો કરી હતી.